ઉત્સવ

ખૂનખાર ખેલના ખૂટલ ખાટકી

આજે આટલું જ -શોભિત દેસાઈ

ખેલનો વ્યાપ કેટલો વિષદ્, વિસ્તૃત, વિશાળ છે એ તો તમે જાણો જ છો ને! ખેલની આજુબાજુ ઉપર બે અલ્પવિરામ ઉમેરો એટલે બદમાશી, શેતાનિયત, ક્રૂરતા, અમાનવિયતા અને બીજા કૈં કેટલાય ખલનાયક તમારી આંખ સામે નાચવા માંડે, એમના પૂરેપૂરા ભદ્દા, વિકૃત અને વરવા સ્વરૂપમાં. પણ… આપણે બધા તો જીવવાના ઘેનમાં એવાં મસ્ત અને સુષુપ્ત છીએ કે આપણે અને આ બધા ખેલનાં વરવાં સ્વરૂપોને શું?! આપણી આ ઘાટી જ એવી ઘડાઈ ગઈ છે કે આપણે હંમેશાં ને હંમેશાં જે છીએ એનાથી આગળ જ જવા માગીએ છીએ, (૯૯% લોકો તો ગમે તે ભોગે) જરાક વધુ મેળવનાર દરેકની લગભગ ઈર્ષ્યા જ કરતા હોઈએ છીએ, સ્હેજ પણ તૃપ્તિ વગરની સતત અસૂયા આપણે વાવીએ અને સતત ઉછેરીએ છીએ, જાણે એ બહુ મોટો ગુણ હોય…

ચાલી, સાહેબો! ભારત પાકિસ્તાનની મેચ ચાલી, ચાલુ રહી ને પૂરીય થઈ.. અંદરના અને દરેક ઘરના ટીવી પ્રેક્ષકોનાં પ્રચંડ તાળીઓના ગગનભેદી/છતભેદી અવાજો સાથે… જમ્મુમાં પાકિસ્તાનના નરાધમ આતંકવાદીઓના જીવલેણ હુમલા વખતે અને બાદ. આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય તોલમાપ પ્રમાણે જેની કિમ્મત બે કોચલાથી, ઝેરી કોચલાથી વધુ એક પાઈ નથી એવા પાકિસ્તાન દ્વારા પ્રેરિત (ગાળ) આતંકવાદીઓએ નિર્દોષ યાત્રાળુઓને રહેંસી નાખ્યા અને આપણે બધા દરેક ફટકા ઉપર ચોક્કા અને ‘છક્કા’બાજીમાં વધુ ને વધુ રત રહેતા ગયા એ રાત પૂરતા. દસ મરી ગયાં અને જેમાં ભૂલકાં અને બાળકો સામેલ છે એવા ૩૩ ઘાયલ થયા. છતાં આપણી ૬ એમએમની ચેકર્ડ પ્લેટ કરતાં વધુ જાડી ચામડીનું રુંવાડું ન ફરક્યું.

કહેવાનું એટલે આ બધું કે સદાય કોઈ ને કોઈ ખેલમાં મસ્ત આપણે હવે તો અંદર બેઠેલા કુંભકર્ણને જગાડીએ! હજી કઈ ગર્તામાં ધકેલાવું છે આપણે આપણી ખેલપ્રીતી સાથે! કાં તો આપણે ક્રિકેટ-ફૂટબોલ-ટેનિસ ઈત્યાદિમાં મગ્ન! અથવા ચારસો પારનાં ભ્રામક આંકડાને બઢાવો આપવામાં રચ્યા પચ્યા! અથવા તો મહાચોર ન્યૂઝ ચેનલોનાં એક્ઝિટ પોલ અને પરિણામ વચ્ચેનાં ગાળામાં શેરબજારને ઉપર લઈ જવામાં તન્મય! જિંદગીની દરેક ક્ષણમાંથી આપણે સિનેમા કે નાટક જન્માવી જ શકીએ છીએ. આવું કૈંક બને ત્યારે મગરનાં આંસુ સારવાનું નાટક પણ આપણે બહુ સુંદર ભજવી શકીએ છીએ. મિત્ર/સમુદાય/પરિવાર ઈત્યાદિમાં આ બનાવ ચર્ચવાની બીજી જ ક્ષણે સિંગલ મોલ્ટનું Cheers ટકરાવી જ શકીએ છીએ. એક બહુ જૂનો રુઢિપ્રયોગ અનેક વખત ઈસ્તેમાલમાં લેવાયો હોવા છતાં ઉપરની પ્રવૃત્તિમાં જે કોઈ મગ્ન હોય એને આજે સજળ અર્પણ…

‘ખમૈયા કરો બાપલા! હવે અટકો…’

તો… બહુ મોટો ખેલો થઈ ગયો ૯મી જૂને. આપણે બધા આપણા રાષ્ટ્રીય ખેલ ક્રિકેટમાં વ્યસ્ત હતા અને આપણો પ્રતિસ્પર્ધી જમ્મુમાં નિર્દોષ યાત્રાળુઓની કત્લેઆમ કરીને પોણીયો, બુર્ઝુવા, નપુંસક ઘાઘરો પહેરી નાસી ગયો. શું હિન્દુઓ/ભારતીઓ સવાશેર પ્રતિસાદ આપશે? ના… હિન્દુ/ભારતીય નામાંકિતો જાહેર વિરોધ પ્રદર્શિત કરશે? ના… ક્રિકેટ ટીમ હવે પછીની મેચમાં વિરોધાત્મક કાળી રીબીન પહેરશે? ના… હિંદુઓ ચૂંટેલા નેતાઓને કોમ બચાવવાની ફરજ પાડશે? ના… ક્રિકેટ, વૃદ્ધિ, મુસાફરી, નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઈમ, ઈમીગ્રેશન, ગ્રીનકાર્ડ, સોફ્ટવેર, વેબસાઈટ.. હિંદુઓ ખૂબ વ્યસ્ત છે. અમને ખલેલ ન પહોંચાડો.

તમારી સૌથી પ્રિય વ્યક્તિ-વસ્તુના સોગંદ ઉપર જવાબ આપજો… ઈઝરાયલ આંતરરાષ્ટ્રિય ફૂટબોલ ક્યારેય પેલેસ્ટાઈન કે આરબ રાષ્ટ્રો સાથે રમ્યું છે! ના… ક્યારેય નહીં.

અરમેનિયા અઝરબૈજાન સાથે કોઈ પણ સ્પોર્ટસમાં પ્રવૃત છે? ના જી.

અમેરિકા શીત યુદ્ધનાં વર્ષોમાં રશિયા સાથે એક પણ ખેલમાં પ્રવૃત્ત હતું? ના જી. અમેરિકાએ ૧૯૮૦ મોસ્કો ઓલિમ્પિક્સનો બહિષ્કાર
કર્યો હતો.
એક પણ સ્વમાની રાષ્ટ્ર, એ દુશ્મન દેશ કે જે એને સતત અંગૂઠે ઊભો રાખતો હોય, ક્યારેય Friendly match પણ નથી રમતું. સિવાય કે ચપ્પણિયામાં પોતાની પ્રતિષ્ઠા, પોતાનું સ્વમાન ગિરવે સંતાડીને ઠગાઠૈયાભેર પહોંચી જતો ભારત દેશ અને એની સાથે સફર કરતો સરકારી અધિકારીઓનો કાફલો.

ભારત આજની તારીખમાં જગતની ક્રિકેટની રમતનું ખરા અર્થમાં માલિક છે. ભારત જો પાકિસ્તાનનો પોતે બહિષ્કાર કરે અને બીજા દેશોને ફરજ પાડે તો બાબર આઝમ અને આખી ટીમ અને દેશ પોતાના ભેંસ ચોરવાના જૂના ધંધા પર જતાં રહે.

આપણી ભારતીઓની તકલીફ એ જ છે કે પૈસા દીઠા કે પાણી પાણી. સ્વમાન, દેશદાઝ, સ્વરક્ષા, ઈમાનદારી, પ્રમાણિકતા, માણસાઈ, વફા બધું જાય માંઈ. આપણી લાલચ/આપણી પ્રતિષ્ઠા-પૈસાની ભૂખ આપણા સંસ્કારોને ભૂલવતા કેટલી મિનિટ લે છે ખબર છે? ૩૦ સેકંડ.

એક તરફ એ વર્ગ છે દેશનો જે ૨૫-૩૦% છે, જેને રેસ્ટોરંટમાં મસાલા ઢોસો ખાવો ઈશ્ર્વરથી વિશેષ નિરાકાર છે…

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’
ઈશ્ર્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે
ન હો કમીઝ તો પૈરોંસે પેટ ઢંક લેંગે
યે લોગ કીતને મુનાસિબ હૈં ઈસ સફર કે લિયે…

  • દુષ્યન્તકુમાર
    બીજી તરફ પૈસા કમાવવાની લ્હાયમાં દેશનું સ્વમાન, ભારતની પ્રતિષ્ઠા હિંદુઓનું આત્મગૌરવ હોડમાં મુક્તા ૫% છે.
    છે ને…! આ બે વચ્ચે હડદોલાતો ૫૦-૬૦%નો એક ત્રીજો વર્ગ પણ છે. તમે કયા વર્ગમાં છો? શું લાગે છે તમને? વાત આજુબાજુમાં ફેલાવશો?
    આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button