અમદાવાદમાં રોંગ સાઈડમાં ચાલતા પહેલા ચેતજો નહિ તો થશે જેલ
અમદાવાદ: શહેરમાં અકસ્માતોના વધી રહેલા પ્રમાણને લઈને પોલીસ હવે રોંગ સાઈડમાં વાહન હંકાવનારા સામે ડ્રાઈવ યોજવાની છે. આ ડ્રાઈવ આવતીકાલથી આગામી 10 દિવસ સુધી ચાલવાની છે . જો કે આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે દંડ કરવામાં નહિ આવે પરંતુ કેસ કરવામાં આવશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આવતીકાલ એટલે કે 22 જૂનથી લઈને 30 જૂન સુધી રોંગ સાઇડમાં ચાલતા વાહનચાલકો સામે ડ્રાઈવ કરવાની છે. જો કે કેસ કારવાની કામગીરી આ ડ્રાઈવના સમયગાળા બાદ પણ ચાલુ રાખવામાં આવશે. આ માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ડ્રાઈવ કરવામાં આવશે. જો કે આ ડ્રાઈવમાં કોઈપણ વાહનચાલકને દંડ નહિ ફટકારવામાં આવે પરંતુ તેના પર IPC કલમ 279 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 મુજબ ગુનો નોંધવામાં આવશે.
ટ્રાફિક જેસીપી એન.એન ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઇવ યોજવામાં આવશે. આ ડ્રાઇવ શહેરના એસ.જી હાઇવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઇવ યોજાશે. ડ્રાઇવ દરમિયાન વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.