સ્પોર્ટસ

International Day of Yoga: મળો યુવરાજ સિંહના નવા યોગ-ટીચરને!

ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ પુજારા પણ યોગપ્રેમી છે

ચંડીગઢ/રાજકોટ: શુક્રવારે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ નિમિત્તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે (Yuvraj Singh) ફૅમિલી સાથે યોગના આસન કર્યા હતા.

યુવીએ ખાસ કરીને અઢી વર્ષના પુત્ર ઑરિયોનને આસન માટેની મૅટ પર સાથે રાખ્યો હતો. યુવીએ મીડિયામાં ફોટો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું, ‘મળો મારા નવા યોગ-ટીચરને’.

યુવીએ બ્રિટિશ ઍક્ટ્રેસ હૅઝલ કીચ સાથે લગ્ન કર્યા છે અને તેમને નવ મહિનાની પુત્રી પણ છે જેનું નામ ઓઉરા રાખ્યું છે. યુવી દર વર્ષે ‘યોગ દિવસ’ મનાવે છે.

યુવરાજની ભવ્ય કરીઅર 2017 સુધીની હતી, પરંતુ 2011માં વન-ડેના વર્લ્ડ કપ વખતે તે ક્રિકેટ-લાઇફની અભૂતપૂર્વ પળો માણવાની સાથે જિંદગીના સૌથી ખરાબ અરસામાંથી પણ પસાર થયો હતો. 2011માં ભારતે યુવીના અદ્ભુત પર્ફોેર્મન્સની મદદથી ટ્રોફી જીતી લીધી હતી. જોકે એ ટૂર્નામેન્ટ દરમ્યાન તેણે સ્વાસ્થ્યને અવગણ્યું જેને પગલે વિશ્ર્વ કપ બાદ તેના કૅન્સરના રોગનું નિદાન થયું હતું અને તેણે કેમોથેરપી સહિત મહિનાઓ સુધી સારવાર કરાવવી પડી હતી. જોકે આ ક્રિકેટ-યોધ્ધા પાછો રમવા આવ્યો અને બીજા પાંચ વર્ષ સુધી રમ્યો હતો. યુવી એ કપરા કાળ પછી આરોગ્ય વિશે સજાગ રહે છે અને નિયમિતપણે યોગના આસન કરે છે.

ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ ચેતેશ્ર્વર પુજારા (Cheteshwar Pujara)એ દર વર્ષની માફક ગઈ કાલે પણ ‘યોગા-ડે’ ઉજવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને એની કૅપ્શનમાં તેણે લખ્યું, ‘દાયકાઓથી યોગ અને ધ્યાન મારા સારથી રહ્યા છે. એનાથી મને ઑન અને ઑફ ધ પિચ ખૂબ મદદ મળે છે. આપણે સૌએ મન અને શરીરને નિરોગી રાખતી આ વિદ્યાનું સન્માન કરતા રહીને એને સદા અનુસરવી જોઈએ.’

ભારતીય ક્રિકેટર્સમાં ખાસ કરીને સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ તેમ જ મહિલા ક્રિકેટની ભારતીય લેજન્ડ મિતાલી રાજ પણ યોગના આસન ફૉલો કરતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button