ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા ઊછળ્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૧૭૫.૮૬ કરોડની ચોખ્ખી લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે ૧૨ પૈસા ઉછળીને ૮૩.૪૩ના મથાળે બંધ રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સ્થાનિક બજાર બકરી ઈદ નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૫૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૫૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૨ અને ઉપરમાં ૮૩.૩૯ની રેન્જમાં અથડાઈને અંતે ૧૨ પૈસા વધીને ૮૩.૪૩ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી નવી ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા છે. તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૧૭૫.૮૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૧૦થી ૮૩.૭૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા વધીને ૧૦૫.૦૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૩૦૮.૩૭ પૉઈન્ટ અને ૯૨.૩૦ પૉઈન્ટ વધીને નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.