નવી દિલ્હી : UGC-NET પરીક્ષામાં ગેરરીતિની સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈએ(CBI)આઈપીસીની કલમ 120બી અને 420 હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ આગળ વધારી છે. આ પરીક્ષામાં ગેરરીતિને લઈને અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈને માહિતી મળી છે કે 16 જૂને યુજીસી નેટની પરીક્ષા લીક થયુ હોય તેવી સંભાવના છે. આ ઉપરાંત સીબીઆઈને આ પેપર ડાર્ક નેટની મદદથી 5 થી 6 લાખ રૂપિયામાં વેચવાના ઈનપુટ પણ મળ્યા છે.
પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ઈનપુટ મળ્યા હતા
યુજીસી નેટની પરીક્ષા 18 જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 19 જૂનના રોજ, ગૃહ મંત્રાલય હેઠળ આવતા ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરને ઈનપુટ મળ્યા કે આ પરીક્ષામાં કંઈક ખોટું થયું હશે.
પરીક્ષાનું પેપર ડાર્કનેટ પર ફરતું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષાનું પેપર 16મીએ ડાર્કનેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. હજુ સુધી સીબીઆઈ એ શોધી શકી નથી કે પરીક્ષાનું પેપર કોણે અને ક્યાંથી લીક કર્યું? સીબીઆઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના લોકોના સંપર્કમાં છે. જેમની જવાબદારી આ પરીક્ષાનું સંચાલન કરવાની અને પરીક્ષાના પેપરો જાળવવાની હતી.
સીબીઆઈ એનટીએ સહિત કેટલીક સંસ્થાઓની પૂછપરછ કરી રહી છે
પેપર લીક સાથે સંબંધિત ઈનપુટ મળ્યા બાદ, શિક્ષણ વિભાગના સચિવ સંજય મૂર્તિએ 20 જૂને સીબીઆઈને લેખિત ફરિયાદ કરી હતી. આના પર સીબીઆઈએ અજાણ્યા લોકો સામે ષડયંત્ર અને છેતરપિંડીની એફઆઈઆર નોંધી છે અને એનટીએ અને કેટલીક જુદી જુદી સંસ્થાઓના લોકોની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.