T20 World Cup 2024સ્પોર્ટસ

પાકિસ્તાની ક્રિકેટરો બૈરી-છોકરાંને વર્લ્ડ કપમાં લઈ ગયા હતા? ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસ્યો

લાહોર: પાકિસ્તાનના ખેલાડીઓમાં એક તો સંપ ન હોય, કૅપ્ટન વારંવાર બદલાતા હોય, ઘણા પ્લેયરો ફૉર્મમાં ન હોય અને અમુક તો મૅચ-પ્રૅક્ટિસ વગર જ સીધા મોટી સ્પર્ધામાં રમવા આવી જતા હોય તો આંખે ચઢી જ જાય. એ તો ઠીક છે, પણ વર્લ્ડ કપ જેવી મોટી અને પોતાની કરીઅર તથા પોતાના દેશ માટે સૌથી અગત્યની કહેવાય એવી ટૂર્નામેન્ટમાં જો બૈરી-છોકરાંઓને ભેગા લેતા જાય તો કહેવું જ શું. એમાં ટૂર્નામેન્ટ દરમ્યાન ખેલાડીનું ગેમ પર ફૉકસ રહે જ ક્યાંથી!

અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના ટી-20 વર્લ્ડ કપમાં પહેલા યજમાન અમેરિકા સામે સુપર ઓવરના રોમાંચમાં અને પછી હંમેશની જેમ ભારત સામે હારી ગયેલી પાકિસ્તાનની ટીમ લીગ રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ એટલે એના પર ટીકાનો વરસાદ પહેલાથી જ ખૂબ વરસી ગયો છે એમાં હવે તેમનામાંથી ઘણા પ્લેયર પોતાના પરિવારના મેમ્બરોને વર્લ્ડ કપમાં પોતાની ભેગા લેતા ગયા હતા એવો અહેવાલ બહાર આવ્યો છે.

પીટીઆઇના અહેવાલ મુજબ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ પાયા વગરના કેટલાક અહેવાલોને ધ્યાનમાં લઈને બદનક્ષીને લગતો નવો કાયદો લાવવા વિચારે છે ત્યારે સ્થાનિક મીડિયામાં એવો અહેવાલ ફેલાયો છે કે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ, કોચિંગ-સ્ટાફ અને અન્ય અધિકારીઓ સહિત 34 જણ તેમ જ તેમના 26થી 28 જેટલા ફૅમિલી મેમ્બર્સને કારણે ટીમ માટે બુક થયેલી હોટેલ લગભગ તેમનાથી જ ભરેલી દેખાતી હતી.

આ પણ વાંચો : T20 World Cup: બાંગ્લાદેશના મહમુદુલ્લાહ સાથે થયું મોયે મોયે! આવો અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો

એમાં ખેલાડીઓની પત્ની, બાળકો, પૅરેન્ટ્સ તેમ જ (અમુક કિસ્સામાં તો) ભાઈ કે બહેન વર્લ્ડ કપની હોટેલમાં રહેતા હતા.
રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે કૅપ્ટન બાબર આઝમ, હારિસ રઉફ, શાદાબ ખાન, ફખર ઝમાન અને મોહમ્મદ આમિર જેવા ખેલાડીઓ પોતાના ફૅમિલી મેમ્બર્સને લઈને વર્લ્ડ કપમાં આવ્યા હતા. બાબર પરિણીત નથી. તેની સાથે તેના મમ્મી, પપ્પા અને ભાઇઓ હોટેલમાં રહેતા હતા.

અહેવાલમાં જણાવાયું હતું કે ‘પરિવારના મેમ્બર્સને પોતાની સાથે લાવવા પાછળનો ખર્ચ ખુદ ખેલાડીઓએ ભોગવ્યો હતો, પરંતુ ફૅમિલીના સભ્યો સાથે આવ્યા હોય એટલે ખેલાડીઓની રમવા પરની એકાગ્રતાને વિપરીત અસર થાય જ. ટીમ જે હોટેલમાં હતી એ હોટેલમાં ખેલાડી સિવાયના લોકોના રહેવા માટે 60 રૂમ બુક કરાવાઈ હતી.’

ખેલાડીઓ પરિવારના મેમ્બર્સ સાથે ડિનર લે કે બહાર ક્યાંક જાય એ તો સામાન્ય બાબત હતી. ભૂતપૂર્વ પાકિસ્તાની ટેસ્ટ વિકેટકીપર અતિમ ઉઝ ઝમાને કહ્યું હતું કે ‘ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ વખતે ખેલાડીઓને આવી છૂટ ન આપવી જોઈએ. આવી મોટી સ્પર્ધામાં ખેલાડીની એકાગ્રતા સૌથી મહત્ત્વની બાબત કહેવાય એટલે એમાં પ્લેયર્સને પોતાની સાથે પરિવારજનોને લઈ જવાની છૂટ ન મળવી જોઈએ.’

ક્રિકેટ બોર્ડ દ્વારા પાકિસ્તાની ટીમને આ ટૂર પર વિદેશી ટ્રેઇનર, સ્ટ્રેન્ગ્થ કન્ડિશનિંગ કોચ, ફિઝિયોથેરપિસ્ટ અને ડૉક્ટર આપવામાં આવ્યા હોવા છતાં મોહમ્મદ આમિર પોતાના ખર્ચે પર્સનલ ટ્રેઇનરને લઈ ગયો હતો. એક રિપોર્ટ મુજબ ટ્રેઇનિંગ સેશન દરમ્યાન આ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સાથી ખેલાડીઓથી અલગ એરિયામાં તાલીમ લેતો હતો અને એ માટે અગાઉથી તેણે ક્રિકેટ બોર્ડની પરવાનગી પણ લીધી હતી.

બાબર આઝમે એક યૂટ્યૂબર પાસેથી મોંઘીદાટ કાર ગિફ્ટમાં મેળવી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. જોકે પાકિસ્તાન બોર્ડ પાયા વિહોણા અહેવાલો વાયરલ કરનાર સામે કાનૂની પગલાં ભરવા વિચારે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button