Gujarat : ત્રણ મહિના સુધી અપાશે 11 ઘાતક બીમારીઓથી રક્ષણ આપનાર TD અને DPTની રસી

ગાંધીનગર: રાજ્યમાં જૂન મહિનાથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આગામી ત્રણ મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. ગઇકાલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આગામી ઓગષ્ટ મહિના સુધીમાં 23 લાખ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે રસીકરણ કરવાના રાજ્યવ્યાપી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરી દીધો છે.
ગઇકાલે ગાંધીનગર ખાતેથી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યવ્યાપી રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જો કે આ રસીકરણ અભિયાનમાં TD (ટિટનેસ અને ડીપ્થેરિયા) અને DPT (ત્રિગુણી) ની રસી જૂન, જુલાઇ અને ઓગષ્ટ સુધી આપવામાં આવશે છે. જેમાં અંદાજે 23 લાખ બાળકોને રસીકરણ અભિયાન હેઠળ રસી આપવામાં આવશે.
રાજ્યની કોઈપણ સરકારી કે ખાનગી શાળામાં ધોરણ 5 થી 10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રસી મૂકવામાં આવશે. આ રસીથી ધનુર અને ડીપ્થેરિયા સહિતના 11 જેટલા ઘાતક રોગોથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને રક્ષણ આપે છે.
આ પણ વાંચો : Bihar: બિહારમાં ગુનેગારોના સીધા એન્કાઉન્ટરનો આદેશ! રાજ્ય સરકારના પ્રધાને કર્યો દાવો
બાલવાટિકાઓમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલ બાળકોને પણ ડીપીટીના બીજા ડોઝથી રસીકરણ કરીને ત્રણ રોગો સામે રક્ષણ આપવામાં આવશે. આ રસીકરણ માટે આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ (RBSK)ની 993 ટીમો દ્વારા રાજ્યની 49 હજારથી પણ વધુ શાળાઓમાં અભ્યાસ કરતાં આશરે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવશે.
જ્યારે 36 હજારથી પણ વધારે બાલવાટિકાઓમાં 6.13 લાખ જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવશે. જો કે આ સમય દરમિયાન રસીકરણથી વંચિત રહી જનાર બાળકોનું મમતા દિવસના સેશનમાં રસીકરણ કરવામાં આવશે.