વાયકરને લોકસભાના સદસ્ય તરીકે શપથ લેતા રોકવા જોઈએ: રાઉત
મુંબઈ: મુંબઈ ઉત્તર પશ્ર્ચિમની બેઠક પર 48 મતોની પાતળી સરસાઈની જીત વિવાદમાં હોવાથી શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતું કે શિવસેનાના નેતા રવિન્દ્ર વાયકરને લોકસભાના સભ્ય તરીકે શપથ લેતા રોકવા જોઈએ.
મુંબઈની વનરાઈ પોલીસે 4 જૂને જ્યારે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ગોરેગાંવ (જે વાયકરના મતવિસ્તારનો એક ભાગ છે)ના એક મતગણતરી કેન્દ્રમાં કથિત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ વાયકરના સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો છે એમ જણાવતાં રાઉતે કહ્યું હતું કે ચૂંટણીમાં વાયકરનો વિજય અત્યારે શંકાના દાયરામાં છે અને મુંબઈના વનરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામોને લઈને ચાલી રહેલા વિવાદને કારણે વાયકરને લોકસભાના સભ્ય તરીકે શપથ લેતા રોકવા જોઈએ.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને લોકસભાના સભ્ય તરીકે રોકવામાં આવે એ જ સાચી લોકશાહી ગણાશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો ; પુણેમાં 17 વર્ષના સગીરે મહિલાને કાર નીચે કચડવાનો કર્યો પ્રયાસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ઉમેદવાર વાયકરે 4 જૂને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી)ના અમોલ કીર્તિકરને 48 મતોથી હરાવ્યા હતા.
રાઉતે કોઈનું નામ લીધા વિના દાવો કર્યો હતો કે વાયકરના એક સંબંધીએ વનરાઈ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત લીધી હતી અને તેનો હેતુ શો હતો એવો સવાલ કર્યો હતો. તે ત્યાં કેમ ગયો હતો? શું તે કોઈ સોદાબાજી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો? વિગતો જાહેર થવી જોઈએ, નહીં તો હું તેનો પર્દાફાશ કરીશ એમ સંજય રાઉતે કહ્યું હતું.
રાઉતે મતગણતરી કેન્દ્રમાં કથિત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા વાયકરના સંબંધીના મામલાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાજ્યમાં ફોરેન્સિક લેબ ગૃહ વિભાગનો ભાગ છે જેનું નેતૃત્વ ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરે છે. જો પુણે પોર્શ કાર અકસ્માતના (આરોપી)ના લોહીના નમૂનાઓ સાથે ચેડાં કરી શકાય છે તો કોઈ વ્યક્તિ કલ્પના કરી શકે છે કે પોલીસ કસ્ટડીમાં ફોન અને તેના ડેટાનું શું થઈ શકે છે, એમ તેમણે કહ્યું હતું.