ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં જાન્યુઆરી 2024માં યોજવામાં આવશે ઈલેક્શનઃ ચૂંટણી પંચ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી)એ તાજેતરમાં સૌથી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે દેશમાં જનરલ ઈલેક્શન જાન્યુઆરી, 2024ના અંતિમ સપ્તાહમાં યોજવામાં આવશે.

પાકિસ્તાનના ચૂંટણી પંચે આજે જાહેરાત કરી હતી કે દેશમાં સામાન્ય ચૂંટણી જાન્યુઆરી 2024ના છેલ્લા સપ્તાહમાં યોજાશે. એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મતવિસ્તારના સીમાંકન પરના કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે મતવિસ્તારોના સીમાંકન માટેની પ્રાથમિક યાદી 27 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. યાદી અંગેના વાંધાઓ અને સૂચનો મળ્યા બાદ 30 નવેમ્બરે અંતિમ યાદી જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

પાકિસ્તાનના ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં કહ્યું કે 54 દિવસના ચૂંટણી પ્રચાર કાર્યક્રમ પૂરા થયા બાદ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ચૂંટણી યોજાશે. આના એક દિવસ પહેલા ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે તેણે સામાન્ય ચૂંટણી માટે આચારસંહિતા પર ચર્ચા કરવા માટે આવતા મહિને રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કર્યું છે.

ચૂંટણી પંચના અહેવાલ અનુસાર નિયમોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા આચારસંહિતાના ડ્રાફ્ટને રાજકીય પક્ષો સાથે તેમના પ્રતિસાદ માટે શેર કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ કોડ અનુસાર રાજકીય પક્ષો, ચૂંટણી લડતા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટ પાકિસ્તાનના કોઈપણ અભિપ્રાય, અથવા વિચારધારાનો પ્રચાર કરશે નહીં અથવા કોઈપણ રીતે પાકિસ્તાનની સાર્વભૌમત્વ, અખંડિતતા અથવા સુરક્ષા, નૈતિકતા અથવા જાહેર વ્યવસ્થા માટે પ્રતિકૂળ અસર કરશે, અથવા પૂર્વગ્રહયુક્ત કાર્ય કરશે નહીં.

ચૂંટણી પંચે 2023ની ડિજિટલ વસ્તી ગણતરીની સૂચના પછી મતવિસ્તારના નવા સીમાંકનની જરૂરિયાતને ટાંકીને આ વર્ષે ચૂંટણીને નકારી કાઢી હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ અલ્વીએ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સિકંદર સુલતાન રાજાને જનરલ ઈલેક્શન માટે યોગ્ય તારીખ નક્કી કરવા માટે ગયા મહિને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનમાં કાયદા અન્વયે નેશનલ એસેમ્બલી ભંગ કર્યાના 90 દિવસમાં ચૂંટણી યોજવાની રહે છે, જે અન્વયે ઓગસ્ટ મહિના દરમિયાન એસેમ્બલીને ભંગ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button