એકસ્ટ્રા અફેર

રાહુલનો રાયબરેલી જાળવવાનો નિર્ણય શાણપણભર્યો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણીમાં એક તરફ કૉંગ્રેસ ફરી બેઠી થઈ ગઈ તો બીજી તરફ રાહુલ ગાંધીની નેતૃત્વની ક્ષમતા સામે ઉઠેલા સવાલો પણ શમી ગયા. રાહુલ ગાંધીએ બે દેશવ્યાપી યાત્રા કરીને કૉંગ્રેસને ફરી બેઠી કરવામાં આપેલા યોગદાનને કારણે ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને પપ્પુ સહિતનાં વિશેષણોથી નવાજતા ભાજપના નેતા હવે રાહુલ વિશે અપશબ્દ બોલવાની વાત તો છોડો પણ રાહુલનું નામ લેવાથી પણ દૂર ભાગી રહ્યા છે. રાહુલ વિશે ગમે તેવો લવારો કરતા ભાજપના ટૂણિયાટ નેતાઓ તો સત્તરના ભાવમાં પતી ગયા છે ત્યારે રાહુલે રાયબરેલી અને વાયનાડ એમ બબ્બે બેઠકો પરથી જીત મેળવીને છાકો પાડી દીધો છે.

લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં ત્યારથી જ રાહુલ રાયબરેલી અને વાયનાડ એ બે બેઠકોમાંથી કઈ બેઠક જાળવશે એ સવાલ પૂછાતો હતો. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં બે બેઠકો પર જીત્યા હોવાથી નિયમ પ્રમાણે તેમણે એક બેઠક છોડવી પડે તેથી રાહુલ કઈ બેઠકની પસંદગી કરે છે એ સવાલ સ્વાભાવિક હતો. આ સવાલનો જવાબ મળી ગયો છે અને કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે, રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક જાળવી રાખશે અને કેરળની વાયનાડ બેઠક ખાલી કરશે. રાહુલ ગાંધીએ ખાલી કરેલી વાયનાડ લોકસભા બેઠક પરથી રાહુલની બહેન પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડશે.

મલ્લિકાર્જુન ખડગેના દાવા પ્રમાણે, તેમના નિવાસસ્થાને બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકના અંતે નક્કી થયું હતું કે, રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી પોતાનું સભ્યપદ ચાલુ રાખશે અને પ્રિયંકા ગાંધી ખાલી પડેલી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. કૉંગ્રેસમાં આ પ્રકારની બેઠકો નાટકથી વધારે કંઈ હોતી નથી. રાહુલ ગાંધીએ બહુ પહેલાં જ રાયબરેલી બેઠક જાળવી રાખવાનનું નક્કી કરી નાંખેલું પણ આ નિર્ણય પક્ષે લીધો છે એવું લાગે એ માટે તેમણે આ બેઠક બોલાવડાવી ને તેમાં પોતે લીધેલા નિર્ણય પર મંજૂરીની મહોર મરાવી દીધી.

રાહુલ ગાંધીએ લીધેલો નિર્ણય એકદમ યોગ્ય છે તેમાં કોઈ શંકા નથી. રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક છોડશે એવી વાતો ચાલી ત્યારે ભાજપના નેતાઓએ એવી ટીકા કરેલી કે વાયનાડ બેઠકના મતદારોએ રાહુલ અમેઠીમાંથી હારી ગયેલા ત્યારે પોતાને ત્યાંથી જીતાડીને સંસદમાં મોકલેલા. હવે રાહુલ રાયબરેલીમાંથી જીત્યા એટલે રાયબરેલીના મતદારો સાથે ગદ્દારી કરી રહ્યા છે. આ વાત વાહિયાત છે કેમ કે વાયનાડના સાંસદ તરીકે રાહુલ હોય કે પ્રિયંકા હોય, વાત એકની એક જ છે.

નહેરુ-ગાંધી ખાનદાનમાં સોનિયા, પ્રિયંકા અને રાહુલ ત્રણેય એક ટીમ તરીકે જ કામ કરે છે એ જોતાં નહેરુ-ગાંધી ખાનદાનની વ્યક્તિ જ વાયનાડની પ્રતિનિધિ રહેશે તેથી કોઈ ફરક પડવાનો નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, હું વાયનાડને ખોટ પડવા દઈશ નહીં અને આ વાત ખોટી નથી.

રાજકીય રીતે પણ રાહુલ ગાંધીનો વાયનાડ છોડીને રાયબરેલી બેઠક જાળવી રાખવાનો નિર્ણય યોગ્ય છે. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરીને ભાજપના બાર વગાડી દીધા છે. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકોમાંથી ૬૩ બેઠકો જીતનારો ભાજપ સાવ ૩૩ બેઠકો પર આવીને લબડી ગયો છે. ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપને નકારીને અખિલેશ યાદવમાં વિશ્ર્વાસ મૂક્યો છે. ભાજપના કટ્ટર મુસ્લિમ વિરોધી વલણને ફગાવીને લોકોએ અખિલેશ યાદવના સામાજિક રીતે પછાત લોકોના વિકાસના એજન્ડાને વધારે મહત્ત્વ આપ્યું છે.

અખિલેશને કારણે કૉંગ્રેસને પણ મોટો ફાયદો થઈ ગયો. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં માત્ર રાયબરેલીની બેઠક જીતનારી કૉંગ્રેસે આ વખતે યુપીમાં છ લોકસભા બેઠકો જીતી છે. કૉંગ્રેસને કુલ ૧૭ બેઠકો ફાળવાયેલી જ્યારે સમાજવાદી પાર્ટી ૬૨ બેઠકો પર લડી હતી. એક બેઠક તૃણમૂલ કૉંગ્રેસના લલિતેશપતિ ત્રિપાઠીને અપાયેલી પણ એ હારી ગયા.

અખિલેશે ૬૨માંથી ૩૭ બેઠકો જીતીને લગભગ ૬૦ ટકા બેઠકો જીતી છે જ્યારે કૉંગ્રેસે ૧૭માંથી છ બેઠકો જીતીને માત્ર ૩૫ ટકા બેઠકો જીતી એ જોતાં કૉંગ્રેસનો દેખાવ પ્રમાણમાં નબળો કહેવાય પણ અખિલેશ યાદવ સાથેના ગઠબંધનને કારણે કૉંગ્રેસ યુપીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી ગઈ છે. કૉંગ્રેસ માટે મોટી સિદ્ધિ એ છે કે, ૨૦૧૯માં ગુમાવેલી અમેઠી બેઠક તેણે વટ કે સાથ ફરી જીતી છે અને નહેરુ-ગાંધી ખાનદાન સામે સતત ઝેર ઓક્યા કરતાં સ્મૃતિ ઈરાનીને કારમી પછડાટ આપી છે. નરેન્દ્ર મોદીના જોરે કૂદાકૂદ કરતાં ને બહુ ચગેલાં સ્મૃતિને નહેરુ-ગાંધી ખાનદાનના વફાદાર કિશોરીલાલ શર્મા જેવા પ્યાદા દ્વારા હરાવીને કૉંગ્રેસે સ્મૃતિને જોરદાર જવાબ આપી દીધો છે.

કૉંગ્રેસે યુપીમાં પોતાનો પગ રહે એ માટે રાહુલ ગાંધીને યુપીમાં રાખવા જરૂરી હતા. યુપી દેશનું સૌથી મોટું રાજ્ય છે તેથી કૉંગ્રેસે કેન્દ્રમાં ફરી સત્તા પર આવવું હોય તો યુપીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવી જ પડે. રાહુલ યુપીમાં હોય તો આપોઆપ કૉંગ્રેસ મજબૂત સ્થિતીમાં થશે જ.

યુપીમાં ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી થશે ને ત્યારે પણ કૉંગ્રેસ અને સપાનું જોડાણ યથાવત્ જ હશે. એ વખતે રાહુલે વાયનાડ બેઠક છોડીને રાયબરેલી બેઠક જાળવી એ મુદ્દો કૉંગ્રેસ માટે મહત્ત્વનો સાબિત થશે. રાહુલે રાયબરેલી બેઠક છોડી હોત તો નહેરુ-ગાંધી ખાનદાને રાયબરેલીના મતદારોનો દ્રોહ કર્યો એવો પ્રચાર કરવાની ભાજપને તક મળી ગઈ હોત.

રાયબરેલી બેઠક પર વરસોથી સોનિયા ચૂંટાતાં હતાં ને હવે મતદારોએ રાહુલને ચૂંટ્યા તેથી રાહુલ રાયબરેલી છોડે તો ભાજપ એ મુદ્દો ઉઠાવે જ પણ રાહુલે ભાજપને એ તક નહીં આપીને શાણપણ બતાવ્યું છે.

રાહુલે રાયબરેલી પર પસંદગી ઉતારીને કેરળ અને યુપી બંનેને સાચવી લીધાં છે. કેરળમાં કૉંગ્રેસ પહેલેથી મજબૂત છે અને ડાબેરી મોરચા સાથે તેનું રાષ્ટ્રીય સ્તરે જોડાણ છે તેથી પ્રિયંકા વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડે તો કદાચ ડાબેરી મોરચો ઉમેદવાર પણ ઊભા નહીં રાખે. આ સંજોગોમાં પ્રિયંકા માટે વાયનાડમાંથી જીતવું બહુ સરળ છે. આ નિર્ણય દ્વારા કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીનો સત્તાવાર રીતે ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કરાવ્યો છે. વાયનાડથી જીતીને પ્રિયંકા લોકસભામાં પહોંચશે તો કૉંગ્રેસ લોકસબામાં પણ મજબૂત થશે કેમ કે પ્રિયંકા નિવડેલાં રાજકારણી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button