મેટિની

ગ્લોબલ મહાભારત!

મહાભારત પર બનેલી કાળમાં ખોવાયેલી એક વૈશ્ર્વિક કૃતિ

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

૧૯૮૮ની સાલમાં આપણા સૌની પ્રિય ટીવી ધારાવાહિક ‘મહાભારત’નું પ્રસારણ શરૂ થયું અને આખો દેશ જાણે દર અઠવાડિયે બી. આર. ચોપરાના એ સર્જન સાથે જ શ્ર્વાસ લેતો થઈ ગયો હતો. વેદ વ્યાસના મહાકાવ્ય ‘મહાભારત’ કે ટીવી સિરિયલ ‘મહાભારત’નું મહત્ત્વ તો સૌના હૃદયમાં ધબકે જ છે, પણ ૮૦ના દાયકાના બરાબર એ જ સમયગાળામાં ‘મહાભારત’ને લઈને જ બીજું એક અત્યંત મહત્ત્વનું સર્જન મનોરંજન જગતમાં થયું હતું, જેનાથી સામાન્ય ભારતીય દર્શક અજાણ છે. ચાલો જાણીએ એ વિશે
એ સર્જન ભારતીય ગ્રંથ પર હોવા છતાં વૈશ્ર્વિક હતું એટલે જ તેને ગ્લોબલ મહાભારત કહેવું પડે. ૧૯૮૯માં દિગ્દર્શક પીટર બ્રુકે મહાભારત પરથી બનાવેલી ‘ધ મહાભારત’ નામની ૩ કલાકની ફિલ્મ વિશ્ર્વના અનેક દેશોમાં રિલીઝ થઈ હતી.

દિગ્દર્શક પીટર બ્રુક મૂળ તો ઇંગ્લેન્ડના પણ પછીથી ફ્રાન્સમાં રહ્યા. ફિલ્મના સહલેખક જોન ક્લોડ કેરીયેર અને લેખિકા મેરી હેલન એસ્ટીયન પણ ફ્રાન્સના, પણ વિદેશી સર્જકો ભારતીય વિષય કે વ્યક્તિ પર ફિલ્મ બનાવે એ જ એની ખાસિયત નહોતી. વિદેશી સર્જકોને તો ભારતીય વિચારો સર્જન માટે સ્પર્શતા જ રહ્યા છે,પણ કૌરવો, પાંડવો, કૃષ્ણ અને ગીતાસભર આપણા ભારતવર્ષના મહાકાવ્ય પરથી બનેલી પીટર બ્રુકની ‘મહાભારત’ ફિલ્મમાં કામ કરનારા કલાકારોમાં ફક્ત દ્રૌપદીના પાત્રમાં મલ્લિકા સારાભાઈ સિવાય બધા જ વિદેશી કલાકારો હતા. હા, કૃષ્ણ, અર્જુન, ભીમ વગેરે પાત્રોમાં ‘મહાભારત’ને અનેક સ્તરે ગ્લોબલ બનાવવા માટે અલગ-અલગ ૧૬ દેશના એક્ટર્સને કાસ્ટ કરવામાં આવ્યા હતા. જસ્ટ વિચારો કે એ પાત્રોમાં આફ્રિકન, જપાનીઝ, અમેરિકન કે ઈંગ્લીશ એક્ટર્સ કેવા લાગે? બસ, આ જ કલ્પના એ વખતે હકીકત બની હતી.

પીટર બ્રુકનું માનવું હતું કે મહાભારત બધે જ છે. વિયેતનામ વોર પછી એમને થયું કે બધે જ વિનાશનું જોખમ છે અને આપણે સૌ તેમાં ભાગીદાર છીએ. આ વિચાર એમને સ્પર્શી ગયો અને એ જ તેમને ‘ધી મહાભારત’ બનાવવા સુધી પ્રેરી ગયો. પીટર બ્રુકની આ ફિલ્મ ભલે ૧૯૮૯માં રિલીઝ થઈ, પણ તેનો આરંભ થયો હતો ૧૯૮૫માં એક નાટક તરીકે.

પીટર બ્રુક, જોન ક્લોડ કેરીયેર અને લેખિકા મેરી હેલન એસ્ટીયને ૧૯૮૫ના એમના નાટક પહેલાં આઠ વર્ષ તેની તૈયારી કરી હતી. જોન ક્લોડ કેરીયેરે નાટકના ભાગરૂપે પીટર બ્રુક સાથે ખેડેલી ભારતની સફર પરથી ‘ઈન સર્ચ ઓફ ધ મહાભારત: નોટ્સ ઓફ ટ્રાવેલ્સ ઈન ઇન્ડિયા વીથ પીટર બ્રુક ૧૯૮૨-૧૯૮૫’ નામનું પુસ્તક લખ્યું છે. નાટકની તૈયારી માટે સંસ્કૃત મહાભારતનો આધાર તો ખરો જ, પણ મેરી હેલન એસ્ટીયન ભારતમાં મણિપુરથી લઈને કાંચીપુરમ સુધી ફર્યાં હતાં.

મહાભારત વિશે ભારતીયો પાસેથી જ વધુ જાણવા-સમજવા માટે એમની આ તૈયારી દરમિયાન એ અનેક બ્રાહ્મણો, નૃત્યકારો અને લેખકોને મળ્યાં હતાં. નાટક માટે તૈયારી કરવા જપાની મ્યુઝિક ડિરેક્ટર ત્સુચિતોરી તોશિયુકી પણ મહિનાઓ સુધી ભારતમાં રહીને ભારતીય સંગીત વિશે શીખ્યા હતા, પણ પીટર બ્રુકે એમને એક મહત્ત્વની સૂચના એ આપી હતી કે ‘આપણું સંગીત સૌ જાણે છે એનાથી અલગ અને નાવીન્યપૂર્ણ રાખવું છે.’ તોશિયુકી રવીન્દ્રનાથ ટાગોરના સંગીતથી ખાસ્સા પ્રભાવિત થયા હતા અને નાટકમાં પણ ‘રવીન્દ્ર સંગીત’નો પ્રયોગ કર્યો હતો.

આ નાટક સાથે સંકળાયેલી બીજી રસપ્રદ વાત એ છે કે ફક્ત વિદેશી સર્જક અને કલાકારો જ નહીં, પણ નાટકની ભાષા પણ હિન્દી કે ઈંગ્લીશ નહીં, ફ્રેન્ચ હતી. તમને કદાચ વિશ્ર્વાસ ન આવે તેવી હજુ વધુ વાત એ છે કે નાટકની લંબાઈ હતી પૂરા નવ કલાક! અને ઈન્ટરવલ્સને ઉમેરો તો તો પૂરા અગિયાર કલાક. હા, પીટર બ્રુકની મહાભારતની ગાથા અને વિચારને ફક્ત ભારત સુધી સીમિત ન રાખતા વિશ્ર્વમાં લઈ જવાની મહેચ્છા સાથે અનેક ખાસિયતો જોડાયેલી છે. ૧૯૮૫માં આ ફ્રેન્ચ નાટક ‘લૂ મહાભારત’ સૌ પ્રથમ ફ્રાન્સના એવન્યાનમાં ભજવવામાં આવ્યું હતું. પછી નાટક પૂરા ચાર વર્ષ સુધી અલગ-અલગ દેશોમાં ભજવાતું રહ્યું . બે વર્ષ પછી નાટક વધુ લોકો સુધી વિસ્તરે એ માટે તેને ઇંગ્લીશમાં અનુવાદિત કરવામાં આવ્યું હતું. નાટક ત્રણ હિસ્સામાં વહેંચાયેલું હતું: ૧) ધ ગેમ ઓફ ડાઇસ, ૨) ધી એક્ઝાઇલ ઈન ધ ફોરેસ્ટ અને ૩) ધ વોર.

નાટકને ૧૯૮૯માં જ ફિલ્મ તરીકે રિલીઝ કરતા પહેલાં છ કલાકની મિની ટેલિવિઝન સિરીઝ તરીકે શૂટ અને એડિટ
કરીને ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. એ પછી તેને એડિટ કરીને ત્રણ કલાકની ઇંગ્લિશ ફિલ્મ તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું. ૧૯૮૯ના ‘વિનસ ફિલ્મ ફેસ્ટિવલ’ માં ફિલ્મને ૨૦ મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. અને ટીવીનો અતિ પ્રખ્યાત ‘એમી’ એવોર્ડ પણ તેને મળ્યો હતો. વિશ્ર્વભરમાં નાટક અને ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, પણ જો એવું જ હતું તો પછી આપણને સ્વાભાવિક રીતે જ એક સવાલ થયા વિના રહે નહીં. આપણા મહાભારત પર બનેલા આ પ્રસિદ્ધ ‘ગ્લોબલ મહાભારત’ નાટક કે મૂવી વિશે મહત્તમ ભારતીયોને કેમ માહિતી નથી? તેનું કારણ પણ આપણા મહાભારત પ્રેમમાં જ છુપાયેલું છે. નાટક જયારે ૧૯૮૯માં ફિલ્મમાં રૂપાંતરિત થયું ત્યારે પીટર બ્રુકને તેને ભારતમાં રિલીઝ કરવાની ના પાડવામાં આવી હતી. મલ્લિકા સારાભાઈનું કહેવું છે કે ભારતમાં સ્વીકાર માટે રેસિયલ બાયસ ( વંશીય પૂર્વગ્રહ ) એક મોટું કારણ હતું. જોકે પીટર બ્રુકને એમ કહીને ના પાડવામાં આવી હતી કે ‘ભારતમાં પહેલેથી જ મહાભારત પર અતિ પ્રચલિત ટીવી સિરિયલ ચાલી રહી છે. લોકો વિદેશી એક્ટર્સ સાથેની આ ફિલ્મ જોઈને ગૂંચવાઈ જશે માટે આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવાની જરૂર નથી.’

ભારતીયો માટે કૃષ્ણ, યુધિષ્ઠિર કે ભીષ્મના પાત્રમાં અંગ્રેજ કે આફ્રિકનોને જોવાનો આ પ્રયોગ અજીબ તો હોત જ. બીજું કારણ કદાચ એ પણ ખરું કે લોકોની ધાર્મિક સંવેદના પણ કેવી પ્રતિક્રિયા આપત એ કંઈ કહી શકાય નહીં. આજે પણ કોઈ વિધર્મી રામાયણમાં કોઈ પાત્ર ભજવે ત્યારે વિરોધ થતો હોય છે તો ત્યારના ભારતીય દર્શકો ‘ ધ મહાભારત’ ફિલ્મને સ્વીકારી જ લેત એ કહી શકાય નહીં. એવા પણ રિવ્યુઝ છે કે પીટર બ્રુકની એ કૃતિ નિષ્ઠાવાળી હોવા છતાં ‘મહાભારત’ના તત્ત્વને સંપૂર્ણ ન્યાય આપી શકી નથી તો સામે અમુક વિવેચકોનું એમ પણ કહેવું છે કે પીટર બ્રુક આ ફિલ્મ થકી સમજાવે છે કે મહાભારતના વિચારને ફક્ત આપણા સુધી જ સીમિત ન રાખીને આ રીતે પણ વૈશ્ર્વિક સ્તરે પહોંચાડવો જોઈએ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button