નેશનલ

સંસદ ભવનના પરિસરમાંથી મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ હટાવવા બાબતે કોંગ્રસનો વિરોધ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge) લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને સંસદ ભવનમાં મહાત્મા ગાંધી, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય મહાનુભાવોની પ્રતિમાઓને એમના મૂળ સ્થાનેથી હટાવીને બીજી અન્ય જગ્યાએ સ્થાપિત કરવાનો આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. અને તેમણે આ તમામ મૂર્તિઓને ફરીથી એમના મૂળ સ્થાને સ્થાપિત કરવાની માંગ કરી હતી.

લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે દેશની મહાન વિભૂતિઓની પ્રતિમાને મનસ્વી રીતે સંસદના પરિસરમાંથી કોઈ અન્ય ખૂણામાં સ્થાપિત કરવામાં આવી રહી છે. આ બાબતે કોઈ પણ સાથે ચર્ચા કરવામાં નથી આવી અને આ લોકતંત્રની મૂળ ભાવનાનો ભંગ છે.

પોતાના પત્રમાં લખ્યું હતું કે મહાત્મા ગાંધી અને બાબસાહેબ આંબેડકર સહિત દેશના મોટા નેતાઓની પ્રતિમાઓને સંસદના મુખ્ય સ્થાન ઉપર ખૂબ જ સમજી વિચારીને સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિઓ સંસદ પરિષદના મુખ્ય સ્થળો પર સ્થાપિત કરવામાં આવી હતી જેને જાણી જોઈને વિસ્થાપિત કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે કોઈપણ સાથે ચર્ચા કર્યા વિના પોતાની મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો કોંગ્રેસ સખત વિરોધ વ્યકત કરે છે. દેશની એકતા અને અખંડિતતામાં આ બંને મહાન વિભૂતિઓનું વિશેષ યોગદાન છે અને તે માટે તેમની પ્રતિમાઓને પુરા આદર અને સન્માન સાથે એમના મૂળ સ્થાનો પર પુનઃ સ્થાપિત કરવામાં આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button