ટીએમસીના સાંસદો પવારને મળ્યા; શેરબજારની ‘હેરાફેરી’ની તપાસની માગણીને પવારનું સમર્થન
મુંબઈ: તૃણમૂલ કોંગ્રેસના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારને મળ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં એક્ઝિટ પોલ બાદ કથિત રીતે શેરબજારની હેરાફેરી થઈ તેની તપાસની ટીએમસીની માગણીને પવારે સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સૌથી મોટા શેરબજાર કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા હતા, જેમાં પરિણામો બાદ બજાર તૂટવાને કારણે રિટેલ રોકાણકારોને રૂ. 30 લાખ કરોડનું નુકસાન થયું હતું.
ભાજપે તેમના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા મમતા બેનર્જીએ નકલી એક્ઝિટ પોલનો ઉપયોગ કરીને શેરબજારોમાં કેવી રીતે હેરાફેરી કરવામાં આવી તેની તપાસની માગણી કરી છે.
મંગળવારે ફેસબુક પરની એક પોસ્ટમાં પવારે જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સાંસદો કલ્યાણ બેનર્જી, સાગરિકા ઘોષ અને સાકેત ગોખલે એક્ઝિટ પોલ દરમિયાન શેરબજારમાં થયેલી હેરાફેરીમાં તપાસની માગણી સાથે સેબીની મુલાકાત લેવા મુંબઈમાં આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવાર તેમને આ મુદ્દે સમર્થન આપે છે.
પવારે કહ્યું કે ટીએમસીના સંસદસભ્યોએ સવારે તેમના મુંબઈના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી.
શિવસેના (યુબીટી)ના સાંસદ અરવિંદ સાવંત, એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુલે અને ભૂતપૂર્વ વિધાન પરિષદના સભ્ય વિદ્યા ચવ્હાણ પણ આ બેઠકમાં હાજર હતા. (પીટીઆઈ)