ફિલ્મોમાંથી સન્યાસ
સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ
ભાગ બીજો
વિવિધ ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો અનેક વખત ભારે અફવાઓ ગરમ રહેતી હોય છે. ખંડન-મંડન ચાલ્યા કરતું હોય છે. આ જ બધી બાબતોની ચર્ચા આપણે અહીં કરવાની છે…
ફિલ્મોમાંથી સન્યાસ
કેટલાક કલાકારો પોતાના ફિલ્મી કેરિયરમાં એવા ખાસ તબક્કે ફિલ્મોમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી નાખતા હોય છે કે તેઓ અમુક અમુક સમયે તેઓ ફિલ્મોમાંથી સન્યાસ લઈ રહ્યા છે. કદાચ તેમને પણ જાણ થઈ ચૂકી હોય છે કે અમુક-અમુક સમયે જો તેઓ સન્યાસ નહીં લેશે તો પબ્લિક બળપુર્વક તેમને સન્યાસ અપાવી દેશે. અખબારોમાં ચર્ચા થતી હોય છે, દુશ્મન ખુશ થતો હોય છે, ચમચાઓ હાય-તોબા કરતા હોય છે કે મહાન આત્મા તમે આ શું કરવા જઈ રહ્યા છો અને તટસ્થ માણસ જાણતો હોય છે કે તે ક્યાંય જવાનો નથી. સન્યાસ-વન્યાસ બધું જ પબ્લિસિટી સ્ટન્ટ છે. તેનું દિલ કહી રહ્યું હોય છે કે ‘એ ફિલ્મવાળાઓ હું જઈ રહ્યો છું, મને રોકો, મને સમજાવો કે હજી સુધી મારી નિવૃત્તિની ઉંમર આવી નથી. મને નવી ફિલ્મોના કૉન્ટ્રેક્ટ્સના બંધનોમાં બાંધી લો.’ વિધિનાં વિધાન તો જુઓ કે કેટલાક દિગ્દર્શકોની કેરિયર અને નિર્માતાઓના ધંધા ચોપટ કરતાં કેટલાક સમય પર જ કેટલાક કલાકારોના સન્યાસની ઈચ્છા પૂરી થઈ જતી હોય છે.
મુહૂર્ત
કોઈપણ ફિલ્મને બનાવવા પહેલાં તેનું મુહૂર્ત કરવું આવશ્યક હોય છે, પરંતુ એવું બિલકુલ જરૂરી નથી કે જે ફિલ્મનું મુહૂર્ત થયું હોય તે ફિલ્મ બની જ જાય. જે માણસ ફિલ્મનું મુહૂર્ત કરતો હોય છે, તે મુહૂર્ત કરતાં જ નિર્માતા કહેવડાવવા લાગતો હોય છે.
ફિલ્મ બનાવવા માટે ઈચ્છા એ ક્ષમતાની જરૂર હોય છે. હવે માની લ્યો કે એક માણસની ઈચ્છા તો છે, પરંતુ તેની ક્ષમતા નથી તો તે શું કરશે? તે એક ફિલ્મનું મુહૂર્ત કરી નાખશે. હવે તે ક્ષમતા માટે તે ફાઈનાન્સર અને ડિસ્ટ્રિબ્યુટરના મોં જોયા કરતો હોય છે. મુહૂર્ત એક ચારો છે, જે ફાઈનાન્સર અને ડિસ્ટ્રિબ્યુટરને નાખવામાં આવતો હોય છે. તેઓ ચરી ગયા તો ચારો છે અને નહીં તો નિર્માતા બિચારો છે.