દેવ-દિલીપ-રાજ
કૌટિલ્ય દવે
લવ સ્ટોરી ધરાવતી ફિલ્મોમાં પ્રણય ત્રિકોણનો ઉલ્લેખ થયા વિના રહે નહીં, એ જ રીતે ૧૯૫૦ – ૬૦ના દાયકાની હિન્દી ફિલ્મની વાત માંડીએ ત્યારે દેવ આનંદ – દિલીપ કુમાર – રાજ કપૂર એ અભિનેતા ત્રિકોણ વિશે વાત કર્યા વિના ચાલે નહીં. ગોલ્ડન ટ્રાયો તરીકે ઓળખ મેળવનાર આ અભિનેતા હિન્દી ફિલ્મના સુવર્ણકાળના દમદાર પ્રતિનિધિ છે. આ ત્રિપુટી અનેક અભિનેતા માટે પ્રેરણારૂપ રહ્યા છે અને હવે પછી પણ રહેશે. એકની વાત નીકળે ત્યારે બીજા બેનો ઉલ્લેખ અચૂક થાય. ત્રણેયની અભિનય કારકિર્દીનો પ્રારંભ ૧૯૪૦ના દાયકામાં લગભગ સાથે જ થયો. રસપ્રદ વાત એ છે કે ત્રણેય કલાકારની અભિનય શૈલી એકબીજાથી સાવ નોખી હોવાને કારણે તેઓ એક સાથે આગળ વધી કામ મેળવી નામ અને દામ મેળવવામાં સફળ રહ્યા. દિલીપ કુમારે ટ્રેજેડી કિંગ તરીકે પોતાનું સ્થાન પાકું કર્યું, રાજ કપૂર ચાર્લી ચેપ્લિનની સ્ટાઈલ અનુસર્યા જ્યારે દેવ આનંદ મોહક અભિનેતા તરીકે લોકપ્રિય સાબિત થયા.
દિલીપ કુમાર: મારી શરૂઆત દેવ આનંદ કરતાં એક વર્ષ વહેલી થઈ હતી. ૧૯૪૦ના મધ્ય ભાગમાં રાજ, દેવ અને મારી કારકિર્દીનો પ્રારંભ લગભગ એક જ સમયે થયો હતો. હું અને દેવ લોકલ ટ્રેનમાં સફર કરી જુદા જુદા સ્ટુડિયોમાં કામ માગવા જતા હતા. એકબીજા સાથે અમને બહુ જલદી ફાવી ગયું અને દેવ મિત્ર બની ગયો. મારો નાના ભાઈ નાસિર ખાન અને દેવ જીગરી મિત્રો હતા.૧૯૪૦ના અંત સુધીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમારા પગ જામવા લાગ્યા હતા. હું અને રાજ ‘શહિદ’, ‘અંદાઝ’ અને ‘બરસાત’થી સ્ટાર બની ગયા જ્યારે ‘ઝીદ્દી’ અને ‘બાઝી’થી દેવ છવાઈ ગયો. એકબીજા સાથે અમારો તાલમેલ પરફેક્ટ હતો અને એકબીજાના કામમાં માથું નહીં મારવાનો વણલખ્યો નિયમ અમે પાળતા હતા. અમે બોલી નહોતું બતાવ્યું, પણ ત્રણેયના દિલમાં એકબીજા માટે આદર હતો. અમે ત્રણેય વારંવાર મળતા અને પોતપોતાની ફિલ્મનું વિશ્ર્લેષણ કરતા. રાજ મારી અને દેવની આબેહૂબ નકલ કરતો એ જોઈ અમે ખડખડાટ હસી પડતા. દેવનું જમા પાસું એ હતું કે પ્રત્યેક સહ કલાકાર અને ટેક્નિશ્યનને સહકાર્ય કરતો. એના જેવું મોહક વ્યક્તિત્વ, એના ચહેરા પરનું સ્માઈલ મેં બીજા કોઈ અભિનેતામાં નથી જોયા. એને યોગ્ય સ્ક્રિપ્ટ અને કુશળ ડિરેક્ટર મળ્યા ત્યારે એનું પરફોર્મન્સ શાનદાર રહ્યું હતું. ‘કાલા પાની’, ‘અસલી નકલી’ અને ‘ગાઈડ’ એના શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમારા ત્રણમાં રોમેન્ટિક સીન કરવામાં એ બેસ્ટ હતો.
મને દેવ આનંદ સાથે ૧૯૫૫માં જેમિનીની ‘ઈન્સાનિયત’માં કામ કરવાનો મોકો મળ્યો હતો. ફિલ્મ કોસ્ચ્યુમ ડ્રામા હતી. મારી શૂટિંગની તારીખો સાથે અનુકૂળ થવા દેવએ ઉદારતા દેખાડી પોતાના પ્રોડક્શનની તારીખો કેન્સલ કરી હતી. જુનિયર આર્ટિસ્ટોને મદદરૂપ થવા, તેમનો ઉત્સાહ વધારવા એ સતત પ્રયત્નશીલ રહેતો હતો. કોઈની સાથે અન્યાય ન થાય એનું ધ્યાન રાખતો. અમે એકબીજાના પારિવારિક કાર્યક્રમમાં અચૂક હાજરી આપતા. એની બહેનના લગ્નમાં (૧૯૫૦ના દાયકાના મધ્ય ભાગમાં) અને એની દીકરી દેવીનાના લગ્નમાં (૧૯૮૫) મારી હાજરી હતી. ૧૯૬૬માં મારા સાયરા સાથે લગ્ન થયા ત્યારે દેવ પત્ની મોના સાથે દરેક વિધિમાં ખડે પગે હાજર રહ્યો હતો. અમને અંગત સંબંધમાં વ્યવસાય ક્યારેય આડો નહોતો આવ્યો. હું એને દેવ કહી બોલાવતો અને એ મને લાલે કહીને સંબોધન કરતો. લંડનમાં એનું અવસાન થયું એ ખબર જાણી મને આઘાત લાગ્યો હતો. મારો ૮૯મો બર્થડે સૌથી દુ:ખદ હતો, કારણ કે જન્મદિવસ પર આવી આવીને મને ભેટી ‘લાલે તૂ હઝાર સાલ જીયેગા’ કહેવાવાળો દેવ હાજર નહોતો. ‘દેવ કહાં ચલા ગયા મુજે છોડ કે.’
રાજ કપૂર: રાજ કપૂર અને દેવ આનંદ ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે નજરે નહોતા પડ્યા. જોકે, ૧૯૬૮માં આવેલી ‘શ્રીમાનજી’ (કિશોર કુમાર, આઈ એસ જોહર) ફિલ્મમાં દેવ આનંદ દેવ આનંદ તરીકે અને રાજ કપૂર રાજ કપૂર તરીકે નજરે પડ્યા હતા. અલબત્ત બંનેનો એક પણ સીન સાથે નહોતો. રાજ કપૂર – નરગીસ અને દેવ આનંદ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં સાથે હાજર રહ્યા હતા. એ ફેસ્ટિવલમાં દેવ સાબની ’આંધિયાં’ અને રાજ કપૂરની ‘આવારા’ દેખાડવામાં આવી હતી. નવરાશની પળોમાં દેવ આનંદ રાજ કપૂર અને નરગીસ એક ટેબલ પર બેસી ભોજનનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ત્રીસેક વર્ષની એક ઈટાલિયન મહિલા એમની પાસેથી પસાર થઈ. એનું ધ્યાન કલાકારો પર પડ્યું અને દેવ આનંદ – નરગીસને સંબોધી બોલી કે ’તમારી જોડી આકર્ષક છે.’ પેલી મહિલા પસાર થઈ ગયા અપચી રાજ કપૂરે હસતા હસતા દેવ સાબને કહ્યું કે ‘વાહ દેવ વાહ. તુમને તો મેરી હિરોઈન ચુરા લી.’ દેવ આનંદ આ સાંભળી ચૂપ ન બેઠા. તરત બોલ્યા કે ‘નહીં રાજુ, યહ મુજસે નહીં હોગા.’ આ જવાબ દેવ આનંદની પ્રતિમાના પ્રતિબિંબ જેવો છે. જોકે, ત્યારે દેવ સાબને ક્યાં ખબર હતી કે એક દિવસ રાજ કપૂર તેમની હિરોઈન (ઝીનત અમાન)ને ‘આંચકી’ જશે.
રાજ કપૂરના આર કે સ્ટુડિયોનો હોળી – ધુળેટી ઉત્સવ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત હતો. લગભગ બધાજ નામી કલાકાર એમાં સહભાગી થતા. જોકે, એક સુપરસ્ટાર આરકેના હોળી ઉત્સવમાં ક્યારેય નજરે નહોતો પડ્યો અને એ બીજું કોઈ નહીં, પણ દેવ સાબ હતા. જોકે, કપૂર પરિવાર સાથે અણબનાવ કે એવો કોઈ તર્ક બાંધી લેવાની જરૂર નથી. વાત એમ હતી કે દેવ સાબને હોળી રમવું બિલકુલ પસંદ નહોતું અને એટલે તેમણે ક્યારેય આર કે સ્ટુડિયોના હોળી – ધૂળેટી ઉત્સવમાં હાજરી નહોતી આપી. રાજ કપૂરને દેવ આનંદના અણગમાની જાણ હોવાથી તેમણે ક્યારેય આ ઉત્સવનું આમંત્રણ દેવ સાબને નહોતું આપ્યું.
ધર્મેન્દ્ર: દેવ સાબ પછી પંદરેક વર્ષ બાદ ફિલ્મોમાં પદાર્પણ કરનારા ધરમ પ્રાજી માટે તો દેવ આનંદ આદર્શ, પ્રેરણા મૂર્તિ હતા. દેવ સાબને યાદ કરી ધર્મેન્દ્રએ કહ્યું હતું કે મને એક્ટર દેવ સાહેબ માટે કાયમ આદર રહ્યો છે. એમની ફિલ્મ જોતો હોઉં ત્યારે તેમની હિરોઈનો પર મારી નજર પડે જ નહીં. મારા માટે તો દેવ આનંદ
જ ફિલ્મનું મુખ્ય પાત્ર રહ્યા છે. એમની સ્ટાઈલની કોઈ નકલ કરી નથી શક્યું અને ક્યારેય કરી પણ નહીં શકે. જ્યારે પણ હું નિરાશ થઈ જતો કે ઉત્સાહમાં ઓટ આવી જતી ત્યારે દેવ સાબને નજર સમક્ષ રાખી હું જાતને એટલું જ કહેતો કે ‘ધર્મેન્દ્ર ઊઠ. ખડા હો જા ઔર દેવ સાબ જૈસા કામ કરના શુરુ કર દે.’ ધરમ પ્રાજી અને દેવ સાબ એક જ ફિલ્મમાં નજરે પડ્યા હતા, ‘રિટર્ન ઓફ જવેલ થીફ’ જે સુપરફ્લોપ સાબિત થઈ હતી. હા, બંનેને સાથે ચમકાવતી ‘એક દો તીન’ નામની ફિલ્મનું મુહૂર્ત મેહબૂબ સ્ટુડિયોમાં થયું હતું, પણ ફિલ્મ ફ્લોર પર જવા પહેલા જ એનો વીંટો વળી ગયો હતો.