Dragon fruitનું હબ બની રહ્યું છે Gujarat : આ વર્ષે કચ્છમાં 4300 ટન ઉત્પાદન!
ભુજ: ગુજરાતનો સૂકો અને સરહદી ગણાતો કચ્છ જિલ્લો હવે ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં મોખરે બની ગયો છે. છેલ્લા દસેક વર્ષથી શરૂ થયેલી ડ્રેગન ફ્રૂટની ખેતીનો વ્યાપ હવે કચ્છ જિલ્લાના ઘણા ખેડૂતો સુધી પહોંચી ચૂક્યો છે. 2018-19માં માત્ર 90 હેકટર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થતી હતી, જો કે હવે આ પાકનો વિસ્તાર 500 હેક્ટરને પણ વટાવી ચૂક્યો છે. 2023-24 ના વર્ષમાં કચ્છ જિલ્લામાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન 4300 ટન જેટલું થયું હતું.
ભુજ નજીકના રેલડી ગામના હરેશ ઠક્કર નામના એક પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું હતું કે તેમણે આજથી આઠ વર્ષ પહેલા 15 એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી હતી, જ્યારે આજે તેઓ દસ ગણી વધારે એટલે કે 150 એકર જમીનમાં ખેતી કરે છે. મુંદ્રા તાલુકાના અન્ય એક ખેડૂત ગીતા જેઠવા પણ 2021ના વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. તેમણે જણાવ્યું હતું કે 2021ના વર્ષથી ડ્રેગન ફ્રૂટની રહેલી માંગને જોતાં તેમણે આ ખેતી શરૂ કરી છે. આજે તેઓ ડ્રેગન ફ્રૂટ અને અમુક શાકભાજીને ઓર્ગેનિક રીતે પકવે છે.
જો કે આ બન્ને ખેડૂતો બાદ હવે જિલ્લામાં અનેક પ્રગતિશીલ ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટ જેવી બિનપારંપરિક ખેતી શરૂ કરી છે. સરહદી જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક અનુકૂળતા અને બજારમાં રહેલી માંગે આ પાકની ખેતીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કમલમથી ઓળખાતું ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં આજે કચ્છ જિલ્લો મોખરે છે.
આ પણ વાંચો : ગુજરાત કોરુંકટઃ છાંટા આવીને જાય છે, પણ મેઘો મંડાતો નથી, દિલ્હીમાં વરસાદ થતાં લોકોની આશા બંધાઈ
શું છે ડ્રેગન ફ્રૂટ ? ક્યારે થાય છે ઉત્પાદન ?
ડ્રેગન ફૂટ વિયેતનામનું રાષ્ટ્રીય ફળ છે અને ભારતમાં વર્ષો સુધી તેની આયાત કરવામાં આવતી હતી પરંતુ હવે ભારતના ઘણા રાજ્યોમાં તેની ખેતી કરવામાં આવી રહી છે અને તેના ઉત્પાદનમાં ગુજરાતનો કચ્છ જિલ્લો મોખરે રહ્યો છે. ડ્રેગન ફ્રૂટની બે રંગની જાત જોવા મળે છે. એક લાલ અને બીજી સફેદ, જો કે ભારતમાં મોટાભાગે લાલ ફ્રૂટની જ ઊંચી માંગ રહેતી હોવાથી ખેડૂતો તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફ્રૂટ 15 જૂનથી બજારમાં આવે છે અને નવેમ્બરના અંત સુધી બજારમાં રહે છે.
કચ્છના બાગાયત વિભાગના નાયબ નિયામક એમ. એસ. પરસાણિયાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કલમલ એટલે કે ડ્રેગન ફ્રૂટનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. કચ્છની આબોહવા ડ્રેગન ફ્રૂટને સાનુકૂળ છે. કચ્છની જમીન અને આબોહવાથી ડ્રેગન ફ્રૂટનો સ્વાદ બેજોડ બની જાય છે. આથી ખેડૂતો સારી આવક પણ આરી રહ્યા છે અને હવે આ ખેતી તરફ વધુને વધુ ખેડૂતો વળી રહ્યા છે. અહી પાકતા ફરેગણ ફ્રૂટમાંથી 75 ટકાની નિકાસ મુંબઈ, દિલ્હી, જયપુર સહિત ભારતના અનેક રાજ્યોમાં થઈ રહી છે.