Narayan Rane ‘અયોગ્ય માધ્યમો’નો ઉપયોગ કરીને ચૂંટણી જીત્યા હોવાનો રાઉતનો દાવો
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને સૌથી મોટો ફટકો પડ્યો, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ને ફાયદો થયો, પરંતુ હજુ પણ મહાયુતિના પક્ષોમાં અંદરોઅંદર ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે ઠાકરે જૂથના સાંસદ વિનાયક રાઉતે નારાયણ રાણે (Narayan Rane) અંગે સૌથી મોટો દાવો કરીને લોકોને ચોંકાવી નાખ્યા હતા.
શિવસેના (યુબીટી)ના નેતા વિનાયક રાઉત જેઓ મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધુદુર્ગમાંથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. તેમણે બુધવારે ભારતીય ચૂંટણી પંચને પત્ર લખીને આ મતવિસ્તારમાં ફરી મતદાન કરાવવાની માંગણી કરી હતી, જેમાં વિજેતા ઉમેદવાર પર આરોપ લગાવ્યો છે કે ભાજપના નારાયણ રાણે “ભ્રષ્ટ અને ગેરકાયદેસર વ્યવહાર”નો આશરો લઈને વિજયી બન્યા છે.
રાઉતના વકીલ અસીમ સરોદે દ્વારા મતદાન પેનલને મોકલવામાં આવેલી નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાણે દ્વારા “છેડછાડ, અન્યાયી/ભ્રષ્ટ વ્યવહાર” કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશપ્રમુખે આ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, જાણો શું કહ્યું?
તેણે કથિત ગેરરીતિઓ અંગે આગામી સાત દિવસમાં ભારતીય ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, રાણેએ રાઉતને ૪૭,૮૫૮ મતના માર્જિનથી હરાવ્યા, જેથી ભાજપ પ્રથમ વખત દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક જીતી શક્યો.
નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે વિનાયક રાઉત ન્યાય માટે લડવા અને નારાયણ રાણેની ચૂંટણી રદ કરાવવા માટે કટિબદ્ધ છે જેમણે ભ્રષ્ટ અને ગેરકાયદેસર પ્રથાઓ અપનાવી હતી જે મુક્ત અને ન્યાયી ચૂંટણીના બંધારણીય ઉદ્દેશ્ય માટે હાનિકારક છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રચાર 5 મેના રોજ સાંજે ૫ વાગ્યે સમાપ્ત થયા પછી ૭ મેના રોજ ભાજપના કાર્યકરો રાણે માટે પ્રચાર કરી રહ્યા હતા.
અમારા ક્લાયન્ટ (રાઉત) પાસે વીડિયો છે જેમાં જોઈ શકાય છે કે નારાયણ રાણેના કાર્યકરો રત્નાગીરી-સિંધુદુર્ગના મતદારોને લાંચ આપવા અને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમાં આરોપ છે કે ભાજપના નેતાના પુત્ર અને વિધાનસભ્ય નિતેશ રાણેએ મતવિસ્તારમાં ગામના સરપંચોને તેમની તરફેણમાં પડેલા મતોના આધારે ભંડોળ ફાળવવાનું કહ્યું હતું.