ચાર્જિગમાં મૂકેલી ઈલેક્ટ્રીક બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી આગ અને…

અમદાવાદઃ ગુજરાતમાં આજે શુક્રવારે આગની બે ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. જેમાં 14 વર્ષની તરૂણીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિ સહિત ત્રણ લોકો દાઝી ગયા છે. આ ઉપરાંત વડોદરામાં પણ એક બિલ્ડિંગમાં આગ લાગતા ચાર દુકાનો ભડકે બળીને ખાખ થઈ હતી.
સૂત્રોના પાસેથી મળતી મહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી. જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બાળક, વૃદ્ધ સહિત પાંચને રેસ્ક્યૂ કર્યા હતા. આ ઘટનામાં (મોહિની દેલારામ સિરવી ઉ.વ.17) નામની તરૂણીનું મોત નીપજ્યું છે. સાથે જ બહાર નીકળાનો જવાનો પ્રયાસ કરતા ચંપાબેન દેલારામ સીરવી, ચિરાગ દેલારામ સીરવી, દેલારામ જસારામ સિરવિ દાઝી ગયા છે.
આ ઉપરાંત બીજી એક ઘટના વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પાસે બની હતી. ફાયર વિભાગને કોલ મળતા તમામ ફાયર સ્ટેશનની નવ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. વડોદરા શહેરના દાંડિયાબજાર, વડીવાડી, જીઆઇડીસી, પાણીગેટ, ગાજરાવાડી સહિતની તમામ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. આ આગ વહેલી સવારે લાગી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.