ઉત્સવ

ગરમ શરીર- ગરમ હવા- ગરમ પ્રકૃતિ કારણ શું?

કેનવાસ -અભિમન્યુ મોદી

માણસ જન્મ્યો ક્યાં એ તો ખબર છે ને? હોસ્પિટલમાં તો આપણે જન્મ્યા. આપણા પૂર્વજો પેદા થયા આફ્રિકામાં. આજે દુનિયાના કોઈ પણ ખૂણે વસતો માણસ દેખાય તો એમ સમજવું કે એમના વડદાદાઓના પણ દાદાજીઓએ આફ્રિકાનો ખોળો ખુંદયો છે. ‘હોમો સેપિઅન્સ’ ( માનવ પ્રજાતિની આજની પેઢી એટલે કે આપણે ! ) નો ઉદ્ભવ એ જ ખંડમાં થયો છે. આફ્રિકામાંથી ધીમે ધીમે સ્થળાંતર થયું. અમુક જૂથ યુરોપ ગયું. યુરોપની ઠંડી જેને ન ફાવી એ લોકો પૂર્વ બાજુ વળ્યા. અમેરિકા તરફ તો માણસ હમણાં જ ગયો કહેવાય. બાકી પૃથ્વી ઉપર મુખ્ય તો આફ્રિકા અને એના પછી એશિયા અને યુરોપમાં જ માનવ સંચાર હતો માટે ઇજિપ્તથી લઈને સિંધુ ખીણની સુધીની સંસ્કૃતિઓ સૌથી જૂની સંસ્કૃતિઓ છે. હા,આ તો સમજ્યા,પણ ઇતિહાસના આ પાઠને ગરમી સાથે શું સંબંધ?

વેલ, આફ્રિકામાં રહેલા આદિમાનવોને તકલીફ ઘણી પડતી, કારણ કે આફ્રિકા એટલે ખૂબ ગરમ પ્રદેશ જ નહીં, પણ અતિશય ભેજ ધરાવતો પ્રદેશ. ગરમી અને ભેજ એટલે પ્રાણઘાતક કોમ્બિનેશન- સંયોજન. બીમાર પાડવાની અસરકારક ફોર્મ્યુલા છે આ. ચામડી–પેટના રોગો, માનસિક અસ્થિરતા, ડિહાયડ્રેશન, દિશાશૂન્યતા આ બધું એક કલાકમાં થવા લાગે. ગરમી કરતાં પણ બફારો વધુ ખરાબ. આમ છતાં પણ આપણા વડવાઓ આવા જ વાતાવરણમાં ટક્યા અને નવી પેઢીને જન્મ આપીને ગયા. હા, ત્યારે પણ તાપમાન આટલું જ હતું અથવા તો આનાથી વધુ હતું. ૫૦ ડિગ્રી તાપમાન પ્રાચીન સમયમાં ઉનાળામાં પહોંચ્યું છે. માનવ વસાહતો જ્યાં હતી ત્યાં પણ ત્રણ – ત્રણ મહિના આકરો ઉનાળો રહ્યો છે તો આપણે જ ગરમી ગરમી આટલું બધું કેમ કરીએ છીએ? આપણે કેમ ગરમી સહન કરી શકતા નથી? મગજનો પારો કાબૂમાં રહે નહીં. રોડ ઉપર ગરમીના બહાને સિગ્નલ તોડી નાખીએ. સંબંધ વિચ્છેદ પણ શિયાળા કરતાં ઉનાળામાં વધુ થાય એવું કેમ? આપણા પૂર્વજોએ તો આવા જ ઉનાળા પસાર કર્યા છે તો આપણા માટે અસહ્ય કેમ બની રહ્યું છે?

જવાબ છે – આપણી વિકૃત લાઇફ સ્ટાઇલ. આપણે જે રીતે જીવી રહ્યા છીએ તે આપણા શરીરને નબળું અને આપણને પોચા મરિયલ બનાવી રહ્યું છે. આપણે હવે ઘણી સગવડતાઓ મોર્ડન લક્ઝરી નથી સમજતા , પણ પાયાની જરૂરિયાત ગણીએ છીએ. ઉદાહરણ તરીકે- એસી. આપણી એટલી બધી ખરાબ આદતો છે ને કે આપણે પોતે હેરાન થઈ રહ્યા છીએ. આપણી હેરાનગતિ ઓછી કરવા આપણે કુદરતનું નિકંદન કાઢી રહ્યા છીએ. જો આ વાત અતિશયોક્તિ ભરી લાગતી હોય કે આવું સીધું દોષારોપણ ન ગમ્યું હોય તો આ રહી સાબિતીઓ…

ગરમીમાં આપણે કેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરીએ? ગળ્યા અને પ્રવાહી. શેરડીના રસથી લઈને બરફના ગોલા સુધી. કેરીના રસથી લઈને આઈસક્રીમ સુધી. આ બધા જ ખાદ્ય પદાર્થોમાં કોમન શું છે? સુગર. થોડી નહીં પણ દોથો ભરીને લોટસ ઓફ સુગર. ગરમી લાગી એટલે મિલ્કશેક પીધો. રાઈટ? પણ એ જ શેકને કારણે લોહીમાં સુગર બહુ વધી ગઈ માટે ઇન્સ્યુલીન વધુ રિલીઝ કરવું પડે. શરીરના અમુક તંત્રો ટોપ ગિયરમાં ચાલે. સુગર વધ્યા પછી શરીર પ્રોસ્ટાગ્લાંડીન રિલીઝ કરે જે શરીરનું તાપમાન વધુ વધારે. સરવાળે તત્ક્ષણ ઠંડક મળ્યા પછી આપણને વધુ ગરમી થાય. આ જ પ્રોસેસ બટેટા ખાવાથી થાય. ગુજરાતીઓના લગભગ દરેક ઘરમાં દરેક શાકમાં છૂટા મોઢે બટેટા પડે છે અને એટલા જ બટેટા ખવાય છે. બટેટાનો ગ્યાલસેમીક ઇન્ડેક્ષ ખૂબ હાઈ છે. સ્ટાર્ચથી ભરપૂર બટેટા પણ બ્લડમાં સુગરને શૂટ કરે, જે શરીરના પાચનતંત્ર, અંત: સ્ત્રાવી તંત્ર, થર્મોસ્ટેટ, ચયાપચયનો દર બધાને ખૂબ અસર કરે અને તે અસર હળવી હોય.

દર વર્ષે ભારતીયોનું મસાલા ખાવાનું પ્રમાણ વધતું જાય છે. અમુક બ્રાન્ડના મસાલા પર અનેક દેશમાં પ્રતિબંધ મુકાયો છે. આમેય વધુ પડતા મસાલાનો ઉપયોગ ગરમી પેદા કરે. લારી હોય કે સારી રેસ્ટોરન્ટ બધે ગરમ મસાલાનો ઉપયોગ છૂટથી થાય છે અને પબ્લિકને પણ આવું જ તીખું – તમતમતું – ચટાકેદાર ભાવે છે, જે શરીરની તાસીર બગાડે. કફ-પિત્ત અને વાયુના સંતુલનને સાવ ખોરવે. જો માનવામાં ન આવે તો ગીતા પુસ્તક ઉથલાવી જવું, કારણ કે ગીતામાં જ લખ્યું છે કે તામસી પદાર્થો અને તીવ્ર ગંધ ધરાવતા ખાદ્ય પદાર્થોના સેવનને રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકોનો ખોરાક છે. સાત્વિક ભોજન અલગ અને તામસી ભોજન અલગ. આ બંને ભોજન લેનારા લોકો પણ અલગ. આવું ગીતામાં સ્પષ્ટ લખ્યું છે. હવે આયુર્વેદ ખોલીને તામસી વૃત્તિ ધરાવતા ખાદ્ય પદાર્થોની સૂચિ વાંચવી. લગભગ બધા કંદમૂળ એમાં સમાવિષ્ટ હશે! મોટા ભાગના લોકોને ડુંગળી – લસણ વિનાની રસોઈ તો ભાવતી જ નથી હોતી! (આમાં કોઈ ધર્મની વાત છે જ નહીં. પાયાના શરીર વિજ્ઞાન અને સાદા તર્કની જ વાત કરી છે.) મેંદો, પેકડ ફૂડ્સ વગેરે એટલું જ નુકસાન કરે અને ગરમી વધારે.

લોકો એરકન્ડિશન પણ સોળ કે અઢાર ડિગ્રીએ રાખે. મેડિકલ સાયન્સ પણ ચોખ્ખું કહે છે કે પચ્ચીસ ડિગ્રીથી ઓછું એવું એસીનું તાપમાન શરીરને નુકસાન કરે. આંખો સૂકવે, ચામડીને બેજાન બનાવે, મેટાબોલિઝ્મ રેટ સાથે ખિલવાડ કરે, માનસિક સ્વસ્થતા હણી લે, માણસને આળસુ બનાવે અને સરવારે તબિયત ઉપર નઠારી અસર થાય. ચિલ્ડ એસી રાખીને પોતાના રૂમ કે ઓફિસને કોલ્ડ સ્ટોરેજ બનાવી નાખતા જાતકો પોતાના શરીરનું, પોતાના પરિવારનું અને પૃથ્વીના વાતાવરણનું જબરું નુકસાન કરે છે. (સોલાર પેનલ જેણે ધાબે નખાવી દીધી હોય એ તો ગમે તેમ એસી વાપરે છે. અરે સાહેબો, તમને બિલ ન આવે એમાં પર્યાવરણની પથારી શું કામ ફેરવો છો? એસીનું કોમ્પ્રેસર બહુ ગરમ હવા ફેંકે છે , ભઈલા.)

પાણી ઢોળવાની પણ એટલી જ ખરાબ આદત. એક બકેટને બદલે પાંચ બકેટથી સ્નાન થાય. વાસણ – કપડાં વગેરેમાં ખૂબ પાણી ઢોળવામાં આવે. આંગણે બે છોડ વાવીને ઘરમાં રોજ બસ્સો લિટર પાણી વેડફતા હશે. જમ્યા પછી પોતાની થાળીમાં અચૂક એઠું મૂકનારા લોકો ગુજરાતમાં જ કરોડોની સંખ્યામાં છે. (ભાતનો એક દાણો પણ વેડફવો એ પણ ખૂબ ખરાબ કૃત્ય કહેવાય – યાદ રાખવું.)
ફૂડ પિરામિડ – ઇકો સિસ્ટમ – માનવ હસ્તક્ષેપ – પર્યાવરણ – વર્તમાન પરિસ્થિતિ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણને એ જોડાણ ન દેખાય તો એ આપણું અજ્ઞાન. આપણે આપણા શરીરને અને વાતાવરણને એવું કરી નાખ્યું છે કે આપણે જ સહન કરવાનું થશે. આપણા હાથના કર્યા આપણનાં હૈયે વાગે ત્યાં સુધી વાંધો નથી, પણ ભવિષ્યની આવી રહેલી પેઢી માટે પણ આપણે જરાય વિચારવું નથી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button