T20 World Cup 2024સ્પોર્ટસ

‘બુમરાહ હોય કે અર્શદીપ કે સિરાજ, કોઈને નહીં છોડું’: અફઘાનિસ્તાની બૅટરે આપી ચેતવણી

ભારત અને અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ-ઇલેવન જાણી લો…

બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપના સુપર-એઉટ રાઉન્ડનો રોમાંચક આરંભ થઈ ચૂક્યો છે અને આજે એમાં ભારતનો પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન સામે છે. બાર્બેડોઝમાં બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલની આ મૅચ પહેલાં અફઘાનિસ્તાનના સ્ટાર-બૅટર અને તાજેતરમાં જ આઇપીએલમાં કોલકાતાને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર તથા સ્ટાર બૅટર રહમનુલ્લા ગુરબાઝે ભારતના એકસાથે ત્રણ પેસ બોલરને ખુલ્લેઆમ ચેતવણી આપી છે.
ગુરબાઝે એક વીડિયોમાં કહ્યું છે કે તે જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ, ત્રણેયમાંથી કોઈ પણ પેસ બોલરની બોલિંગમાં આતશબાજી કરીને રહેશે.

આ વીડિયો આઇસીસીએ શૅર કર્યો છે જેમાં ઓપનિંગ બૅટર ગુરબાઝે જણાવ્યું છે કે ‘મારું નિશાન માત્ર બુમરાહ નથી. ભારતીય ટીમમાં પાંચ બોલર રમે છે અને એ તમામ મારા ટાર્ગેટ છે. બુમરાહ પછી બીજો બોલર આવશે તો એ પણ મને લક્ષ્યાંક બનાવી શકે. જોકે મને મોકો મળશે તો હું તેની બોલિંગમાં પણ ફટકા મારીશ. બુમરાહ હોય કે અર્શદીપ કે સિરાજ, મારા એરિયામાં બૉલ ફેંકશે તો હું ફટકો મારવાનું નહીં ચૂકું. તેઓ મને કોઈ પણ રીતે આઉટ કરવાનો પ્રયત્ન કરશે, પણ હું તેમની બોલિંગમાં ફટકાબાજી કરીશ.’

ગુરબાઝે ભારતની હરીફ ટીમના મુદ્દે કહ્યું, ‘અમે ભારત સામે આ પહેલાં પણ રમી ચૂક્યા છીએ. જોકે ત્યારની અને અત્યારની સ્થિતિમાં ફરક છે. અગાઉ વર્લ્ડ કપમાં અમારી માત્ર હાજરી બધાની નજર સમક્ષ રહેતી હતી, પણ હવે અમારી માનસિકતા અલગ છે. હવે અમે ચૅમ્પિયન બનવા માટે જ આવ્યા છીએ. ચૅમ્પિયન બનવાનું અમારા પર કોઈ જ દબાણ નથી, પરંતુ પ્રત્યેક મૅચ રમવા પર જ ફૉકસ રાખવું એ જ અમારો અભિગમ છે.’

ગુરબાઝ આ ટૂર્નામેન્ટની ચાર મૅચમાં 41.75ની સરેરાશે તેમ જ 150.45ના સ્ટ્રાઇક-રેટ સાથે 167 રન બનાવી ચૂક્યો છે જેમાં તેની બે હાફ સેન્ચુરી સામેલ છે.


બન્ને હરીફની સંભવિત ઇલેવન

ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ/શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કૅપ્ટન), રહમનુલ્લા ગુરબાઝ (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), ઇબ્રાહિમ ઝડ્રાન, ગુલબદીન નઇબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લા ઝડ્રાન, કરીમ જનત, નૂર અહમદ, નવીન-ઉલ-હક અને ફઝલહક ફારુકી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button