બાબરને કૅપ્ટન બનાવ્યો કોણે? કોણ છે એ આઇનસ્ટાઇન?: આવું કોણે કહ્યું?
કરાચી: પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકા અને ભારત સામેની હારને પગલે લીગ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ, એના કેટલાક ખેલાડીઓ અમેરિકામાં જ રહી ગયા છે અને કેટલાક ચૂપચાપ દેશ ભેગા થઈ ગયા છે. જોકે પાકિસ્તાનની ટીમ કરતાં બાબરની કૅપ્ટન્સી પર ટીકાનો વધુ વરસાદ થઈ રહ્યો છે.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ટીવી ચૅનલને મુલાકાતમાં બાબરને કૅપ્ટન બનાવવા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને સુકાની બનાવનારને પણ ઝપાટામાં લીધા છે.
શોએબ અખ્તરે ગયા વર્ષે નેતૃત્વ છોડી દેનાર બાબરને ફરી કૅપ્ટન બનાવવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પણ ટીકા કરી છે.
આ પણ વાંચો: T20 World Cup:પાકિસ્તાનની ટીમમાં કયા ત્રણ જૂથ પડી ગયા છે? કોણ છે જૂથના લીડર?
શોએબ અખ્તરે ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘પહેલી વાત એ છે કે બાબરને કૅપ્ટન બનાવ્યો કોણે? કોઈ છે એ આઇનસ્ટાઇન? મારે એ માણસનું નામ જાણવું છે. એ કામ માટે એ લાયક હતો ખરો? કૅપ્ટન્સી વિશે કંઈ જાણતો હતો ખરો? હું હંમેશાં કહેતો હોઉં છું કે બાબરમાં કૅપ્ટન બનવાના ગુણ છે જ નહીં. ખરેખર તો તેણે પોતાની બૅટિંગ સુધારવાની જરૂર છે. ખાસ કરીને તેણે પોતાની મૅચ-ફિનિશિંગની આવડત પણ ફરી બતાવવાની જરૂર છે.’
શોએબે બાબર પર વધુ ટીકાના તીર છોડતા કહ્યું, ‘જો બાબર ભૂલ પરથી નહીં શીખે તો ટીમમાંથી પણ જશે. મારો સવાલ એ છે કે બાબરનું હવે થશે શું? તેણે ચોથા નંબર પર રમીને મૅચ ફિનિશ કરવી જ પડશે અને પાકિસ્તાનને મૅચ જિતાડવી જ પડશે. હું ચોખ્ખા શબ્દોમાં કહું છું કે જો બાબર બૅટિંગ નહીં સુધારે તો ટી-20ની ટીમમાં પોતાનું સ્થાન પણ નહીં સંભાળી શકે.’