નેશનલ

મહિલા અનામતના વિરોધમાં વોટ નાખનારા એ બે સાંસદોના નામ આવ્યા સામે…

નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ કે જેનો ઉલ્લેખ નારી શક્તિ વંદન બિલ તરીકે પણ કરવામાં આવે છે એ બિલ બુધવારે બે-તૃતિયાંશના બહુમત સાથે લોકસભામાં પાસ થયું હતું. 454 મત તરફેણમાં અને બે વોટ વિરોધમાં પડ્યા હતા અને હવે આ બિલના વિરોધમાં કયા બે સાંસદોએ મતદાન કર્યું હતું એના નામ પણ સામે આવી ગયા છે.

બુધવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બિલ પાસ કરવા માટે મતદાન કરાવ્યું હતું અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાકુલ મુસ્લિમીન (AIMIM)ના હૈદરાબાદના સાંસદ અસરુદ્દીન ઓવૈસી અને ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે મહિલા અનામતના બિલના વિરોધમાં મતદાન કર્યું હતું.

આજે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને ત્યાંથી પણ પાસ થઈ ગયા બાદ આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પાસે સહી કરવા માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી આ બિલ કાયદો બની છે. મહિલા આરક્ષણ બિલ નવી સંસદની લોકસભામાં પાસ થયેલું પહેલું જ બિલ છે.

મહિલા અનામત બિલ અનુસાર લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવામાં આવશે. લોકસભાની 543 સીટમાંથી 181 સીટ મહિલાઓ માટે અનામત રહેશે અને આ આરક્ષણ 15 વર્ષ સુધી લાગુ કરવામાં આવશે. ત્યાર બાદ સંસદ ઈચ્છે તો તેની સમયમર્યાદા વધારી શકાય એમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button