ગુજરાતનું ચોમાસું – ૧ ગુજરાતની શાન એટલે ધ્યાનમગ્ન જટાળા જોગી સમો ગઢ ગરવા ગિરનારની ચોમાસાની ટહેલ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
ઋતુઓની રાણી વર્ષા જ્યારે એના અસ્સલ મિજાજમાં આવે ત્યારે આખીયે અવનીને સજાવવા માટેની ટેક લઈને આવી હોય એમ વરસી પડે છે અને એના મિજાજમાં ભીંજાવા માટે પણ પ્રકૃતિનાં દરેક તત્ત્વો મન મૂકીને એનામાં ઓતપ્રોત થતાં દેખાય છે તો આપણે સહુ કેમ બાકી રહીએ? એ વરસે ત્યારે માટી મહેક બનીને ડોલવા લાગે છે, ઝાડવાનાં પાંદડાઓ વરસાદની બૂંદો પડતા જ નાચવા લાગે છે અને નવા ખીલેલાં પાંદડાઓ પણ ભૂલકાઓ પગમાં ચંપલ વિનાના શેરી ફરવા નીકળ્યા હોય એમ ગમે ત્યાંથી રસ્તો કરીને ડોકિયું કરતા દેખાય છે. પતંગિયાઓ નાનકડું આયુષ્ય લઈને નવા જ ખીલેલા પર્ણો અને ફૂલો પર પોત પોતાની જગ્યા રોકી લે છે તો દેડકાંઓ પોતાની આગવી અદામાં કૂદાકૂદ કરી મૂકે છે. સોરઠનાં ગઢ એવા જૂનાગઢમાં હજારો વર્ષોથી તપસ્યામાં લીન એવા જોગી ગિરનારને મળવા વર્ષા કેટલાયે સમયથી આતુર હોય એમ વરસી પડે છે ત્યારે ગિરનારનાં પગથિયાં જે ન ચઢ્યા હોય એમણે ક્યારેય ગિરનારનો અસ્સલ રૂઆબ નથી જોયો એવું ચોક્કસપણે કહી શકાય. ચોમાસામાં સામાન્ય રીતે આપણે કોઈ હિલ-સ્ટેશન તરફ ભાગતા હોઈએ છીએ પણ અહીં વાદળોની આખી ફોજ ગિરનારીની ધૂનમાં જટાળાં જોગીને મળવા દોટ લગાવે છે.
વહેલી સવારે ભવનાથમાં પગ મૂકતા જ જાણે ગિરનારી તમને એની તરફ ખેંચતો હોય એવું ગજ્જબનું આકર્ષણ થાય. વાદળોની હાજરી મોટાભાગે ગિરનારની ટોચને ઘેરી વળેલી જ હોય છે. જીવનમાં ગમે તેટલી વાર ગિરનાર જાઓ પણ આ પ્રકારનું ખેંચાણ ન અનુભવો એવું ક્યારેય બન્યું નથી. એક તરફ ગિરનાર વન્યજીવ અભ્યારણ્ય અને એને ચોતરફ વનરાજીએ શિવની જટા માફક ઘેરી વહાલો ગરવો ગિરનાર જાણે દરેક જનોને અંગત રીતે આવકારતો હોય કંઈક એવી જ ભાવના અનુભવાય. વહેલી સવારે ગરમાગરમ રજવાડી ચ્હા મળી રહે તો ચૂસ્કી મારીને જે ગિરનારી કરતા કરતા શરૂઆત કરી શકાય. ગઢનાં દાદરા ચઢતા જ ગણપતિ દાદાનાં દર્શન કરીને ધીરે ધીરે અંબાજી સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરીને નીકળીએ કે વચ્ચે વચ્ચે વિરામ સ્થળોએથી ગિરનારની ગોદમાં વસેલા શહેરની ઝલક દેખાય. સાગનાં ઘટ્ટ જંગલમાં ઠેર ઠેર વાંદરાઓ ગમ્મત કરતા દેખાય એમને નિહાળતા નિહાળતા પળવારમાં સઘળો થાક ગાયબ થઇ જાય. પક્ષીઓનો કલરવ સંભળાય એટલે પંખીદર્શનમાં રસ ધરાવતા લોકોની આંખો આપોઆપ ચકોર થઇ જાય કે એક ડાળેથી બીજી ડાળીએ ઉડતું બ્લેક નેપ્ડ મોનાર્ક એની અદાથી કોઈને પણ વશમાં કરી લે. જરાક આગળ વધો કે મોર અને ઢેલ ઝડપથી દોડતાં નજરે પડે અને ત્યાં નજર સ્થિર થઇ જાય. વચ્ચે એકાદી છત્રીમાં વિરામ લીધા પછી જરાક જેટલું ચાલીએ કે થાક લાગ્યો હોય એવું લાગે એટલામાં કોઈ વૃદ્ધ વ્યક્તિ માથા પર સામાન લઈને યુવાન જેટલુ ત્વરાથી ઉપરની તરફ ભાગતો દેખાય કે ફરી આપણામાં જોમ આવી જાય અને પગલાં માંડીએ. અહીં રસ્તામાં જ પાણી અને ખાટી આંબલી, આમળાં, મકાઈ વગેરે મળી રહેશે આ ઉપરાંત લીંબુ શરબત પણ ઠેર ઠેર મળશે. કોલ્ડ ડ્રીંક્સની પ્લાસ્ટિક બાટલીઓને નકારીને લીંબુ શરબતની લિજ્જત માણીએ અને ધીરે ધીરે પ્રકૃતિનાં સથવારે ગિરનાર દર્શન કરીએ એટલે અલગ જ રોમાન્ચ અનુભવી શકાય.
આભમાં ઊંચે જુઓ અને નજર પહોંચે ત્યાં સુધી વાદળાઓની દોટમ દોટ, ક્યારેક નજર ચપળ હોય તો વિશાળ પાંખો ફફડાવીને સ્થિર ઉડાન ભરતું ગિરનારી ગીધ નજરે ચઢે અને વાદળાઓમાં અચાનક ક્યાંક ખોવાય જાય, શ્ર્વાસમાં ઊંડે સુધી ભરી લો તો પણ ન થાકો એવી લીલોતરીની મહેંક અને તાજી જ હવા,
ક્યારેક ચહેરા પર વાદળી તાજા જ છાંટા વરસાવી જાય ત્યારે સ્પર્શતી બૂંદ સાથે જાણે વર્ષો પુરાણું વહાલ હોય એવું જ કંઈક, વાદળાઓ વચ્ચે સંતાયેલા અવધૂત સામો ગિરનાર મરક મરક હસતો હોય એમ ક્યારેક અચાનક જ દેખાઈ આવે અને ફરી ગુમ, કોઈ તપસ્વી યોગીની વધેલી જટા માફક ઠેર ઠેરથી વહેતા ઝરણાંઓ પહાડ ચઢી આવ્યા હોય એમ આનંદ વહેંચતા સંભળાય અને છેલ્લે વાદળો મારી સાથે દત્તાત્રેયની ટૂંક ચઢવાની હરીફાઈ લગાવીને બેઠા હોય એમ લાગે. ચોમાસાની ઋતુમાં ગુજરાતના ગરવા ગિરનારને નથી ચડ્યા તો શું તમે ધૂળ ગુજરાતમાં રહો છો?
કાલિદાસની રચના મેઘદૂત યાદ આવ્યા વિના ન રહે.
तस्मिन्नद्रौ कतिचिदबलाविप्रयुक्तः स काजमी नीत्या मासान्कनकवलयभ्रंशरिक्तप्रकोष्ठः।
आषाढस्य प्रथमदिवसे मेधमाश्लिष्टसानुं वप्रक्रीडापरिणतणतगजप्रेक्षणींय ददर्श॥
અઠળૃટ તે પર્વત પર સુંદર પત્નીથી વિયોગમાં મહિના પસાર કરનાર, કૃશ થઈ જતાં સોનાના કડાં પડી જવાથી ખાલી કાંડાવાળો, પત્ની ને મળવાની ઇચ્છા કરવા વાળા યક્ષે, રમત કરતાં હાથી જેવા વાદળ ને પર્વતને આશ્લેષમાં લીધો હોય એમ જોયો.
આશરે ૩૦૦૦ પગથિયાં પછી પહેલી ટૂક પર જૈન ધર્મની આસ્થાનું મુખ્ય સ્થળ એવું ભવ્ય નેમિનાથ જૈન દેરાસર આવે અને ત્યાંથી બીજા ૧૦૦૦ પગથિયાં ચઢીએ કે હિંદુ ધર્મનું આસ્થાનું અદ્ભુત સ્થાનક અંબાજી આવે, ત્યાં મસ્તક નમાવીને ધન્યતા અનુભવીએ એટલે અરધો ગિરનાર સર કર્યો કહી શકાય. હાલમાં અહીં સુધી પહોંચવા માટે રોપવેની વ્યવસ્થા પણ છે અને રોપવેમાંથી જૂનાગઢ શહેરનો મનમોહક નજારો મન ભરીને માણી શકાય પણ રોપવે કરતા દાદરાઓ ચઢતાં ચઢતાં પ્રાકૃતિક દૃશ્યોની મોજ માણીએ તો ગિરનારની યાત્રા સાર્થક ગણાય. જેમ ગમતી ક્ષણને ઘણા સમય સુધી મમળાવવી જોઈએ એમ જ ગમતા સમયને અને ગમતા રસ્તાને લાંબા સમય સુધી જાળવી રાખવો જોઈએ. આ રસ્તે જેટલું ચઢાણ કરીશું એટલા જ સુંદર દૃશ્યો આગળ જતા મન અને આંખોને તૃપ્તિ આપશે. અહીં સુંદર અંબાજીનું મંદિર છે અને હવે થોડું ઉતરાણ છે, ચોતરફ વિશાળ પ્રાકૃતિક શિલાઓ પડું પડું થતી ઊભી હોય એમ ભાસે પણ વર્ષોથી એ એમની એમ જ છે. આ શિલાઓને જોતા જ આશ્ર્ચર્યચકિત થઇ જવાય. થોડા ઉતરાણ પછી ફરી સીધું ચઢાણ અને વાદળો વચ્ચે ગિરનારની મુખ્ય ટૂક ગુરુ દત્તાત્રેયનું સ્થાનક દેખાશે કે બધો જ શારીરિક થાક વાદળો સાથે ક્યાંય હવામાં ઓગળી જશે અને મન પ્રફુલ્લિત થઇ ઊઠશે જાણે કોઈ દિવ્ય શક્તિનો સંચાર થયો હોય. મુખ્ય ટૂક પર ચઢતા પહેલા જ ગિરનારની સાથે સાથે ક્ષિતિજ પર સૂરજની પહેલી રોશની નારંગી રંગથી અવનીને રંગવા થનગની રહી હોય, આછો ભૂખરો રંગ ધીરે હવામાં ઓગળીને નવી જ સ્ફૂર્તિનો સંચાર કરતો હોય એવું સ્પષ્ટ રીતે જોઈ અને અનુભવી શકાય ત્યારે જરા તરા સર્જનહારની દિવ્ય શક્તિનો પરિચય અને ઠંડા પવનનાં અછડતાં સ્પર્શથી પ્રકૃતિનાં વ્હાલની અનૂભૂતિ સુધી પહોંચી શકાય.
થોડી ક્ષણો પોતાના માટે ફાળવીને ગિરનાર પર બેસીને જૂનાગઢ નગર સાથે હવામાં વાતો કરીએ તો જાણે જૂનાગઢ પોતાની કથની કહેતો હોય એવું લાગે. ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતા વાદળો સાથે વાતો કરવી, ખીલી ઉઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવી એથી રૂડું શું હોઈ શકે આ સમામાં? કાળાં ડિબાંગ વાદળો જાણે ગિરનારની આંખનું કાજળ બન્યા હોય એવું કંઈક દીસે છે. અહીંથી પરત ફરવાનું મન તો ન થાય પણ ધીરે ધીરે નીચે ઉતારવા માટે પગલાં માંડીએ અને અંબાજી સુધી જ્યાથી આવ્યા હતા એ જ રસ્તે દાદરા ઉતરતા ઉતરતા જૂના દાદર તરફ વળીએ એટલે જંગલનો અલગ જ માહોલ પામી શકીએ. અહીં ઠેર ઠેર નવા જ ખીલેલાં પાન પર ગોકળગાય તો વળી ક્યાંક પતંગિયાઓ ઉડતાં જોઈ શકાય. સામાન્ય રીતે લોકો નવા રસ્તાનો ઉપયોગ કરતા હોય અહીં બહુ જ ઓછા લોકો હોય છે એટલે અહીં પ્રકૃતિના સુમધુર સંગીતમય માહોલને પણ માણી શકાય.
પક્ષીદર્શન અને શાંત માહોલની તરફેણમાં હોય એવા જનો માટે આ રસ્તો સ્વર્ગસમો છે. નજર ચકોર હોય તો આ રસ્તા પર પસાર થતી વખતે કોઈ વૃક્ષની ડાળી પર ઘુવડ તો વળી ક્યાંક કોઈક સાપમાર ગરુડ નજરે ચઢી જાય. સાંજ ઢળ્યા પછી આ રસ્તે દિપડાની અવર જવર પણ થતી હોય છે એટલે સૂર્યાસ્ત પહેલા નીચે પહોંચી શકાય એમ હોય તો જ આ રસ્તો લેવો જોઈએ. માર્ગમાં વચ્ચે કોઈ શિલા પર બેસીને વાદળો સાથે વ્હાલ કરતા શહેરને જોયા કરવું એની એક અલગ જ મોજ છે. આ રસ્તા પર વચ્ચે થાક જેવું લાગે તો ચોમાસાની ઋતુમાં અહીં ઘણાં પ્રાકૃતિક ઝરણાઓ વહેતાં જોવા અને સાંભળવા મળે. જટાશંકર મહાદેવનાં મંદિર નજીક પહોંચતા સુધી સોનરખ નદીની ધારાઓ સુઘી પહોંચી જવાય. છેક નીચે ઉતરીએ એટલે ગિરનારને અનાયાસે ફરી જલદી મળવાનું વચન પણ આપોઆપ અપાઈ જ જાય એમાં કોઈ જ શંકા નથી.
ગિરનારથી નીચે ઉતાર્યા પછી ઠેર ઠેર ગરમ ગરમ ગિરનારી કાહવાની લારીઓ જોવા મળે. અહીં આદું-મરી મસાલા અને ફૂદીના સાથેના દેશી કાહવાની લિજ્જત માણવાની તક કોઈ સંજોગોમાં ચૂકાઈ એવી નથી. હવે તો અહીં સિંહને મહાલતા જોવાનો મોકો પણ સરળતાથી મળે છે. ગિરનાર વન્યજીવ અભ્યારણ્યમાં જીપ્સી સફારી કરીને ગિરનારની ગોદમાં વસતા વન્યજીવોને કુદરતી માહોલમાં નિહાળી શકાય. ગુજરાતનાં સહુથી ઊંચાઈએ આવેલા શિખર એવા ગરવા ગિરનારનું મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે, એક કે બે દિવસ માટે રૂટિનથી બ્રેક લઈને પોતાની જાતને કુદરતી માહોલ આપવો હોય તો ગિરનારથી શ્રેષ્ઠ કોઈ જ જગ્યા ન હોઈ શકે.