શિંદે ગેરલાયક ઠરે તો અજિત પવાર બનશે સીએમ
ભાજપ દ્વારા પ્લાન બી તૈયાર?
મુંબઈ: વિધાનસભ્યોની પાત્રતા મુદ્દે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરની આલોચના કરી હતી. શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા કે નહીં એ અંગેની સુનાવણી એક અઠવાડિયામાં શરૂ કરવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશને પગલે સત્તાધારી પક્ષની રાજકીય ગતિવિધિઓમાં વેગ આવ્યો છે. વિધાનસભા સ્પીકર દિલ્હી જવા રવાના થયા છે.
દરમિયાન એકનાથ િંશદે સહિત શિવસેનાના ૧૬ વિધાનસભ્ય જો ગેરલાયક ઠર્યા તો ભારતીય જનતા પક્ષ શું રાજકીય વ્યૂહ અપનાવશે એ વિશે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભાજપ દ્વારા પ્લાન-બી તૈયાર રાખવામાં આવ્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જો એકનાથ શિંદે ગેરલાયક સાબિત થાય તો અજિત પવારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. એમના પછી દેવેન્દ્ર ફડણવીસ, રાધાકૃષ્ણ વિખે પાટીલ અને નીતિન ગડકરીના નામની પણ ચર્ચા થઈ રહી છે.
આ અંગે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્લાન બી વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ‘મને એ અંગે કોઈ કરતા કોઈ જાણકારી નથી. એ વિશે કોઈ ચર્ચા પણ નથી થઈ. રાજ્યમાં ફરી એકવાર ચર્ચા થાય એ માટે કોઈએ આ હવાઈ ગયેલો બૉમ્બ છોડ્યો છે. કાયદાકીય બાજુ તપાસી સ્પીકરે નિર્ણય લેવાનો હોય છે. એ માટે જ તેઓ દિલ્હી ગયા હશે. રાહુલ નાર્વેકર વિધાનસભાના અધ્યક્ષ છે. કાયદાના અભ્યાસુ છે. તેઓ સ્વતંત્રપણે કાયદાની હદમાં રહી નિર્ણય આપશે.’