… તો અમેરિકા જનારા લાખો Indian Student’sને થશે ફાયદો, Donald Trumpની મહત્ત્વની જાહેરાત
વોશિંગ્ટનઃ ભારતમાં લોકસભાની ચૂંટણીના પડઘા શમ્યા છે ત્યાં હવે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી (America President Election)નું બ્યુગલ ફૂંકાયું છે અને એની સાથે સાથે જ ચૂંટણીમાં મતદાતાઓને આકર્ષવા માટે વચનોની વણઝાર શરૂ થઈ ગઈ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ પણ ચૂંટણીની મૌસમમાં વચનોનો આખેને આખો ખજાનો ખોલી દીધો છે. પહેલાં ટ્રમ્પ જે મુદ્દે આક્રમક વલણ અપનાવતા હતા હવે એ જ મામલે તેમનું વલણ કૂણું પડી રહ્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જે વિદેશ વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યા છે એમને સીધું ગ્રીન કાર્ડ મળે એવી તેમની ઈચ્છા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાષ્ટ્રપતિના ચૂંટણીના પ્રચાર દરમિયાન ટ્રમ્પ અમેરિકામાં ટુરિસ્ટનો વિરોધ કર્યો હતો અને હાલમાં તેમણે આપેલું નિવેદન એકદમ વિપરીત છે. ટ્રમ્પ હંમેશાથી જ અ મુદ્દે આક્રમક રહ્યા છે કે ગેરકાયદેસર રીતે અમેરિકા રહેતાં પ્રવાસીઓ પર જ ગુનાખોરી, નોકરી અને સરકારી યોજનાનો લાભ ઉઠાવવાનો આક્ષેપ પણ તેઓ લગાવી ચૂક્યા છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે એ લોકો જ આપણા દેશની લોહીમાં ઝેર ભેળવી રહ્યા છે.
આ બધા વચ્ચે હવે ટ્રમ્પે પ્રવાસીઓના મુદ્દે સીધો યુ-ટર્ન માર્યો છે અને હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું ઈચ્છું છે અમેરિકાની કોલેજમાં ભણી રહેલાં વિદેશી વિદ્યાર્થીઓ જેવા ગ્રેજ્યુએટ થાય એટલે તરત જ તેમને ડિગ્રીની સાથે સાથે અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીન કાર્ડ પણ આપવામાં આવે છે. આમાં જુનિયર કોલેજોનો સમાવેશ પણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ બનવાના પહેલાં જ દિવસથી હું આ મુદ્દે કામ કરવાનું શરૂ કરીશ.
આ પણ વાંચો : પુતિન-કિમ જોંગની મુલાકાતે કરી અમેરિકાની ઊંઘ હરામ, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી ડરી દુનિયા
ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સીધે સીધો અર્થ થાય છે કે જો આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવશે તો અમેરિકામાં ભણી રહેલાં કે ભવિષ્યમાં ત્યાં ભણવા જનારા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
અહીંયા તમારી જાણ માટે કે દર વર્ષે ભારકથી હજારો વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે અમેરિકા જાય છે. 2023ના આંકડાઓ અનુસાર આશરે 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવનારા નાગરિકોમાં પણ ભારતીયો બીજા સ્થાને છે. સીઆરએસના સર્વે અનુસાર 2022માં આશરે 65,960 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું હતું.
જોવાની વાત તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં એ સમયે આ પરિવર્તન આવ્યું છે જ્યારે હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ચૂંટણીના વર્ષમાં અનેક મહત્ત્વના પગલાં લેવા જઈ રહ્યા છે જેને કારણે અત્યાર સુધી કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ વગર રહેલાં લાખો અપ્રવાસીઓને રાહત મળી શકે છે અને તેમનો અમેરિકન સિટીઝનશિપ મેળવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.