ધર્મતેજ

સત્ત્વશુદ્ધિ વિના સાધુતા સંભવ નથી

કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક

સાંખ્ય દર્શનના શાસ્ત્રકારોએ મનુષ્યમાં ત્રણ ગુણ અથવા વૃત્તિ કહી છે. સત્ત્વ, રજસ અને તમસ. મનુષ્યમાં જેનો પ્રભાવ વધુ, તેવું તેનું વર્તન. જેને મોક્ષગામી થવું છે, મોક્ષગામી ન થવું હોય પણ સજ્જન રહેવું છે તેણે તામસિક વૃત્તિનો ત્યાગ સૌ પ્રથમ કરવાનો છે. તેવી જ રીતે ‘રાજસી’ વૃત્તિ પણ મનુષ્યના મનને અધ્યાત્મના માર્ગમાંથી વિચલિત કરતી હોઈ તેના ઉપર નિયંત્રણ મેળવીને તેને દૂર કરવા શાસ્ત્રકારો કહે છે. સત્ત્વ શબ્દનું મૂળ પણ ‘સત’માં રહેલું છે. તેથી જ સત્યમાં પણ પ્રવેશ થાય છે. સંત શબ્દનો સંબંધ પણ આ ‘સત’ સાથે જ છે. આમ જેણે પોતાના સત્ત્વને સાચવ્યું છે, તે જ સંત છે, તે જ સતી છે, તે જ સાધુ છે. સાત્ત્વિક ગુણ ખીલવ્યા વિના સાધુતા સંભવ નથી.

મથુરાના ભક્ત કવિ હરિવ્યાસ દેવાચાર્ય કહે છે,
‘શુદ્ધ, સત્ત્વ પરઈશ સો, સિખવત નાના ભેદ,
નિર્ગુન, સગુન બખાની કે, બરનત જાકો બેદ’
સત્ત્વશુદ્ધિ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો અંત:કરણની શુદ્ધિ. આંખમાં મોતિયો હોય તો દુનિયા સ્પષ્ટ અને જેવી છે, તેવી દેખાતી નથી, કાનમાં ધાક પડી ગઈ હોય તો સ્વરો જેવા છે તેવા સંભળાતા નથી. અરે, ક્યારેક તો કહેવાયું કંઈક હોય અને સંભળાય કંઈક. ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’ જેવું થાય. તેવી જ રીતે અંત:કરણની શુદ્ધિ વિના જગતનું સત્ય દેખાઈ શકતું નથી. અથવા એમ કહી શકીએ કે જગતનું જે સાચું સ્વરૂપ છે, તે દેખાતું નથી. કેમકે આંખથી જે ન દેખાતું હોય તે પણ દેખાડે તે અંત:કરણથી શક્ય બને છે. તેને જ તો આપણે દૃષ્ટિ કહીએ છીએ. કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ અર્જુનને જે કંઈ કહ્યું તે તેની દૃષ્ટિ નિર્મળ કરવા જ તો કહ્યું. સ્વજનો અને મિત્રોનો મોહ જ્યારે અંત:કરણમાં વ્યાપેલો હોય ત્યારે દૃષ્ટિ ધૂંધળી થઇ જાય છે. અર્જુન પણ આ મોહવશ આકૂળવ્યાકૂળ થઇ ગયો હતો. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુ:ખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક અનેક સ્વભાવ મનુષ્યના સત્ત્વને ઘેરી વળ્યાં હોય છે. એ બધાથી મુક્ત થઈને જ્યારે અંત:કરણ શુદ્ધ થાય, ત્યારે જ તેના આત્માની ખરી યાત્રા શરૂ થઇ છે તેમ કહી શકાય.

અહીં કહેવાનો અર્થ એ છે કે, મનુષ્યમાં સત્ત્વ હોય, પણ તે શુદ્ધ પણ હોવું જોઈએ. સર્વદેવ કૃત શ્રી લક્ષ્મી સ્તોત્રમાં પ્રથમ જ શ્ર્લોકમાં એટલે જ લખ્યું છે.
ક્ષમસ્વ ભગવત્યંબ ક્ષમા શીલે પરાત્પરેમ
શુદ્ધ સત્ત્વ સ્વરૂપેચ કોપાદિ પરિ વર્જિતેય
અંત:કરણની શુદ્ધિ કેમ થાય?

છાન્દોગ્ય ઉપનિષદમાં મનુષ્યની આધ્યાત્મિક યાત્રા માટે એક ખુબ સુંદર શ્ર્લોક છે,
‘આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિ: સત્ત્વશુદ્ધૌ ધૃવા સ્મૃતિ: મ
સ્મૃતિલંભે સર્વગ્રન્થિનાં વિપ્રમોક્ષ: ય’ (છાન્દોગ્ય ઉપનિષદ ૭-૨૬-૨)
પ્રસિદ્ધ શ્ર્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે : આહારશુદ્ધિથી અંત:કરણની શુદ્ધિ થાય છે. અંત:કરણની શુદ્ધિથી સ્મૃતિ-ધ્યાન સ્થિર થાય છે અને ધ્યાન પ્રાપ્ત થતાં અંતરની સર્વ મલિન ગ્રંથિઓ અર્થાત્ વાસના તત્કાળ નાશ પામે છે. આપણે ત્યાં આ જ વાતને એકદમ સરળ શબ્દોમાં કહેવતની જેમ કહેવાય છે કે, ‘જેવું અન્ન તેવું મન’. તે અમસ્તું નથી કહ્યું. માદક દ્રવ્યોનું સેવન કરનારાઓ દ્વારા હિંસક વર્તન આપણે સહુ સમાજમાં જોઈએ જ છીએ. તેવી જ રીતે, માંસાહારી પદાર્થો ખાનારાઓના વાણી-વર્તનમાં પણ તામસિક વૃત્તિ ડોકિયાં કરતી હોય છે. તેથી આવા પદાર્થોનો ત્યાગ કરવાનું પ્રાય: બધાજ ધર્મગ્રન્થો એક સૂરમાં કહે છે. જેમ્સ હેસ્ટિંગ્સ દ્વારા સંપાદિત ૧૨ ગ્રંથની કૃતિ ‘એનસાઇક્લોપેડિયા ઓફ રિલિજીયન એન્ડ એથિક્સ’ પણ જણાવે છે કે, ‘માંસાહાર વિરુદ્ધ સૌથી ગંભીર પુરાવો એ છે કે તે માણસની પશુવૃત્તિઓને ઉત્તેજિત કરે છે તથા વિષયભોગ માટે ઇન્દ્રિયોની લોલુપતા વધારે છે. માંસાહાર ન કરીએ અને શુદ્ધ શાકાહારી બનીએ તો ફાયદો એ થાય છે કે આપણે શારીરિક અસ્વસ્થતાથી મુક્ત રહીએ છીએ અને આપણા વિચારો તથા ઇચ્છાઓને પવિત્ર, શુદ્ધ અને સંયમી બનાવી શકીએ.’

જ્યારે આપણે નકારાત્મકતા અથવા અનિષ્ટતાથી ઘેરાયેલા હોઈએ ત્યારે તેમની સામે લડવાની પ્રેરણા આપણને કોણ આપે છે? આપણું અંત:કરણ, આપણું સત્ત્વ. એટલે જ સત્ત્વ, આપણને સત્ય સુધી લઇ જનારું મહત્ત્વનું તત્વ છે. મહાભારતમાં જે ક્ષણે પાંડવો જુગટુ રમવા બેઠા, તે જ ક્ષણે તેમના સત્ત્વનો હ્રાસ થઇ ગયો. સભામાં મૂક સંમતિ આપનારના સત્ત્વ પણ નાશ પામ્યા. પરિણામે દ્રૌપદી ચીરહરણ પ્રસંગે પણ બધાં મૂક પ્રેક્ષક બનીને બેઠા રહ્યા. જેનું સત્ત્વ મૃત્યુ પામ્યું હોય, તે સત્ય માટે અવાજ ઉઠાવી શકે તે શક્ય જ નથી. અંત:કરણને શુદ્ધ કરવા આપણે ત્યાં સત્સંગ, પૂજન, ભજન, ચિંતન-મનનની પ્રેરણા શાસ્ત્રકારો આપે છે. ‘સત’ના સંસર્ગમાં અને સંપર્કમાં રહેવાથી સત્ત્વ ઉજળું બને છે, અને જેનું સત્ત્વ ઉજળું બને તેણે સાધુતા લેવા જવી નથી પડતી, શોધવા જવી નથી પડતી, તે સ્વયં સાધુતાને પામી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button