T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup:ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને હરાવી ઇંગ્લેન્ડને સુપર-એઇટમાં પહોંચાડ્યું

ગ્રોઝ આઇલેટ (સેન્ટ લ્યુસિયા): ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-બીના થ્રિલરમાં ઓસ્ટ્રેલિયા (Australia)એ સ્કોટલેન્ડ (Scotland)ને બે બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. સ્કોટલેન્ડ હારી જતાં ઇંગ્લેન્ડને સુપર-એઇટ રાઉન્ડમાં જવા મળી ગયું હતું.

સ્કોટલેન્ડે બેટિંગ મળ્યા પછી જબરદસ્ત પર્ફોર્મન્સમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 180 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 186 રન બનાવીને લીગ રાઉન્ડમાં સતત ચોથો વિજય પણ મેળવી લીધો હતો.

જો ઓસ્ટ્રેલિયા હારી ગયું હોત તો એના છ પોઇન્ટ રહ્યા હોત. જોકે મિચલ માર્શની ટીમ આ મેચ પહેલા જ સુપર-એઇટમાં પહોંચી ચૂકી હતી. સ્કોટલેન્ડ જીતી ગયું હોત તો એને સાત પોઇન્ટ સાથે બીજા નંબર પર રહીને સુપર-એઇટમાં પ્રવેશ મળ્યો હોત. જોકે એ હારી જતાં એના પાંચ પોઇન્ટ જ રહ્યા હતા. આજ ગ્રૂપની ત્રીજી ટીમ ઇંગ્લેન્ડના પણ ચાર મેચ બાદ પાંચ પોઇન્ટ છે, પરંતુ સ્કોટલેન્ડ (+1.255) કરતાં ચડિયાતા રન રેટને કારણે ઇંગ્લેન્ડ (+3.611) સુપર-એઇટમાં આવી ગયું છે. જોકે આ મૅચ પહેલાં શનિવારે ઇંગ્લેન્ડે નામિબિયાને વરસાદ પછીના ટી-10 મુકાબલામાં (ડક્વર્થ-લુઇસ મેથડને આધારે) 41 રનથી હરાવ્યું એને લીધે પણ ઇંગ્લેન્ડનો રન રેટ વધી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાએ એક રીતે સ્કોટલેન્ડને હરાવી ઇંગ્લેન્ડને સુપર-એઈટની ભેટ આપી છે.

સ્કોટલેન્ડ નવો ઇતિહાસ સર્જવામાં નિષ્ફ્ળ રહ્યું હતું.
ત્રણ ઓસ્ટ્રેલિયનોને આ વખતની આઈપીએલ ખૂબ ફળી છે. ટ્રેવિસ હેડ (હૈદરાબાદ), માર્કસ સ્ટોઈનિસ (લખનઊ) અને ટિમ ડેવિડ (મુંબઈ)ના ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વના યોગદાન હતા. હેડ (68 રન, 49 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અને સ્ટોઈનિસ (59 રન, 29 બૉલ, 2 સિક્સર, 9 ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટેની 80 રનની ભાગીદારી મેચ-વિનિંગ સાબિત થઈ હતી.

એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ 60 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે છેલ્લી પાંચ ઓવરમાં બનાવેલા 65 રન હરીફ સ્કોટલેન્ડની ટીમ માટે મરણતોલ સાબિત થયા હતા. કાંગારૂંઓએ 14 ઓવર બાદ લગભગ 12ની સરેરાશે રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો આ જ આક્રમક પરફોર્મન્સ ઇંગ્લેન્ડને પણ આડકતરી રીતે મદદરૂપ બન્યો હતો.

ડેવિડ વોર્નર (1), કેપ્ટન મિચલ માર્શ (8) અને ગ્લેન મૅક્સવેલ (11) સારું પર્ફોર્મ નહોતા કરી શક્યા. જોકે હેડ-સ્ટોઈનિસની જોડીએ ઓસ્ટ્રેલિયાને આ ટુર્નામેન્ટમાં અપરાજિત રાખ્યું હતું અને સ્કોટિશોના દિલ તોડી નાખ્યા હતા.

સ્કોટલેન્ડના સ્પિનર માર્ક વૉટ અને પેસ બોલર સફયાન શેરીફે બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ પેસ બોલર બ્રાડ વ્હીલને મળી હતી.
એ પહેલાં, સ્કોટલેન્ડના 180/5ના સ્કોરમાં બ્રેન્ડન મૅકમુલન (60 રન, 36 બૉલ, છ સિક્સર, બે ફોર) અને કેપ્ટન રિચી બેરિંગ્ટન (42 અણનમ, 31 બૉલ, બે સિક્સર, એક ફોર)નો સૌથી મોટો ફાળો હતો. ઓપનર જ્યોર્જ મુન્સી (35 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) પણ સારું રમ્યો હતો. તેની અને મૅકમુલન વચ્ચે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી થઈ હતી. આ ત્રણ સ્કોટિશ બૅટરે ઓસ્ટ્રેલિયન બોલર્સને ખૂબ હંફાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન બોલર્સમાં મેક્સવેલે બે વિકેટ તેમ જ ઍગર, એલિસ અને ઝેમ્પાએ એક-એક વિકેટ લીધી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button