પાંખા કામકાજે ધાતુમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરનાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખા કામકાજે વચ્ચે ધાતુમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨નો ઘટાડો આવ્યો હતો અને નિરસ માગે કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીમાં કિલોદીઠ રૂ. ત્રણનો અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો. તેની સામે ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીનો ટેકો મળતાં ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો સુધારો અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. બેનો અને ઝિન્ક સ્લેબમાં રૂ. એકનો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૧૪૭૮ અને નિરસ માગે કોપર કેબલ સ્ક્રેપ તથા કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૮૩૬ અને રૂ. ૮૨૬ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૩૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૭૬૭, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૨૭૦ તથા ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઍલૉય ઉદ્યોગની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૮૪૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતા કામકાજ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.