યોગ મટાડે મનના રોગ: પ્રણવનાદની પણ અનેક પદ્ધતિઓ છે. માનસચિકિત્સા માટે પ્રણવનાદનો વિનિયોગ થઇ શકે તેમ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
(11) પ્રણવ-ઉપાસના
પ્રણવ-ઉપાસના સ્વરૂપત: ઉચ્ચકોટિની આધ્યાત્મિક સાધના છે, પરંતુ મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ તથા જાળવણી માટે તથા ચિત્તની શુદ્ધિ અને શાંતિ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય તેમ છે.
પ્રણવ-ઉપાસનામાં ત્રણ તત્ત્વો પ્રધાન છે:
(1) પ્રણવ-નાદનું ઉચ્ચારણ.
(2) પ્રણવ-નાદ સાથે કાન અને ચિત્તનું અનુસંધાન.
(3) પ્રણવના અર્થનું ચિંતન.
પ્રણવ બ્રહ્મવાચક નાદ છે અને પરમાત્માનું સર્વશ્રેષ્ઠ નામ છે. સૃષ્ટિ નાદમાંથી ઉત્પન્ન થઇ છે અને તે આદિ નાદનું સૌથી નજીકનું અનુકરણ તે જ પ્રણવ-નાદ છે. પ્રણવના અનુસંધાન દ્વારા સાધક તે આદિ નાદ સુધી પહોંંચે છે અને આદિ નાદના અનુસંધાન દ્વારા નાદ-બિંંદુ-કલાના અધિપતિ પરમાત્મા સાથે તદાકારતા સિદ્ધ થઇ શકે છે.
પ્રણવનાદની પણ અનેક પદ્ધતિઓ છે. માનસચિકિત્સા માટે પ્રણવનાદનો વિનિયોગ થઇ શકે તેમ છે. જેઓ અતિ ચંચળતા, અતિક્રિયાશીલતા, અતિ આવેગશીલતા, ભય, ચિંતા આદિ અનુભવતા હોય તેમને નીચા સ્વરનો પ્રણવ આપવામાં આવે છે. જેઓ વિષાદ, વૈફલ્ય, શક્તિહીનતા આદિ અનુભવતા હોય તેમને ઉચ્ચ સ્વરનો પ્રણવ આપવામાં આવે છે.
સાધકની પ્રણવ-ઉપાસના અને મનોરોગીની પ્રણવ-ઉપાસનામાં ભિન્નતા હોય તે સ્વાભાવિક જ છે. મનોરોગીને અવસ્થાને અનુરૂપ પ્રણવ ઉપાસનાનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે.
(12) ચિંતન
આત્મચિંતન અર્થાત્ પોતાના સ્વરૂપનું ચિંતન તે ચિંતનનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે.
હું નિત્ય શુદ્ધ, બુદ્ધ આત્મા છું, હું સચ્ચિદાનંદસ્વરૂપ છું, મને રાગ, દ્વેષ, ભય, ચિંતા, કામ, ક્રોધ આસિ કશું હોઇ શકે નહીં – આ રીતે પોતાના આત્મસ્વરૂપની સતત વિચારણા કરવી તે ચિંતન છે.
સ્વરૂપવિસ્મૃતિમાંથી ચિત્તની અશુદ્ધિઓ અને ચિત્તની વિકૃતિઓ જન્મે છે. સ્વરૂપનું સ્મરણ આ અશુદ્ધિઓ અને વિકૃતિઓના વિસર્જનની ઉપાય છે. આત્મા પોતાના- નિજ સ્વરૂપમાં સર્વ અશુદ્ધિઓ અને સર્વ વિકૃતિઓથી સર્વથા પર છે. આ આત્મસ્વરૂપનું સ્મરણ, આ આત્મસ્વરૂપનું ચિંતન અને આ આત્મસ્વરૂપની ઝલક સર્વ અશુદ્ધિઓ અને વિકૃતિઓને બાળી નાખવા સમર્થ છે. આત્મસૂર્યના પ્રકાશમાં અશુદ્ધિઓ-રૂપી અંધકારનાં જાળાં ટકી શકે નહીં.
આત્મચિંતન વસ્તુત: આધ્યાત્મિક સાધના છે. પરંતુ મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણી માટે પણ તેનો ઉપયોગ થઇ શકે તેમ છે.
(13) અવધાન
અવધાન એટલે જાગૃતિ. પોતાના વર્તન અને પોતાના ચિત્તની ગતિવિધિ પ્રત્યે જાગૃત રહેવું તે અવધાન સાધનનું સ્વરૂપ છે. વ્યક્તિ બેભાનપણે જીવે છે. તેથી તેના ચિત્તમાં તથા જીવનમાં અશુદ્ધિઓ અને વિકૃતિઓ પ્રવેશે છે. જાગૃત વ્યક્તિના ચિત્તમાં અને જીવનમાં અશુદ્ધિઓ અને વિકૃતિઓ ટકી શકે નહીં. અવધાન અર્થાત્ જાગૃતિ તો પ્રકાશ છે અને અશુદ્ધિઓ અને વિકૃતિઓ અંધકારની સેના છે. અવધાનના પ્રકાશમાં અંધકારની સેના ટકી શકે નહીં. અશુદ્ધિઓ અને વિકૃતિઓ પ્રત્યે જાગૃત બનવું, જાગૃતભાવે તેમનું દર્શન કરવું તે જ એક મોટી સાધના છે, તે જ એક ઉપાય છે, તે જ શુદ્ધિની એક સમર્થ પ્રક્રિયા છે.
(14) ધ્યાન
ભારતીય અધ્યાત્મવિદ્યામાં ધ્યાનની એક પદ્ધતિઓ ઉપલબ્ધ છે. મન:સ્વાસ્થ્યની જાળવણી માટે અને મનની વિકૃતિઓને દૂર કરવા માટે ધ્યાનની કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય તેમ છે.
ધ્યાતા ધ્યે સાથે તદાકાર થઇ જાય તે. ધ્યાનનું કેન્દ્રસ્થ લક્ષણ છે. ધ્યાતા જ્યારે ધ્યેય સાથે તદાકાર થાય ત્યારે ધ્યાતા અને ધ્યેયના દ્વૈતનું નિરસન થાય છે. આ દ્વૈતનું નિરસન થવાથી ધ્યાતાના `સ્વ’નું વિસર્જન થાય છે. સ્વ કે અહંકાર ચિત્તની સમસ્યાઓનું કેન્દ્ર છે. આ અહંકારરૂપી કેન્દ્રના વિલીનીકરણની કળા જેને હાથ લાગે છે તેના ચિત્તની અશુદ્ધિઓ અને વિકૃતિઓના વિલીનીકરણનો પ્રરંભ થઇ જાય છે.
ધ્યાનની અવસ્થા ઊર્ધ્વચેતનામાં પ્રવેશની ઘટના છે. ધ્યાનાભ્યાસથી ઊર્ધ્વચેતનાનો પ્રકાશ સાધકની ચેતનામાં પ્રસરવા માંડે છે. આ પ્રકાશમાં અશુદ્ધિઓ અને વિકૃતિઓ પણ ઓગળવા માંડે છે.
ધ્યાનની અનેક પદ્ધતિઓ છે. બધી પદ્ધતિઓ મનોરોગી માટે શક્ય નથી, પરંતુ તેમાંની અમુક પદ્ધતિઓ તેમના સરળ મનોરોગીને પણ આપી શકાય તેમ છે. કોના માટે કઇ પદ્ધતિ, ક્યા સ્વરૂપે આપવી તેનો નિર્ણય અધિકારી પુરુષ કરી શકે છે.
ધ્યાનની કેટલીક સરળ પદ્ધતિઓ અહીં પ્રસ્તુત છે:
- ઇષ્ટદેવની મૂર્તિ કે ચિત્રનું ધ્યાન
- આત્મસ્વરૂપનું સાક્ષીભાવે ધ્યાન
- નિર્વિચાર-અવસ્થામાં સ્થિર રહેવાનું ધ્યાન
- બ્રહ્મસ્વરૂપનું ધ્યાન
- અવધાનસ્વરૂપી ધ્યાન
- શ્વાસ, નામજપ આદિ ક્રિયાઓ દ્વારા ધ્યાન
(15) પ્રાર્થના અને કૃપા
અન્ય સર્વ ઉપાયો કૂવાના પાણી જેવા છે. પરમાત્માની કૃપા અનરાધાર વર્ષા છે. મન:સ્વાસ્થ્યની
જાળવણી માટે મનોરોગોને દૂર કરવા માટે પણ પરમાત્માની કૃપા કાર્ય કરે છે. પરમાત્માની કૃપાનો એક સ્પર્શ સાધકના ચિત્તને પરિશુદ્ધ બનાવી શકે છે. પરમાત્મા `કર્તુમકર્તુમન્યથાર્ક્તુમ્’ સમર્થ છે.
કોઇ એવો પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે કે મનોવિજ્ઞાન તથા માનસચિકિત્સાને પરમાત્માની કૃપા સાથે શું સંબંધ છે? આ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તમે કૃપાને શા માટે ઘુસાડો છો? પરમાત્માની કૃપા એક સત્ય છે.
માનવજીવનમાં પરમાત્માની કૃપાને પણ સ્થાન છે. ભારતીય મનોવિજ્ઞાનમાં પરમાત્મા અને તેની કૃપાને સ્થાન છે. તેથી અમે માનસચિકિત્સા માટે પરમાત્માની કૃપાનો પણ ઉલ્લેખ કરીએ છીએ. કોઇ જુનવાણી કહે કે આધુનિક કહે, તે મુખ્ય નથી, મુખ્ય તો છે સત્ય! અને સત્ય એ છે કે પરમાત્મા છે. પરમાત્માની કૃપા છે, પરમાત્માની કૃપા જીવનમાં કાર્ય કરે છે અને પરમાત્માની કૃપા દ્વારા માનસચિકિત્સા પણ થાય છે.
પરમાત્માની કૃપાને પામવાનો આપણી પાસે શું ઉપાય? ઉપાય છે- પરમાત્માને હ્રદયપૂર્વક પ્રાર્થના કરવી તે.
માનવની પ્રાર્થના અને પરમાત્માની કૃપા- આ બંને મળીને એક વર્તુળ પૂરું થાય છે અને બંને સાથે મળીને બધું જ કરવા સમર્થ છે.
(16) સમર્પણ:
પરમાત્માને પોતાની જાય, પોતાનું ચિત્ત, પોતાની મુશ્કેલીઓ -સર્વ સમર્પિત કરવું તે ચિત્તશુદ્ધિનો અને જીવનશુદ્ધિનો વિરલ અને સમર્થ ઉપાય છે.
ભગવાનને સમર્પિત થવું સરળ નથી. સમર્પણ અંતિમ સોપાન છે, પ્રથમ સોપાન નથી. પરંતુ સમર્પણની ભાવના કરવી તે પણ ચિત્તશુદ્ધિ માટે ખૂબ ઉપકારક સાધન છે.
હું ભગવાનને મારું જીવન સમર્પિત કરું છું. આ પ્રકારની ભાવના પણ મન:સ્વાસ્થ્યની પ્રાપ્તિ અને જાળવણી માટે એક મૂલ્યવાન ઉપાય છે. ભગવાન છે, ભગવાન કૃપાળુ છે, ભગવાન મને સહાય કરશે, ભગવાન મારી રક્ષા કરશે- આ સ્વરૂપની શ્રદ્ધા એક બહુ મોટું બળ છે અને આવી શ્રદ્ધા તથા ભગવાનને પોતાનું જીવન સોંપવાની ભાવના કરવી- આ બંને બહુ મોટાં પરિબળ છે અને તેમના દ્વારા માનવચિત્તના સ્વાસ્થ્ય માટે ઘણી સહાયતા મળે છે.
ભારતીય માનસચિકિત્સામાં આ પ્રકારની અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ છે. બધી પદ્ધતિઓ બધા માટે નથી, તેમ જ એક જ પદ્ધતિ પણ બધા માટે એક જ સ્વરૂપે વિનિયુક્ત થઇ શકે તેમ નથી. કઇ વ્યક્તિ માટે કઇ પદ્ધતિ ક્યા સ્વરૂપે અનુકૂળ છે તેનો નિર્ણય તે વિષયના અધિકારી પુરુષો જ કરી શકે છે. વળી એક જ વ્યક્તિ માટે એક કરતાં વધુ પદ્ધતિઓનો સમન્વય પણ કરી શકાય તેમ છે. દા. ત. પ્રાણાયામ અને શવાસન બે પદ્ધતિઓ છે, પરંતુ શવાસનમાં સરલ ઉજજાયી પ્રાણાયામ કરવાની એક સમન્વયાત્મક પદ્ધતિ પણ છે.
- ઉપસંહાર:
આધુનિક માનસચિકિત્સામાં નિમ્નલિખિત ત્રણ તત્ત્વોનું ઘણું ખેડાણ થયું છે:
(1) મનોરોગોનું વર્ગીકરણ અને લક્ષણો
(2) મનોરોગોનું નિદાન
(3) અજાગૃત અને જાણવાની પદ્ધતિઓ
ભારતીય માનસચિકિત્સા પોતાના વિકાસ માટે અને પોતાના ચિકિત્સાકાર્ય માટે આધુનિક મનોવિજ્ઞાનનાં આ તત્ત્વોનો ઉપયોગ કરી શકે તેમ છે.
તે જ રીતે આધુનિક મનોવિજ્ઞાન પણ ભારતીય મનોવિજ્ઞાન પાસેથી
નિમ્નલિખિત ત્રણ તત્ત્વોમાંથી ઘણું પામી શકે તેમ છે:
(1) ભારતીય મનોવિજ્ઞાનનું જીવનદર્શન
(2) મનોરોગની કારણમીમાંસા
(3) ભારતીયમાનસચિકિત્સાપદ્ધતિઓ
આ પ્રકારના પરસ્પર વિનિમય દ્વારા બંને માનસચિકિત્સાપદ્ધતિઓ વધુ સમૃદ્ધ બની શકે તેવી ઘણી શક્યતા છે.