આમચી મુંબઈ

સુરતના હીરાવેપારી સાથે 89.60 લાખની, ઠગાઈ: વાલકેશ્ર્વરના હીરાદલાલ સામે ગુનો

મુંબઈ: સુરતના હીરાવેપારી સાથે 89.60 લાખ રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દક્ષિણ મુંબઈના વાલકેશ્ર્વર ખાતે રહેતા હીરાદલાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ પ્રકરણે હીરાવેપારી દીપક મોરડિયા (36)ની ફરિયાદને આધારે પોલીસે મીત શાહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર મોરડિયાની કંપનીની સુરત અને બીકેસીના ભારત ડાયમંડ બુર્સમાં ઑફિસ આવેલી છે. બીકેસી સ્થિત ઑફિસમાં કામ કરતા બે કર્મચારી કંપની વતી હીરા વેચવા માટે હીરાદલાલને આપતા હતા અને જાંગડ પાવતી પણ બનાવતા હતા. આ પાવતી પર હીરાદલાલ અને કર્મચારી બન્નેના હસ્તાક્ષર રહેતા.

હીરાદલાલ નિશીત શાહના છેલ્લા એક દસકાથી મોરડિયાની કંપની સાથે વ્યાવસાયિક સંબંધ હોવાથી બન્નેનો એકબીજા પર વિશ્ર્વાસ હતો. નિશીતનો કઝિન મીત શાહ પણ ડાયમંડ બુર્સ ખાતે હીરાદલાલ તરીકે કામ કરતો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : છલકાયે જામઃ સુરતના અધિકારીઓનો દારૂની મહેફીલ માણતા એક નાગરિકે ઝડપ્યા

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે 24 જાન્યુઆરીએ મીત મોરડિયાની ઑફિસમાં આવ્યો હતો અને પોતાની ઓળખ નિશીતના કઝિન તરીકે આપી હતી. નિશીત સાથે મોબાઈલ ફોન પર વાત કરાવ્યા પછી મીત 89.60 લાખ રૂપિયાના હીરા વેચવા માટે લઈ ગયો હતો. તે સમયે ઑફિસના કર્મચારી હાર્દિક ભાલાણીએ જાંગડ પાવતી પર મીતની સહી લીધી હતી.
બીજે દિવસે ભાલાણીએ મીતને ફોન કરી હીરાની કિંમત બાબતે પૂછતાં તેણે વહેલીતકે ચૂકવી દેવાની તૈયારી દાખવી હતી. જોકે બાદમાં વારંવાર તે ઉડાઉ જવાબ આપતો હતો. આખરે મીતનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. વેપારીઓમાં તપાસ કરતાં બીજા કેટલાક વેપારીઓના પણ હીરા મીતે લીધા હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button