બેંગલુરુ : તમિલનાડુમાં(Tamil nadu)સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. રાજ્યમાં આ મુદ્દો ચર્ચામાં છે અને શુક્રવારે જ્યારે વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ઘણા ધારાસભ્યોને બળજબરીથી વિધાનસભાની બહાર હાંકી કાઠવામાં આવ્યા હતા બાદમાં તે પરત ફર્યા હતા.તમિલનાડુમાં વિધાનસભાનું સત્ર 29 જૂન સુધી ચાલવાનું છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં આ મુદ્દે ચર્ચા નિશ્ચિત છે.
ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.
શુક્રવારે તમિલનાડુ વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના સભ્યોએ કલ્લાકુરિચીના લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો જેના પછી ઘણા પક્ષના સભ્યોને ગૃહની બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સ્ટાલિનની અપીલ બાદ વિપક્ષી સભ્યોની હકાલપટ્ટી રદ કરવામાં આવી હતી.
વિપક્ષના સભ્યોને બહાર હાંકી કાઢવામાં આવ્યા
તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા કે. પલાનીસ્વામીએ બાદમાં જણાવ્યું હતું કે સત્ર દરમિયાન AIADMK સભ્યોએ કલ્લાકુરિચીમાં લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમને તેમ કરવાની મંજૂરી આપવામાંઆવી ન હતી અને પાર્ટીના સભ્યોને બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે AIADMK સભ્યોને ગૃહમાંથી હાંકી કાઢવાની કાર્યવાહીને લોકશાહીની હત્યા” ગણાવી હતી. પલાનીસ્વામીએ દાવો કર્યો હતો કે કલ્લાકુરિચીમાં ઝેરી દેશી દારૂ પીવાથી 50 લોકોના મોત થયા છે.
મુખ્યમંત્રીની અપીલ પર સભ્યો પરત ફર્યા
વિધાનસભાના અધ્યક્ષ એમ. અપ્પાવુએ જણાવ્યું હતું કે AIADMK સભ્યો પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવવા માગે છે.જે ગૃહના નિયમોની વિરુદ્ધ હતો. તેમણે કહ્યું કે વિધાનસભાના સભ્યો પ્રશ્નકાળ પૂરો થયા પછી જ શૂન્યકાળ દરમિયાન કોઈપણ મુદ્દો ઉઠાવી શકે છે. જ્યારે AIADMK સભ્યો તેમની માંગ પર અડગ રહ્યા, ત્યારે સ્પીકરે તેમને ગૃહની બહાર હાંકી કાઠવાનો આદેશ આપ્યો.
Also Read: ચાર્જિગમાં મૂકેલી ઈલેક્ટ્રીક બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી આગ અને…
તેમણે એમ પણ કહ્યું કે વિરોધ પક્ષના ધારાસભ્યો આજે કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. બાદમાં મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વિધાનસભા અધ્યક્ષને મુખ્ય વિપક્ષી દળના સભ્યોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. અપ્પાવુએ તેમની અપીલ સ્વીકારી અને AIADMK ધારાસભ્યોને ગૃહમાં પાછા ફરવા કહ્યું. પલાનીસ્વામી સહિત વિપક્ષી પાર્ટીના ધારાસભ્યો કાળા શર્ટ પહેરીને વિધાનસભામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઘણા લોકોએ ઝેરી દેશી દારૂ પીધો હતો. આ પછી આ લોકોની તબિયત બગડવા લાગી અને એક પછી એક મોત થવા લાગ્યા. અત્યાર સુધીમાં ઝેરી દારૂના કારણે કુલ 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંબંધમાં, 49 વર્ષીય કે. કન્નુકુટ્ટી (ઝેરી દારૂ વેચનાર)ની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા લગભગ 200 લિટર ગેરકાયદે દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેન’ છે. આ મામલામાં બેદરકારી બદલ 9 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Also Read: Kangana Ranaut એ ચાહકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી, પાર્કમાં યોગ કરતો વિડીયો વાયરલ
વળતરની જાહેરાત
સીએમ એમકે સ્ટાલિને ઝેરી દારૂના કારણે જીવ ગુમાવનારાઓને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમજ દારૂ પીવાના કારણે બીમાર પડેલા લોકો માટે 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી ગોકુલદાસને આ મામલાની તપાસ કરીને 3 મહિનામાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. જસ્ટિસ ગોકુલદાસ તપાસ સમિતિના એકમાત્ર સભ્ય છે.