તમિલનાડુમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારુ પીવાથી 10 મોત, સરકારની મોટી કાર્યવાહી
કલ્લાકુરિચીઃ તમિલનાડુ (Tamilnadu)ના કલ્લાકુરિચીમાં કથિત રીતે ઝેરી દારુ પીવાથી 10 લોકોનાં મોતથી ખળભળાટ મચી ગયો. ઝેરી દારુ પીવાથી લોકો બીમાર પડ્યા પછી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પુડ્ડુચેરીની જેઆઈપીએમઈઆરમાં ભરતી કરવામાં આવેલા અમુક લોકોની તબિયત ગંભીર છે. સ્થાનિક લોકોના આરોપ અનુસાર ઝેરી દારુ પીવાને કારણે આ બધા લોકોની તબિયત લથડી હતી, જ્યારે જિલ્લા પ્રશાસન દ્વારા તેનો ઈનકાર કરવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન એમ. સુબ્રમણ્યમ સહિત ત્રણ વરિષ્ઠ પ્રધાન પણ તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ પણ વાંચો: એક્સાઈઝ વિભાગનો સપાટોઃ બ્રાન્ડેડ દારુમાં કેમિકલની ભેળસેળ કરનારા 6 ગઠિયા પકડાયા
રાજ્ય સરકાર વતીથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે મૃતકના પરિવારોને દસ-દસ લાખ રુપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા લોકોને સારી રીતે ઈલાજ કરવાની ભલામણ કરી છે.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સીબીઆઈ-સીઆઈડી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રવણકુમાર જાટવથની ટ્રાન્સફર કરવામાં આવી છે, જ્યારે નવા જિલ્લા કલેક્ટર તરીકે એમએસ પ્રશાંતની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભાજપના વિધાનસભ્ય ગેરકાયદે દારુની દુકાન ચલાવતા હોવાનો પ્રજ્ઞા સિંહ ઠાકુરનો આરોપ
કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજત ચતુર્વેદીને નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં તમિલનાડુના મરક્કાનમ ગામમાં ઝેરી દારુ પીવાથી 14 જણનાં મોત થયા હતા, જ્યારે ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરાન્થકમ ગામમાં આઠ જણ સહિત કુલ 22 લોકોનાં મોત થયા હતા.