કેનેડા કેટલું સુરક્ષિત છે, સરકારની નવી અપડેટ

કેનેડામાં વધતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય રીતે પ્રેરિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કેનેડામાં વસતા અથવા તો ત્યાં મુસાફરી કરવાનું વિચારતા ભારતીયો માટે એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમને અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. જે બાદ કેનેડાએ મંગળવારે તેના નાગરિકોને ભારતના અમુક ભાગોમાં ન જવાની સલાહ આપી હતી. તેના જવાબમાં ભારતે પણ બુધવારે આવી જ એડવાઈઝરી જારી કરી હતી. જેને હવે કેનેડા સરકારે ફગાવી દીધી છે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબનેકે ઓટાવામાં મીડિયા સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તેમનો દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની “સંભવિત” સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા આરોપોને પગલે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડ્યા છે. ભારતે કેનેડાના આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવીને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે કેનેડાએ આ કેસમાં ભારતીય અધિકારીની હકાલપટ્ટીના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને જાગ્રત રહેવાની સલાહ આપી છે. એક નિવેદનમાં MEAએ કહ્યું હતું કે, “કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય રીતે પ્રેરિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને જોતાં, હાજર રહેલા તમામ ભારતીય નાગરિકો અને મુસાફરીની વિચારણા કરનારાઓને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે.”
MEA દ્વારા કેનેડામાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને બિન-આવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ મુસાફરી દરમિયાન તેમની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ અને એવા વિસ્તારોમાં જવાનું ટાળવું જ્યાં ખાલિસ્તાનીઓએ અગાઉ ભારત વિરોધી દેખાવો કર્યા હતા.
વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશન અથવા ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખાતે નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કટોકટીની સ્થિતિમાં તેમનો તાત્કાલિક સંપર્ક કરી શકાય. ભારતીય નાગરિકો madad.gov.in.પોર્ટલ પર પણ નોંધણી કરાવી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે ભારત કેનેડામાં ભારતીયોની સુરક્ષા મુદ્દે પશ્ચિમના તેના ઘણા વ્યૂહાત્મક ભાગીદારોના સંપર્કમાં છે.