Happy Fathers Day: સચિન, ધોની, કોહલી, રિન્કુ, પંત, સરફરાઝ માટે પિતા હંમેશાં પ્રેરણાસ્ત્રોત રહ્યા છે

નવી દિલ્હી: કોઈ પણ ખેલાડી (પછી તે ક્રિકેટ કે ફૂટબૉલ કે અન્ય રમતનો પ્લેયર હોય કે ઍથ્લીટ હોય) તેના જીવનમાં તેના પિતાનું માર્ગદર્શન અને પ્રેરણા સૌથી અમૂલ્ય હોય છે. બીજી રીતે કહીએ તો ખેલાડીની કરીઅરમાં તેના પપ્પાની મહત્ત્વની ભૂમિકા હોય છે અને એટલે જ અહીં આપણે કેટલાક નામાંકિત પ્લેયર્સના પિતા સાથેના યાદગાર સંબંધો પર નજર કરીશું. ખાસ કરીને સચિન તેન્ડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રિન્કુ સિંહ, રિષભ પંત અને સરફરાઝ ખાનના કિસ્સા તરત નજરની સામે આવી જાય છે.
ક્રિકેટરની જ વાત કરીએ તો પ્રત્યેક ખેલાડીમાં સૌથી પહેલાં તો તેના પિતા જ તેનામાં ક્રિકેટર બનવાની ઇચ્છા જાગૃત કરે છે. સફળ ક્રિકેટરની પાછળ તેના પિતાની અથાક મહેનત સૌથી વધુ કારણરૂપ હોય છે. રવિવારના ‘ફાધર્સ ડે’ નિમિત્તે આ ક્રિકેટરના જીવનમાં સીધી કે આડકતરી રીતે તેમના પિતાની મુખ્ય ભૂમિકા કેવી રીતે રહી એ વિશે જાણીએ.
આ પણ વાંચો: Happy Father’s Day: આ છે બોલીવૂડના Single Father
સચિન તેન્ડુલકર (Sachin Tendulkar)ના પિતા રમેશ તેન્ડુલકર મરાઠી ભાષાના જાણીતા નવલકથાકાર અને કવિ હતા. તેમણે મહાન સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી જ પુત્રનું નામ સચિન રાખ્યું હતું. સચિનને ક્રિકેટનું કોચિંગ અપાવવા ઉપરાંત તેને કરીઅર ડેવલપ કરવામાં તેમ જ જીવનમાં મહાન અને પ્રતિભાશાળી વ્યક્તિ બનવામાં તેના પિતાનું બહુ મોટું યોગદાન છે. 1999માં (પચીસ વર્ષ પહેલાં) સચિન વન-ડે વર્લ્ડ કપ રમવા ઇંગ્લૅન્ડ ગયો હતો ત્યારે એ ટૂર્નામેન્ટ દરમ્યાન મુંબઈમાં તેના પિતાનું અવસાન થયું હતું. સચિન ઇંગ્લૅન્ડથી પાછો આવ્યો હતો અને પરિવાર સાથે થોડો સમય રહ્યા પછી પાછો ઇંગ્લૅન્ડ પાછો ગયો હતો જ્યાં તેણે બ્રિસ્ટૉલમાં કેન્યા સામે મૅચ-વિનિંગ સેન્ચુરી (અણનમ 140) ફટકારીને (આકાશ તરફ જોઈને) એ સદી પિતાને અર્પણ કરી હતી. 100 ઇન્ટરનૅશનલ સદી ફટકારનાર વિશ્ર્વના એકમાત્ર ખેલાડી સચિને ગયા મહિને પિતાના દેહાંતને પચીસ વર્ષ થયા એ નિમિત્તે તેમને યાદ કર્યા હતા અને મીડિયામાં પોતાના હૃદયના ભાવ વ્યક્ત કર્યા હતા.
એમએસ ધોની (MS Dhoni)ના પિતા પાનસિંહ ઉત્તરાખંડથી રાંચી આવીને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા. ધોની શરૂઆતમાં ફૂટબૉલ રમતો, પરંતુ તેનામાં ક્રિકેટર બનવાની કાબેલિયતને તેના કોચે પારખી હતી અને ધોની મહાન ક્રિકેટર બન્યો. જોકે તેને સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડવામાં તેના પિતાનું બહુ મોટું યોગદાન રહ્યું છે.
દિલ્હીના પંજાબી પરિવારમાં જન્મેલા વિરાટ કોહલી (Virat Kohli)ના પિતા પ્રેમ નાથ કોહલી વકીલ હતા. વિરાટ મોટો ક્રિકેટર બને એવું તેમનું સપનું હતું જે વિરાટે સાકાર કર્યું છે. 2005માં વિરાટ માંડ 17 વર્ષનો હતો ત્યારે દિલ્હી વતી કર્ણાટક સામેની જે ચાર દિવસીય રણજી મૅચ રમી રહ્યો હતો એ સમયે તેણે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. મૅચના એક દિવસને અંતે વિરાટની ઇનિંગ્સ અધૂરી રહી હતી. મધરાત બાદ તેના પિતાનું બ્રેઇનસ્ટ્રૉકની બીમારી બાદ અવસાન થયું હતું. વિરાટે પિતાને અંતિમ શ્ર્વાસ લેતા જોયા હતા. સવારે વિરાટ રણજી મૅચની રમત શરૂ થવાના સમયે મેદાન પર પહોંચી ગયો હતો અને ઇનિંગ્સ પૂરી કરી હતી. તે 90 રનની યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો. એ આઘાત પછી વિરાટે ક્રિકેટમાં કરીઅર બનાવવા તનતોડ મહેનત કરી અને ભારત વતી રમવાનું તેમનું સપનું 2008માં પ્રથમ વન-ડે રમીને સાકાર કર્યું હતું. વિરાટની ગણના વિશ્ર્વના મહાન ક્રિકેટરોમાં થાય છે.
આક્રમક બૅટર અને મૅચ-ફિનિશર રિન્કુ સિંહ (Rinku Singh)ના પિતા ખાન ચંદ્ર ઘેર-ઘેર જઈને ગૅસના સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા. તેમણે મહેનતથી પરિવારનું ગુજરાન ચલાવવા ઉપરાંત અમુક પૈસા રિન્કુને ક્રિકેટર બનવા માટે ખર્ચ કર્યા હતા. આઇપીએલમાં ધમાલની સીઝનોમાં ધમાલ મચાવ્યા બાદ રિન્કુ હાલમાં ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં રિઝર્વ્ડ ખેલાડી છે.
વિકેટકીપર-બૅટર રિષભ પંત (Rishabh Pant)ના પિતા રાજેન્દ્ર પંતનું પણ સપનું હતું કે તેમનો પુત્ર મોટો ક્રિકેટર બને. એટલે જ તેમણે પુત્રને દેહરાદૂનની જાણીતી ક્રિકેટ ઍકેડેમીમાં દાખલ કરાવ્યો હતો તેમ જ પુત્રને ક્રિકેટર બનાવવાના હેતુથી દેહરાદૂન છોડીને દિલ્હીમાં સ્થાયી થયા હતા. પિતાના આગ્રહથી જ પંતે ક્રિકેટર બનવા મનમાં ગાંઠ વાળી હતી અને હાલમાં તે ભારતીય ટીમનો મહત્ત્વનો ખેલાડી છે.
સરફરાઝ ખાન (Sarfaraz Khan) અને મુશીર ખાન ભારતીય ક્રિકેટમાં ઊભરતા ખેલાડીઓ છે. સરફરાઝે તાજેતરમાં જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝ અને મુશીરને પિતા નૌશાદ ખાન તરફથી અવ્વલ દરજ્જાનું કોચિંગ મળ્યું છે અને તેમના થકી જ બન્ને ભાઈઓ ક્રિકેટર બની શક્યા છે.