રાજ્યમાં બે અકસ્માતોએ બે પરિવારના માળા વીંખ્યા: ચાર લોકોના કમકમાટીભર્યા મોત
અમદાવાદ: રાજ્યમાં આજે સર્જાયેલ બે ગોઝારા અકસ્માતોએ કુલ ચાર લોકોના ભોગ લીધા છે. એક તરફ પાટણના ગણેશપૂરામાં વતનમાં આવેલા પરિવારને જાણે આ પ્રવાસ અંતિમ પ્રવાસ બની રહ્યો અને જ્યારે બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં મંદિરે દર્શન કરવા ગયેલા પરિવારને ટ્રકે અડફેટે લેતા પિતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપૂરાના વતની અને હાલ સુરત રહેતા દેસાઇ પરિવાર રાત્રે તેમના વતનમાં આવૈ રહ્યો હતો. પરંતુ તેઓ પોતાના નિર્ધારિત સ્થાન પાસે પહોંચે ટે પહેલા જ તેમને કાળ આંબી ગયો હતો. તેમની કારની આડે નીલગાય ઉતરતા કાર વૃક્ષના થડ સાથે અથડાતાં અકસ્માતમાં બે લોકોના તો ઘટનાસ્થળે મોત થયા હતા. જો કે આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે.
આ પણ વાંચો : Train Accident: પશ્ચિમ બંગાળના ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, મૃતકના પરિજનોને 10 લાખના વળતરની જાહેરાત
પાટણના આ અકસ્માતને લઈને મળતી વિગતો અનુસાર મૂળ પાટણનો અને હાલ સુરત રહેતો દેસાઇ પરિવાર તેમના વતનમાં માતાજીના પ્રસંગને લઈને તેઓ વતનમાં આવી રહ્યો હતો. આ દરમિયાન વાગડોદથી વદાણી રોડ પર કારની આડે નીલગાય ઉતરી અને તેને બચાવવા જતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો કાર રોડની બાજુના વૃક્ષની સાથે અથડાય હતી. જો કે આ અકસ્માતમાં ગાડીમાં સવાર છ લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે 5 વર્ષના હિતકુમાર મહેશભાઈ દેસાઈ અને 65 વર્ષીય ઈશાબહેન જીવાભાઇ દેસાઈનું અવસાન થયું હતું. જ્યારે અન્ય ચાર લોકોને સારવારઅર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરંતુ હજુ એક ચેતનાબેન રાજુભાઈ દેસાઈની હાલત હજુ ગંભીર છે.
જ્યારે બીજો અકસ્માત ગીર સોમનાથ જિલ્લામાં શીતળા માતાજીને મંદિરે દર્શન કરવા ગયેલ પરિવારનો વેરાવળ-સુત્રાપાડા રોડ પર સર્જાયેલ અકસ્માતમાં પિતા અને સાત વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે માતા અને પુત્રીને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુત્રાપાડા ખાતે રહેતા રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ તેમના પત્ની, પુત્ર અને બે પુત્રીને તેમના સ્કૂટર પર શીતળા માતાજીના મંદિરે દર્શન કરવાઆ ગયા હતા. આ દરમિયાન લાટી ગામના પાટિયા નજીક તેઓ રસ્તાની બાજુમાં સ્કૂટર ઊભું રાખીને ઊભા હતા ત્યારે એક ટ્રકના ચાલકે ટ્રક બેફામ ચલાવીને પરિવારને અડફેટે લીધો હતો. જેમાં રમેશભાઈ રાઠોડ અને તેમના દીકરા ત્રિલોકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રમેશભાઈના પત્ની રામેશ્વરીબેન તથા પુત્રી સારીકા અને સીરતાને ઇજાઓ પહોંચતા પ્રથમ સુત્રાપાડા અને ત્યારબાદ વધુ સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનામાં ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ બાબતે ઉચ્ચ તપાસ હાથ ધરી છે.