GIFT city: દારૂની છૂટછાટ મળતા ગિફ્ટ સિટીમાં રિયલ એસ્ટેટના ભાવમાં વધારો નોંધાયો
અમદાવાદ: ગુજરાત સરકારે તેના 60 વર્ષથી વધુ જૂના દારૂબંધીના કાયદામાં છૂટછાટ આપતા ગિફ્ટ સિટી(GIFT City)માં ‘વાઇન એન્ડ ડાઈન સવિસ’ ઓફર કરતી હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકર વેચવા મંજૂરી આપી છે. ગુજરાત સરકારની આ જાહેરાત બાદ ગિફ્ટ સિટી અને આજુબાજુના વિસ્તારોમાં મકાનો અને જમીનના ભાવમાં 10% થી 20%નો વધારો થયો છે, ઘણા NRIએ પણ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. ગુજરાત રાજ્ય ડ્રાય સ્ટેટ હોવાથી દારૂના વપરાશમાં છૂટછાટ આપવાનો નિર્ણય વિવાદનું કેન્દ્ર બન્યો હતો.
ગુજરાત સરકારે ડિસેમ્બર 2023માં જાહેરાત કરી હતી કે તે GIFT સિટીમાં કામ કરતા લોકોને તેમના સત્તાવાર મહેમાનોની સાથે લાયસન્સ ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબમાં લીકર પીવાની મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે સરકારે માત્ર લિકર એક્સેસ પરમિટ અથવા કામચલાઉ પરમિટ ધારકોને જ નિયુક્ત વિસ્તારોમાં દારૂની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : ‘બહારથી આવતા યુવાનો નાઈટ લાઈફ ઇચ્છતા હોય છે….’: દારૂની છૂટ અંગે GIFT Cityના એમડીનો જવાબ
ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સાબરમતી નદીના કિનારે આવેલું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને ગિફ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ગિફ્ટ સિટી 880 એકરમાં ફેલાયેલુ છે અને તેમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)નો સમાવેશ થાય છે.
ગિફ્ટ સિટી SEZમાં વિભાજિત થયેલ છે જેમાં ફાઈનાન્શિયલ ઇન્સ્ટીટયુશન, બેંકો અને બિન-SEZ વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં કોમર્શિયલ ઓફિસની જગ્યાઓ અને રેસિડેન્શિયલ બિલ્ડીંગનો પણ સમાવેશ થાય છે. કુલ 880 એકરમાંથી, લગભગ 30% GIFT સિટી હાલમાં કાર્યરત છે અને કુલ વિસ્તારનો લગભગ 30% વિસ્તાર રહેણાંક પ્રોજેક્ટ્સ માટે આરક્ષિત છે.