આ લોકો નથી કરતા ગણેશ મૂર્તિનું વિસર્જન, જાણો કારણ…
અત્યારે વિઘ્નહર્તા ગણેશજીનો તહેવાર ચાલી રહ્યો છે. આપણામાંથી ઘણા લોકોના ઘરે ગણપતિનું આગમન થયું છે અને દોઢ દિવસે, ત્રણ દિવસે, પાંચ દિવસે, સાત દિવસે અને અગિયારમા દિવસે આપણે વિસર્જન કરીએ છીએ. પરંતુ આજે આપણે અહીં એવા લોકો વિશે વાત કરીશું કે જેઓ ગણપતિનું વિસર્જન નથી કરતા, તેને બદલે એક કળશમાં ફૂલ નાખીને તેનું વિસર્જન કરે છે. આવો, જાણીએ શું છે એની પાછળની માન્યતા અને કેમ તેઓ ગણપતિનું વિસર્જન નથી કરતા?
આ લોકો છે કાશ્મીરી પંડિતો અને તેઓ ભગવાન ગણેશજીની મૂર્તિ એટલા માટે વિસર્જિત નથી કરતા કારણ કે જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય છે ત્યારે કાશ્મીરી પંડિતોના કુળદેવીના દિવસ ચાલતા હોય છે એટલે કે તેમના માતા કા દિન ચાલતા હોય છે. દરમિયાન ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ ગણેશજીને તેમના ચોક્કસસ્થાન પર જ પાછી મૂકી દેવામાં આવે છે અને 10 દિવસ બાદ પણ ગણેશજીની પૂજા કરીને તેમનું વિસર્જન કરવામાં આવતું નથી.
પૂજાના સ્થળે જ કાશ્મીરી પંડિતજી એક કળશમાં ફૂલ નાખીને તેનું જ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસોને કાશ્મીરીમાં ‘પન’ કહેવામાં આવે છે અને કાશ્મીરી પ્રસાદને ‘રોઠ’ કહેવામાં આવે છે, જે ગણેશ ઉત્સવના દિવસોમાં ચઢાવવામાં આવે છે. પહેલા આ પ્રસાદને માતાના ત્યાં મૂકવામાં આવે છે અને પછી ભક્તોને અને પાડોશીઓમાં વહેંચી દેવામાં આવે છે.
બસ, આ જ કારણ છે કે કાશ્મીરી પંડિતો ગણેશપૂજા કરીને પણ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતા નથી.