વેપાર

સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૪૫૮ વધીને ₹ ૭૨,૦૦૦ની પાર, ચાંદીએ ₹ ૯૦,૦૦૦ની સપાટી કુદાવી

રેટ કટના આશાવાદે વૈશ્ર્વિક સોનું બે સપ્તાહની ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં અમેરિકાના આર્થિક ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ વધીને ગત સાતમી જૂન પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ૧.૭ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૩૦ ડૉલરની સપાટી પાર કરી ગયા હતા. આમ વિશ્ર્વ બજારના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૮૪૩ની તેજી સાથે રૂ. ૯૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૬થી ૪૫૮નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૭૨,૦૦૦ની સપાટી કુદાવી હતી.

આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૮૪૩ના ઉછાળા સાથે રૂ. ૯૦,૦૩૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૭ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર પણ વધી આવતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૬ વધીને રૂ. ૭૧,૮૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૫૮ વધીને રૂ. ૭૨,૧૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે મોડી સાંજે થનારી અમેરિકાના જોબલેસ (બેરોજગારી)નાં ડેટાની જાહેરાત પૂર્વે રેટકટના આશાવાદે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૩૪૦.૧૨ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૩૫૩.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૭ ટકા ઉછળીને ઔંસદીઠ ૩૦.૨૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

સોનાના વૈશ્ર્વિક ભાવમાં તાજેતરમાં કોન્સોલિડેશન જોવા મળ્યા બાદ સુધારો જોવા મળ્યો છે અને જો હવે અમેરિકાનાં આર્થિક ડેટાઓ નબળા આવે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતનાં નિર્ણયની ફેરસમીક્ષા કરી શકે છે અને સોનામાં સુધારો આગળ ધપે તેવી શક્યતા કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીન વૉટરરે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button