વિઝા સસ્પેન્શનની નોટિસ ભારતે હટાવી
ખાલીસ્તાની નેતા હરદીપ સિંગ નિજ્જર મામલે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટું પગલું ભર્યું હતું અને કેનેડામાં ભારતના વિઝા આપતી સેવા હાલ પૂરતી બંધ હોવાની નોટિસ વેબસાઈટ પર દેખાઈ હતી, પરંતુ હવે આ ટીકર હટાવી દેવામાં આવ્યું છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી કે અન્ય કોઈ માહિતી હજુ સુધી મળી નથી.
અગાઉ સોશિયલ મીડિયા પર મળેલી ધમકીઓના પગલે ભારતમાં સ્ટાફ એડજસ્ટ કરવા માટે આ નિર્ણય લેવાયાનું જણાવાયું હતું.
આ માટેની કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી. બીએલએસ ઈન્ટરનેશનલ, જે કેનેડામાં વિઝા એપ્લીકેશન સેન્ટર ધરાવે છે, તેમણે પોતાની કેને઼ડિયન સાઈટ પર સંદેશો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે ગુરુવાર, 21 સપ્ટેમ્બર,2023થી ભારતીય વિઝા સેવા અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. આ માટે ઓપરેશનલ રીઝન હોવાનું જણાવવામાં આવ્યું છે. કોરોના મહામારી બાદ પહેલીવાર આ રીતે વિઝા સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી છે.
જોકે બન્ને દેશો વચ્ચે ચાલી રહેતા તણાવયુક્ત વાતાવરણને લીધે ત્યાં અભ્યાસ કરતા અને ત્યાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા માતા-પિતા અને વિદ્યાર્થીઓ ચિંતામાં આવી ગયા છે. આ સાથે ટ્રેડ ઈન્ડ્સ્ટ્રી પણ ચિંતા અનુભવે છે કારણ કે બન્ને દેશો વચ્ચે વિવિધ વેપાર-ધંધા વિકસેલા છે.