સુપ્રીમ કોર્ટે કાવેરી વોટર ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે, કર્ણાટકને ફટકો
સુપ્રીમ કોર્ટે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કર્ણાટકને આદેશ આપ્યો હતો કે તામિલનાડુ માટે પાણી છોડવામાં આવે. આદેશ હેઠળ કર્ણાટકને 28 સપ્ટેમ્બર સુધીમાં તમિલનાડુને પાણી આપવાનું હતું. જોકે, દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા કર્ણાટકે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ, સુપ્રીમ કોર્ટે ઓથોરિટીને દર 15 દિવસે એક બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો છે.
જ્યારે તમિલનાડુ સરકારે કર્ણાટક સરકારને રાજ્યના જળાશયમાંથી પાણી છોડવા માંગ કરી હતી. જ્યારે કર્ણાટકનું કહેવું છે કે આ વખતે ઓછા વરસાદને કારણે રાજ્ય દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. જેના કારણે કર્ણાટકે પાણી છોડવામાં અસમર્થતા દર્શાવી હતી.
કાવેરી નદીને ‘પોન્ની’ કહેવામાં આવે છે. તે દક્ષિણ-પશ્ચિમ કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગિરી ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી કર્ણાટકમાંથી તમિલનાડુ, પુડુચેરીમાં થઇને વહે છે અને બંગાળની ખાડીમાં દરિયાને મળે છે. કાવેરી જળ વિવાદ સ્વતંત્રતા પૂર્વના 1892 અને 1924 ના બે કરારોમાંથી ઉદ્ભવ્યો છે. આ સમજૂતીઓ હેઠળ, ઉપલા રાજ્યએ કાવેરી નદી પર જળાશયના નિર્માણ જેવા કોઈપણ બાંધકામ પ્રોજેક્ટ માટે નદીના નીચલા પ્રદેશો પાસેથી પરવાનગી મેળવવી જરૂરી છે. 1974 માં, કર્ણાટકએ તમિલનાડુની સંમતિ વિના પાણી રોકવાનું શરૂ કર્યું, જેના કારણે બંને રાજ્યો વચ્ચે પાણીનો વિવાદ થયો. આ મુદ્દાને ઉકેલવા માટે, વર્ષ 1990માં કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી હતી.