વેપાર

ડૉલર સામે રૂપિયો ૧૭ પૈસા ગબડીને બે મહિનાના તળિયે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેકસ અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૭ પૈસા ગબડીને બે મહિનાની નીચી ૮૩.૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૯૦૮.૩૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશને ધ્યાનમાં લેતાં અમુક અંશે ઘટતા રૂપિયાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૪ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૪૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૮ અને ઉપરમાં ૮૩.૪૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૭ પૈસા તૂટીને ૮૩.૬૧ની ગત ૧૬ એપ્રિલની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડતેલમાં ભાવવધારો અને એશિયન બજારોમાં મિશ્રથી લઈને નરમાઈનું વલણ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો ૮૩.૩૦થી ૮૩.૮૦ આસપાસની રેન્જમાં અથડાતો રહેશે.

દરમિયાન આજે રશિયા-યુક્રેન વચ્ચે ફરી ઉગ્ર યુદ્ધ શરૂ થયું હોવાના અહેવાલો વચ્ચે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૧ ટકા વધીને ૧૦૫.૧૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા વધીને બેરલદીઠ ૮૫.૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો ગબડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button