ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓનાં ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૭ અને રૂ. સાતનો સુધારો આવ્યો હતો. તેમ જ ટીન તથા નિકલની આગેવાની હેઠળ બ્રાસ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, લીડ ઈન્ગોટ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ તથા રૂ. એકનો ઘટાડો આવ્યો હતો અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૭ વધીને રૂ. ૨૮૪૦ અને રૂ. સાત વધીને રૂ. ૧૪૯૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે અન્ય ધાતુઓ જેમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૬૮, કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૨૯, રૂ. ૭૬૫ અને રૂ. ૨૩૮ તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૮૩૯, રૂ. ૮૧૪, રૂ. ૫૨૫ અને રૂ. ૧૯૪ના મથાળે રહ્યા હતા.