આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

અભિનેતા અનુપમ ખેરની અંધેરીની ઑફિસમાં ચોરી

બે ચોર તિજોરી સાથે ‘મૈને ગાંધી કો નહીં મારા’ ફિલ્મની નેગેટિવ ઉઠાવી ગયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બહુમુખી પ્રતિભા ધરાવનારા અભિનેતા અનુપમ ખેરની અંધેરી સ્થિત ઑફિસનાં તાળાં તોડી બે ચોર તિજોરી સાથે ‘મૈને ગાંધી કો નહીં મારા’ ફિલ્મની નેગેટિવ ચોરી ગયા હતા.

અભિનેતાએ ઑફિસના વીડિયો સાથે અમુક વિગતો સોશિયલ મીડિયા પર શૅર કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંબોલી પોલીસે બે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અંધેરી પશ્ર્ચિમમાં વીરા દેસાઈ રોડ સ્થિત અનુપમ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઑફિસમાં બુધવારની મધરાતે ચોરીની ઘટના બની હતી. બુધવારની રાતે નવ વાગ્યાની આસપાસ ઑફિસ બંધ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે ઑફિસ ખોલવા કર્મચારી આવ્યા ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો: Renuka murder case: અભિનેતાના મેનેજર આત્મહત્યા કરી લીધી અને સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે

ઑફિસના બન્ને દરવાજાનાં તાળાં તોડી ચોર અંદર ઘૂસ્યા હતા. તિજોરી તોડી ન શકતાં ચોર તિજોરી જ ઉપાડી ગયા હતા. સાથે એક બૉક્સ લઈ ગયા હતા, જેમાં અનુપમ ખેરની ફિલ્મની નેગેટિવ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

ઑફિસ બહારના સીસીટીવી કૅમેરામાં બન્ને ચોર ઝડપાયા હતા. બે શકમંદ સામાન સાથે રિક્ષામાં બેસતાં ફૂટેજમાં નજરે પડે છે. પોલીસે ફૂટેજને આધારે બન્ને શકમંદની શોધ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button