ઉત્સવ

એક્સ- રે મારફત ભ્રષ્ટાચાર સામે કડકતમ એકશન!

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, મારી સાથે ચાલો.’ રાજુ રદીએ ઓર્ડર કર્યો. યેસ, રાજુનો ટોન આદેશાત્મક હતો. રાજુ મારી સાથે કાયમ વિનમ્ર અને વિનિત રહે છે. આજે ગ્રહોએ ચાલ બદલી હશે કે મારી શનિની પનોતી સોનાના પાયે શરૂ થઇ હશે.

‘રાજુ, કયાં જવાનું છે? કેવી રીતે જવાનું છે? કેટલો સમય જવાનું છે? બહારગામ જવાનું હોય તો બેગમાં બે-ચાર જોડી કપડા, દવા અને જરૂરી સામાન લઇ લઉં.’ મેં સવાલોની બોછાર વરસાવી.
‘ગિરધરલાલ, આપણે શહેરમાં જઇએ છીએ. બહારગામ જવાનું નથી.’ રાજુએ સ્પષ્ટતા કરી. બહારગામ જવાનું નથી તે સાંભળીને હાશ થઇ. બહારગામ જવાના નામથી મારા મોતિયા મરી જાય છે. ઘરનો કમ્ફોર્ટ ઝોન છોડીને બહારગામ જવું ગમતું નથી. અજાણી જગ્યાએ ઊંઘ આવતી નથી.

‘રાજુ, તારા માટે છોકરી જોવા જવાનું હોય તો તારા મા-બાપને લઇ જા. હું તો બૈગાની શાદીમેં અબ્દુલા દીવાના જેવો કહેવાઉં.’ મેં રાજુને કહ્યું.

‘તમને કોણે કહ્યું કે છોકરી જોવા જવાનું છે ? દુનિયામાં લગ્ન સિવાય પણ બીજા કામ છે મારે. મારે કેમેરામેનમાંથી ચીફ કેમેરામેન અને ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી થઉં છે.’ રાજુએ એના ઘટમાં દોડતા ઘોડાની વાત કહી. રાજુ જિંદગીમાં કોઇ ગોલ ધરાવે છે તે સાંભળી મને સારૂં લાગ્યું.

‘રાજુ, આપણે ક્યાં જઇએ છીએ?’મેં મનને મૂંઝવતો સવાલ પૂછ્યો.

‘ગિરધરલાલ, આપણે એક્સ-રે કઢાવા જઇએ છીએ!’ રાજુએ નવો ફણગો ફોડ્યો.

‘વોટ રાજુ? વોટ તું શું બોલ્યો?’

‘યેસ, આપણે એક્સ-રે કઢાવવા જઇએ છીએ.’

‘રાજુ, તને કે મને ન્યુમોનિયા થયો હોય કે કમળો થયો હોય તો એક્સ-રે કઢાવીએ. મને તો નખમાં ય રોગ નથી. હું એક્સરે, બ્લડ ટેસ્ટ, ઇસીજી, લિપિડ ટેસ્ટ, સીટી સ્કેન રેગ્યુલર કરાવું છું. મારે હવે કોઇ એક્સ- રે કરાવવા બરાવવાનો રહેતો નથી.’ હું છેલ્લા પાટલે જઇ બેઠો.

‘નવી સરકારે ૧૪૫ કરોડ દેશવાસીઓને ફરજિયાત એક્સ-રે કરાવવાના નિર્ણય કર્યો છે. દેશના તમામ નાગરિકે આ ટેસ્ટ કરાવવો પડશે.’ રાજુએ નવી માહિતી આપી.

‘રાજુ, બાંગ્લાદેશી ઘૂસણખોર, રોહિંગ્યા, ચકમા, નકસલવાદી કે દેશની સરહદોથી ઘૂસતા આતંકવાદીઓએ પણ એક્સ-રે કરાવવાના ?’ મેં સળગતા સવાલનો કાકડો રાજુ પર નાખ્યો.

‘તમામે એક્સ-રે કરાવવાનો એટલે કરાવવાનો. કોઇને મુક્તિ નહીં, કોઇ દલીલબાજી નહીં.’ રાજુ અગ્નિવીર આર્મી મેન બની ગયો.જે દેશની સરહદે શહીદ થાય પણ શહીદનો દરજ્જો ન મળે!

અમે એક્સ-રે સેન્ટર પહોંચ્યા.અમને એમ કે લાંબી લાઇન હશે. પંદર વીસ લોકો હતા.અમે અમારું પત્રકારનું કાર્ડ દેખાડી અંદર જતા રહ્યા. મોટી સાઇઝના લેટેસ્ટ એક્સ-રે મશીન લગાવેલા હતા.અમે જે કાંઇ જોયું તેનો અક્ષરશ: અહેવાલ મીઠું મરચું ભભરાવ્યા વિના અહીં પ્રસ્તુત કરું છે..

‘અરે, આ માણસનું પેટ અને પીઠ તો એક છે. તાબૂત જેવો સાબૂત જણાય છે. આ માણસની નસો તો શું રૂંવાડામાં લોહીનો છાંટો નથી. આની સો પેઢીમાં કશું કરવાનું કૌવત જણાતું નથી.સુકાયેલા વૃક્ષ જેવો નિશ્ર્ચેતન હતો!’ ડોક્ટર જેવા માણસે એક અલ્પ વજનવાળા માણસનો એક્સ-રે જોઇને એને રવાના કર્યો.

‘આ સ્થૂળાત્મામાં ક્યાંય હાડકા દેખાતા નથી. નર્યો ચરબોત્મા છે.બુલેટ ટ્રેનની ગતિએ શહેરો ફૂલેફાલે છે એમ તેનો દેહ ઓકટોપસની જેમ ચરબીથી ભરેલો હતો. પેલા ગીત જેવું કે રાજ મને લાગ્યો ચરબીનો થર ..’ ડોક્ટરે શાયરીના અંદાજમાં અર્જ કર્યું. અમારે દુબારા દુબારાના ગુબ્બારા ઉડાડવા પડ્યા.

‘ઓહ માય ગોડ! ઇટસ અનબિલિવેબલ. આ માણસના શરીરમાં કેસરી કલરનું લોહી છે! ફેંફસા, નાનું આંતરડું,મોટું આંતરડું, જઠર, ધમની શીરા, હદય બધું સેફ્રોન છે. વારે વારે જય શિરા રામના ધબકારા બોલે છે. આ માણસ છે કે કેસરની પૂડી.’ ડોક્ટરે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.

લુક એટ ધેટ ગાય. શરીરમાં માંસ નથી. ખાવા ઘાસ નથી. પરંતુ, કવિતાના પ્રાસ, છંદના ચાસ, અછાંદસનો ત્રાસ,ખાસ, છાશ, આશ, હાશ જ દેખાય છે. વિવેચક પર ખુન્નસ ખાય છે. ડોક્ટરે વધુ એક વ્યક્તિનો એક્સ રે જોયો.

‘આ ભાઇ અનામતવાદી છે. જ્યાં જ્યાં ભક્ષણ ત્યાં ત્યાં આરક્ષણ માગે છે. એ ભાઇ તો શ્ર્વાસ અને ઉચ્છવાસમાં ચાલીસ ટકા અનામત માગે છે. લાંચ લેવામાં અનામત કેમ દાખલ કરી નથી. દારૂ વેચવામાં પણ અનામત દાખલ કરો. વાયુવિસર્જનમાં પણ અનામત દાખલ કરવાની હિમાયત કરે છે.’ ડોક્ટરે વધુ એક્સ રે જોયો.

‘આ બંદામાં દમ છે. એના શરીરમાં ઠાંસી ઠાંસીને સોનું ચાંદી, હીરા, રૂપું, ડૉલર, પાઉન્ડ, ફાર્મ હાઉસ, ફલેટ, મોલ, શોપિંગ સેન્ટર, બંગલા,નોટોની ગડી, મિલકતના દસ્તાવેજ દેખાય છે. કમ સે કમ હજાર ખોખાની પાર્ટી જણાય છે. આને અલગ તારવવો પડશે. દિલ્હી મોકલવો પડશે.’ એક્સ-રેની એક્સરસાઇઝથી એક તો તગડો બકરો પકડાયો. ડોક્ટર ખુશ થયા. હજુ આગળ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં ડોક્ટર પર ફોન આવ્યો.

‘ડોક્ટર, તમને કયા ગધેડાએ ડોક્ટર બનાવ્યા છે? તમને જે માણસ ભ્રષ્ટાચારી ભાસે છે તે નિતાંત સદાચારી અને સનાતની, પ્રખર રાષ્ટ્રવાદી છે. તે અમારા પક્ષનો પ્રમુખ છે. એની સામે કોઇ કાર્યવાહી કરવાની નથી. એ સજ્જનની રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરવાના છે. એને ચા- પાણી નાસ્તો કરાવી સસન્માન વિદાય કરો. એમનું અપમાન એ ૧૪૫ કરોડ દેશવાસીનું અપમાન કહેવાશે તે યાદ રાખજો.’ સામેથી આદેશ અપાયો.

‘યેસ સર.. કોની સામે કાર્યવાહી કરવાની છે?’ ડોક્ટરે પૂછયુ.

‘ડોક્ટર જે આપણી પાર્ટીના હોય કે ગઠબંધનના ન હોય એ એનો એક્સ-રે ક્લીન હોય તો પણ કરપ્ટ બતાવી એની સો પેઢીનો એક્સ-રે કાઢી ફીટ કરવાના છે. ક્લીયર એની ડાઉટ? ગો એન સ્કેન એક્સરે-!’ સામેના છેડેથી ફોન ડિસકનેકટ થયો…
ડોક્ટરને ચહેરો ભદા એક્સ-રે જેવો થઇ ગયો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button