સૌથી મુશ્કેલ મૅરેથોનમાં સૌથી વધુ રનર્સ ભારતના, મુંબઈના યુવાને મેળવી અનેરી સિદ્ધિ

ડરબન: મુંબઈ મૅરેથોન સહિત વિશ્વભરમાં વર્ષ દરમ્યાન ઘણી ખ્યાતનામ મૅરેથોન યોજાય છે, પરંતુ કૉમરેડ્સ મૅરેથોન (Comrades Marathon) સૌથી અઘરી ગણાય છે અને એમાં આ વખતે સૌથી વધુ ભારતીય રનર્સે ભાગ લઈને વિક્રમ રચ્યો હતો. એમાં પણ મુંબઈના 20 વર્ષના આનંદ લૉન્ધે (Anand Londhe)એ આ દોડ ફક્ત 10.27 કલાકમાં પૂરી કરીને અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.
સાઉથ આફ્રિકામાં યોજાતી કૉમરેડ્સ મૅરેથોનને અલ્ટિમેટ મેન રેસ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. વિશ્વની આ સૌથી મુશ્કેલ મૅરેથોનમાં રનરે પીટરમૅરિટ્ઝબર્ગથી ડરબન સુધીમાં 87.91 કિલોમીટરનું અંતર પૂરું કરવાનું હોય છે. આટલા કિલોમીટરની રેસ દરમ્યાન રનરે ખીણમાંથી અને પર્વતીય વિસ્તારોમાંથી પસાર થવું પડે છે.
આ પણ વાંચો: Tata Mumbai Marathon 2024: મુંબઈ મૅરેથૉનમાં ઇથોપિયાના રનર્સનું રાજ: 59,000થી વધુ લોકો દોડ્યા
રનરે 87માંથી 38 કિલોમીટરનું અંતર ટેકરીઓ પરથી પૂરું કરવું પડે છે જેને કારણે આ રેસને સૌથી કપરી ગણવામાં આવે છે.
કુલ 23,000 રનર્સે આ મૅરેથોનમાં ભાગ લીધો હતો જેમાંના 342 ભારતના હતા. વિશ્વભરમાંથી 76 દેશોએ પોતાના રનર્સ મોકલ્યા હતા જેમાં ભારતીય રનર્સની સંખ્યા સૌથી વધુ હતી.
આ સૌથી જૂની અને સૌથી લાંબી અલ્ટ્રા મૅરેથોનમાં 4,741 (21 ટકા) મહિલા રનર્સ હતી. મુંબઈના આનંદ લોન્ધેએ મૅરેથોનનું નિર્ધારિત અંતર 10:26:49ના ટાઇમિંગમાં પૂરું કર્યું હતું અને પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ મેળવ્યું હતું. તે છ મહિનાથી આ રેસ માટેની તાલીમ લઈ રહ્યો હતો. તેણે લોનાવલામાં બે વખત 50 કિલોમીટર અને 65 કિલોમીટર દોડવાની પ્રૅક્ટિસ કરી હતી.
અત્યાર સુધીમાં કુલ મળીને 3,00,000 લોકો તમામ કૉમરેડ્સ મૅરેથોન પૂરી કરી ચૂક્યા છે.