આમચી મુંબઈ

વિધાનસભા અધ્યક્ષ ટૂંક સમયમાં શિંદે અને ઠાકરેને નોટિસ આપશે

વિધાનસભ્યોની અયોગ્યતાનો કેસ

મુંબઈ: વિધાનસભ્ય અયોગ્યતા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર આગામી એક-બે દિવસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને નોટિસ મોકલવાના છે. તેથી હવે શિંદે અને ઠાકરેએ વિધાનસભ્યપદ અપાત્રતા અંગે પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.

મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની સુનાવણી અંગે નિર્ણય આપતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે વિધાનસભ્ય અપાત્રતા કેસ પર વિધાનસભા અધ્યક્ષ નિર્ણય લેશે. બુધવાર, ૨૦ સપ્ટેમ્બરના રોજ, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે દિવસ દરમિયાન કાયદાકીય નિષ્ણાતો અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરી, ત્યારબાદ બંને જૂથોના વડાઓને નોટિસ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો, સૂત્રોએ જણાવ્યું હતું. જેના પરથી જોઈ શકાય છે કે વિધાનસભ્યની ગેરલાયકાતની સુનાવણીની કામગીરી ઝડપી બની છે.

દરમિયાન, ઠાકરે જૂથ વતી ફરિયાદ કરવામાં આવી હતી કે વિધાનસભ્યોની અપાત્રતા કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. ઠાકરે જૂથે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટ દ્વારા શક્ય તેટલી વહેલી તકે વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ અરજી પર ત્રીજી ઓક્ટોબરે ફરી સુનાવણી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button