વીક એન્ડ

શીર્ષાસન V/S સવાસન

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

યોગ દિવસ પર મેં માર્ક કરેલી અમુક બાબતોની ચર્ચા કરવી છે.

વિરોધ પક્ષનું પ્રિય આસન શીર્ષાસન છે. ઊંધા માથે થઈ ને વિરોધ કરી રહ્યા છે. શાસક પક્ષનું પ્રિય આસન સવાસન છે. એ પણ આંખ બંધ કરીને. વિપક્ષ તો ઢોલ નગારા લઈને મચી પડે પરંતુ સવાસન તૂટે નહીં.

લોકોને તો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જોઇએ છે.યોગ દિવસે જે અતિ ઉત્સાહી લોકો એ ફાંદ અવગણીને નીચા નમીને અંગૂઠા પકડવાનો ધરાહાર હઠાગ્રહ રાખ્યો હોય તે લોકોમાં હવે દુખાવાની દવા, માલિશનું તેલ, ટ્યુબ, પુરબહારમાં વપરાઈ ચુક્યા હશે.

સ્વાસ્થ્ય માટે યોગ જરૂરી છે પરંતુ નિયમિત રીતે કરો તો બાકી ફોટો પડાવી પક્ષના આકાઓને દેખાડવા માટે, ફેસબુક પર અપલોડ કરવા માટે, વરસના વચલા દહાડે કરો તો મણકાની તકલીફ થઈ જાય. અમારા ચુનિયા અને દિલાનો સિદ્ધાંત પ્રમાણે જિંદગી જીવવા માટે છે વળ ખાવા માટે નથી.

દેશ આખો જ્યારે ધંધો કરવા માગતો હતો કે
કરતો હતો ત્યારે એક દાઢીવાળા બાબા આવ્યા અને
દરેકને સમજાવ્યા કે ધંધો તો થશે યોગ કરો.

લોકો બગલમાં આસનિયા અને શેત્રંજી દબાવી દબાવી અને લાખોની સંખ્યામાં
સામે યોગ કરવા બેસી જતા. હવે પરિસ્થિતિ એવી થઈ
છે કે લોકો યોગ કરે છે અને બાબા ધંધો. જોકે સુપ્રીમ કોર્ટે હમણાં તેમને પણ શીર્ષાસન કરાવી લપડાકાસન કરાવ્યું છે. અત્યારે બાબા સવાસનમાં
જ છે.

વિચારવાયુ
દરેક “યોગી મુખ્યમંત્રી નથી હોતા, અને દરેક મુખ્યમંત્રી “યોગી નથી હોતા.

ચુનિયો દોડતો દોડતો મારી પાસે આવી અને હાથ ખેંચીને લઇ ગયો એક ખુલ્લા મેદાનમાં, ત્યાં ખૂણે
ઊભો રાખી અને મને કહ્યું કે સામે શું દેખાય છે મેં કહ્યું નાના ટેકરા જેવું કંઇક છે. મને કહે એ ટેકરો નથી
દિલો સૂતો છે ઉઠતો નથી. મને પણ આશ્ર્ચર્ય થયું કે
અહીં શું કામ સૂતો છે ચુનિયો કહે અમે બંને યોગ
દિવસ હોવાથી સરકારી આમંત્રણ પ્રમાણે યોગ કરવા આવ્યા હતા.

યોગ શિક્ષકે જે યોગાસનો શીખવાડ્યા તે મુજબ
લોકો કરતા હતા પરંતુ મને અને દિલાને સવાસન
માફક આવ્યું એટલે અમે લંબાવી અને આંખ બંધ કરી.

હું તો ત્રણ કલાક પછી જાગી ગયો પરંતુ દિલો
ગઈકાલનો જાગતો નથી. મેં જઈ અને દિલાના કાનમાં ખાલી એટલું કહ્યું કે થાળી પીરસાઈ ગઈ છે. તરત જ જાગ્યો.

વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી માટે અધિકારીએ ટ્રેક સૂટ, ટીશર્ટ આપવાની લાલચ આપેલી એટલે શીરા માટે શ્રાવક થયા હતા.

ચુનિયાને તો વાંધો ન આવ્યો તેના માપનું ટીશર્ટ અને પેન્ટ મળી ગયા. તેને પહેલા બ્લેક કલરના આપેલા પરંતુ એમાં ચુનિયાને જુદો પાડવો મુશ્કેલ હોય લાઇટ કલરના ટીશર્ટ ટ્રેકપેન્ટ આપ્યા. પરંતુ દિલા ને તો સાડા છ ફૂટની હાઇટ અને ૧૩૫ કિલોનો દાગીનો લગભગ દરેક ડ્ઢહ સાઈઝ ટ્રાય કરી લીધી છેલ્લે ૫ડ્ઢહ સાઈઝના નવા સિવડાવી ને આપવા પડ્યા.

દિલો અમસ્તો પણ ક્યાંક સૂતો હોય તો તેની બાજુના ત્રણ જણા દેખાય નહીં તેવું ટેકરા જેવું શરીર સવાસન સિવાય કાંઈ ન કરી શકે. દિલા અને ચુનિયાના બીજા ફેવરિટ આસનો એટલે નાસ્તાસન, ભોજનાસન, ટુંકમાં જલસાસન.

યોગી કરતા ઉપયોગી થવું જોઈએ અને કોઈને સળી કર્યા વગર શાંતિથી એક ખૂણામાં બેઠા રહો તો એ પણ યોગ જ છે.

ઘરના ના પાડે છતાં ચોપડીમાં જોઈ અને યોગા શીખવાના અભરખા ન રાખવા જોઈએ. ચુનિયાના કાકા એક મહિનો સૂતા રહ્યા તેનું કારણ ચોપડીમાં જોઈ અને કરેલા યોગ.

ઘરના બધા ના પાડે છતાં એકવાર બધા બહાર ગયા એટલે ચોપડીમાં જોઈ અને પગ માથાની પાછળ
ભરાવ્યો, હાથની આંટી ચડાવી, શરીર થઈ ગયું લોક, સજ્જડબંબ, હાથ પગ કઈ રીતે છુટ્ટા કરવાં તે વાંચવા જાય તે પહેલા ચોપડીનું પાનું ફરી ગયું. રાડારાડ થઈ
અને પાડોશીએ આવીને છોડાવ્યા પણ એક મહિનો
સારવાર ચાલી.

હું તો જો કે રોજ સવારે ૩૦ મિનિટ સૂર્ય નમસ્કાર કરું છું. આવું એક રાજકારણીએ કહ્યું ખરેખર તેનું શરીર જોઈ અને માન્યામાં ન જ આવે છતાં મીડિયાના મિત્રો એક વખત કિંગ ઓપરેશન કરવા ઘરે પહોંચ્યા ખરેખર નેતાજી અડધી કલાક સૂર્ય નમસ્કાર કરતા રહ્યા એટલે કે સૂર્યની સામે ખુરશી ઉપર બેસી અને નમસ્કારની મુદ્રામાં બેઠા હતા.

ચાલો મારો સવાસનનો સમય થઈ ગયો. જેટલું લાંબું સવાસન કરો તેટલી પૈસાની બચત થાય. કારણકે ખર્ચ કરવા માટે બહાર જવું પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button