હું તો આ હાલી
ટૂંકી વાર્તા -પૂજાભાઈ પરમાર
ડાઈ ડોહી અને સમજુમા બેય વાતે વળગી હતી.
‘કંકુડીન હવ ક્યાં લગણ બેહાડી રાખવી સ?’
‘જ્યાં હુધી ઈનો વર જાતે તેડવા નો આવ તાં લગણ’.
‘તિ જુવાન સોડીન જંદગી આખી બેહાડી રાખીશ?’
‘તિ વારે વારે ઈનો હાહરો તેડવા આવ સ. કંકુડીન ઈના વર હારે પઅણાવી સ ક ઈના બાપ હારે? સરમાતો નથી તિ ઘડીએ ઘડીએ ધોડ્યો આવ સ. મન તો ઈમ લાગ સ હ, ઈનો વર માણાહમાં નથી.’
‘કંકુડીન પાંહે બેહાડી પૂસી લેવું જોઈ. કે’હાસું સું સે?
‘પૂસી પૂસીન થાકી ગઈ પણ કભારજા મોઢામાંથી કાંઈ ફાટતી જ નથી. આખો દિ’ ઓડા જીમ મૂંગીમંતર થઈ બેઠી રઈ સ!’
‘પણ આ ફેરે ઈનો બાપ તેડવા આવ તો છેલુકી વાર મોકલી દે. પસી જો રિહામણે આવ તો નો મોકલતી.’
‘ઈ નંઈ બન. સોડી ય કે’સે – ભાભો જાય સિથરે મારે. ભાભા ભેળી નંઈ જાવ. વર જાતે આવ અન હું કવ ઈમ ઈ કર તો હાહરે જાવ. નઈતર નંઈ!’
કંકુ સાત વરસમાં ચૌદ વાર રિસામણે આવી હતી અને ચૌદેય વાર સસરો ભાભો ગાડું જોડી તેડવા આવ્યો હતો અને સમજાવી ફોસલાવી, સાચા અતલસના પડવાળી ધડકી ઉપર બેસાડી કંકુને તેડી ગયો હતો. આ વખતે સમજુ અને એની દીકરી કંકુ ચાડે ભરાઈ હતી કે વર જાતે તેડવા આવે અને કંકુ કહે એમ કરવા તૈયાર હોય તો જ કંકુ સાસરે જવા તૈયાર થાય.
ન વર તેડવા આવ્યો કે ન એનો ભાભો તેડવા આવ્યો. એક વરસ ઉપર વહ્યું ગયું. કંકુ તો નહોતી અકળાતી પણ એની મા સમજુ જવાન દીકરીને ઘરમાં બેસાડી રાખવા બદલ રાતદિવસ ચિંતાગ્રસ્ત થઈ જતી હતી.
ડાઈ ડોહી સમજુની ચિંતા સમજતી હતી અને વારંવાર સમજુ આગળ આવતી હતી અને ભાભો તો ભાભો જે તેડવા આવે એની સાથે કંકુને મોકલી દેવા સમજાવતી હતી. પણ ચાડે ભરાયેલ કંકુ કે એની મા સમજુ બેમાંથી એકેય માનતી નહોતી.
ડાહી ડોહીનેય એક દીકરી હતી. એ પણ કંકુની જેમ રિસામણે બેઠી હતી. પણ એને તો ઝાઝો વખત થઈ ગયો હતો અને પછી તો ક્યાંક નાતરે દીધેલી. પહેલો વર તો ક્ષય કે કેન્સર એવા કોક રોગથી ગુજરી ગયેલો પણ આ નવા નાતરાવાળું ઘર એ જણ સાથે બહુ બનેલું નહીં આથી એ પણ રિસામણે બેઠેલી.
જોતજોતામાં કંકુને રિસામણે બેઠેલી એને સાત વરસ થઈ ગયાં હતાં. સરસો ગલઢો ભાભો તેડવા આવે તો એની સાથે નહીં, વર જાતે જ તેડવા આવે તો જ સાસરે જાય એવી રઢ કંકુ અને કંકુની મા સમજુ પકડી બેઠેલી. એના કારણે કંકુના વરે વકીલ મારફત નોટિસ અપાવેલી કે, ‘કંકુ સાત સાત વરસથી ઘરસંસાર ભોગવતી નથી અને એની માતાને ત્યાં નોખી રહે છે એટલા માટે છૂટાછેડા માગુ છું’ એવી નોટિસ આપીને એના વરે છૂટાછેડા માગ્યા હતા. પણ આવી નોટિસને કંકુ અને કંકુની મા ઘોળીને પી ગઈ હતી. અને સામો જવાબ આપ્યો હતો કે, ‘તારામાં કાંઈ નથી ન ઠાલો ઠાલો નોટિસ આલીન અમારામાં ઈંગોરા હું કામ મૂક સ? તારે બીજું ઘર કરી લેવું હોય તો કરી લે. પણ આ ફેરે કે ઓલી ફેરે તારા ડોહાની હારે નંઈ આવું તિ નંઈ જ આવું. બે વરહ તારી હારે રઈ એટલી વારમાં અડખે પડખેમાં હાહરે નવી આવેલી વઉઓના ખોળા ભરાણાં હું તો હાવ વાંઝણી. તું ‘તેડવા આવ્ય’ ઈમ ભાભા હારે ટાણે ટાણે કેવરાવું સું પણ તું આવતો નથી અન ભાભાને જ મોકલ્યા મોકલ્યા કરસ. માર તન ભેળો દવાખાને લઈ જાવો સે પણ તું દવાખાને ભેળો ક્યાંથી આવ્ય? આવ્ય તો તો તારી પોલ ખુલી જાય ન? માણાંહમાં નથી એવો ઉઘાડો પડી જા. ઈની બીક સે તને અન તારા બાપ બેયને. ઈમાટે એકલો કમાડ બંદ કરીન હુઈ ર ઘરમાં. ઈ જ લાગનો સો તું’ આવો જવાબ આપીને કંકુ બેસી ગયેલી.
ડાઈ ડોહી કંકુના ગામની નહોતી. રાંડેલી દીકરીને ચાર-છ મહિના રિસામણે બેસાડેલી. એની છોડીનો વર કંકુના વરની જેમ તેડવા નહોતો આવતો. ડોહો ગાડું જોડીને તેડવા આવેલો. એકાદ – બે વાર તેડવા આવેલા ડોહાને પાછો કાઢેલો. પણ પછી સમજીને ડાઈ ડોહીએ દીકરીને ગાડામાં બેસાડી દીધેલી. એ પછી ડાઈ ડોહી કંકુના ગામે રહેવા આવેલી. ડાહી ડોહી વારંવાર કંકુની મા સમજુને સમજાવતી કે, ‘હમજુ, જીદ કરતી પાસી વળ, જુવાનજોધ સોડીન હાત હાત વરહથી ઘરમાં બેહાડી રાખી સતી કાલ્ય હવારે સોડી ક્યાંક કાળો કામો કરી બેહશે તો? તો મલક વશાળ જીવવું ભારે થઈ પડશે તને….’
સમજુ જવાબ આપતી. ‘મનય ઈનો ધખારો તો સે. સોડીની લાયમાં ન લાયમાં ગલઢી ખખ થઈ ગઈ સું. માથાના મોવાળાય ધોળી પૂણી રોખા થઈ ગ્યા સ. સોડી માનતી જ નથી. કે’સે હારે નંઈ જાવ તિ નંઈ જ જાવ.’
‘તિ ડોહામાં કાંઈ ભૂલ?’
‘હસી જ ની. સોડીએ કાંક ભાળ્યું હસી તઈ જ ઈની હારે જવા નંઈ મંડાતી હોયની.’
‘સોડીન હમજાવ. જે હોઈ ઈ હખોવા દખોવા સોડી ઘર બાંધી લેય ઈ હારું.’
‘સોડી કેઈસ મારા વર માણાંહમાં નથી. ડોહો ગાડામાં હાચા અતલસની ધડકી નાખી તેડવા આવ. વસમાં ભાડિયો કૂવો આવ ન્યાં ડોહો ગાડું અટકાવી દેય. ભાતું છોડી ખાવા બેહે ને મારા વાંહે હાથે ફેરવતો જાય. સું કવ માડી? ડોહો કાંઈ હાવ ડોહો નથી. કટમ્બમાં બાપદીકરા સિવા કોઈ નંઇ. ડોહો ખડીએ ઘડીએ. ડોહી મરી ગ્યા કેડયે ઉકરાટા વધી ગ્યા સ. હું ડોહાનું સત પારખી ગઈસું. માડી, એવા ડોહા હારે હું કીમ જાઉં?’
પછી તો સમજુ વાતો કરતી ગઈ ને ડાઈ ડોહી ‘હોવ… હોવ…’ કરતી ગઈ. સમજુ વાતો કરતી બંધ થઈ ગઈ અને ડાઈ ડોહી આવતી બંધ થઈ ગઈ. સમજુને ડાઈ ડોહીનો આવરો-જાવરો અચાનક શાને કારણે બંધ થઈ ગયો તે ન સમજાયું. પરંતુ એક દિવસ ડાહી ડોહીની દીકરી કડવી એને ઘરઘાવી હતી ત્યાંથી માને મળવા આવી અને અચાનક કંકુ સાથે વાતે વળગી ત્યારે સમજુમાને નહોતું સમજાયું તે કંકુને સમજાઈ ગયું!?
કંકુને બાદલપર પરણાવી હતી. એનો વર માલો ખરેખર માણસમાં નહોતો. આ હકીકત માલાનો બાપ સિંથરો ડોસો પણ જાણતો હતો. કંકુ સારે આવી ત્યાર પછી માલો માણસમાં નથી એવું જાણતાં ‘એ રિસામણે આવી છે’ એવું બહાનું કાઢી, સાસરે ન ગઈ. સમજુમાએ સમજાવી ફોસલાવી, સિંથરો ડોસો ગાડું જોડી તેડવા આવેલો એની સાથે મોકલાવેલી સિંથરો ડોસો સાચા અતલસના પડવાળી ધડકી પાથરીને ગાડું રણ વગડામાં હંકારી મૂકે. બપોર ટાણે ભાડિયા કૂવા આગળ ડોસો ભાથું ખાવા ગાડું છોડે. ખાતાં કંકુને અડપલાં કરતો જાય એ કંકુને શે ગમે? માલો તો સાવ નપુસંક! કંકુએ માલાને બતાવવા દવાખાને આવવા કહ્યું પરંતુ એ તૈયાર જ થતો નહોતો. અંતે મા સિવાય અન્ય કોઈને વાત કર્યા વગર મોટા રિસામણાને બહાને માને ત્યાં રહી એ દરમિયાન સિંથરા ભાભાએ માલા દીકરાના નામે વકીલ મારફત છૂટાછેડા માટે નોટિસ અપાવી. ખાનદાન કંકુને તો આટલું જ જોઈતું હતું. નોટિસથી એ જરાય ન ડઘાઈ, પરંતુ કડવી આંગણે મળવા આવી ત્યારે કંકુ સખત રીતે ડઘાઈ ગઈ…
કડવીએ પૂછ્યું. ‘સાત સાત વરહથી તું માને ત્યાં રિહામણે બેઠી સે તે વર વગર એકલીન તન હોરવે સે?’
‘હોવ.’ કંકુએ જવાબ આપ્યો.
‘કીમ?’
‘મારો વર માણહમાં નથી.’
‘ઈમ તો મારો વરેય માણહમાં નથી તોય મેં ઘર બાંધી લીધું.’
‘વર માણહમાં નથી તોય તેં ઘર બાંધી લીધું. કોની હારે?’
‘હાસું કવ?’
‘કેની?’
‘મારા હાહરા હારે!’
‘વોય માડી! તારો હાહરો?… હાહુ નથી?’
‘ના. મરી પરવાર્યા સ. હાહરો હજી ખડીએ ઘડીએ સ. બવ હાસવે સે.’
‘બાઈ ઈ તો કે’ તને ક્યાં આલી સે?’
‘બાદલપર!’
‘હેં.?… તારા વરનું નામ?’
‘માલો!
‘હેં?…’
‘હેં, હેં, સું કરસ? હાભળતી નથી?’
‘હાંભળું સું ન. તારા હાહરાનું નામ?’
‘સિંથરો ભાભો!’
‘હેં!…’
‘હેં… હેં… સું કરસ કયુ જગુની? … હું તો આ હાલી.’