ઉત્સવ

ડૉ. મનમોહન સિંહ એ રાજકારણી નહોતા તે એમનો ગુણ હતો-અવગુણ નહીં…

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના વડા પ્રધાન બન્યા છે. એમણે ૨૦૧૪માં ડો. મનમોહન સિંહ પાસેથી દેશની કમાન સંભાળી હતી. યોગાનુયોગ, મોદી ત્રીજી ટર્મ માટે કમર કસી રહ્યા હતા ત્યારે જ ડો. સિંહે સાર્વજનિક જીવનમાંથી અલવિદા ફરમાવી હતી. ૩ એપ્રિલે, એ રાજ્યસભાના સભ્યપદ પરથી નિવૃત્ત થયા હતા. ૩૩ વર્ષ સુધી સંસદમાં હતા. પોતાના દીર્ઘ કાર્યકાળમાં ડો. સિંહે મુખ્ય અર્થશાસ્ત્રી, કેન્દ્રીય બેંકના ગવર્નર, નાણાપ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે પણ કામગીરી બજાવી હતી.

એ વાત સાચી છે કે એમની પાસેથી લોકોની જે અપેક્ષા હતી તેમાં એ ઊણા ઊતર્યા હતા અને ૨૦૧૧ પછીનો એમનો કાર્યકાળ ઘણો નિરાશાજનક રહ્યો હતો (જેના બળ પર મોદીનો ઉદય થયો હતો), પરંતુ ૯૦ના દાયકામાં એમણે જે આર્થિક સુધાર લાગુ કર્યા હતા, તે ભારતના ઈતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી. જેને અસલી અર્થમાં ક્રાંતિ કે બદલાવ કહે છે તેવું ભારતે છેલ્લા ૩૦ વર્ષમાં ફરી જોયું નથી અને એમણે જે સુધારાની પ્રક્રિયા શરૂ કરી હતી તે છેક મોદીના શાસનમાં પણ ચાલુ રહી છે.

ડો. સિંહ પર ઘણા આરોપ મુકાય છે (અને એમાંથી ઘણા ઉચિત પણ છે), પરંતુ લાખો ભારતવાસીઓને ગરીબીની ખાઈમાંથી બહાર કાઢવા માટે નિમિત્ત બનનાર આર્થિક સુધારની પહેલ માટે એમને જે શ્રેય મળે છે, તેવું શ્રેય આઝાદ ભારતના બીજા કોઈ નેતાને મળતું નથી. આપણે ઘણીવાર વર્તમાન રાજનીતિમાં ચાલતા પ્રોપેગેન્ડા, નેરેટિવ્સ અને ફેક ન્યૂઝમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘણીવાર આપણા નજીકના ભૂતકાળમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓની, કદર તો ઠીક, સમજ પણ રાખતા નથી.

આજે ભલે આપણે ડો. મનમોહન સિંહની હાંસી ઉડાવીએ, પણ તેમણે એક એવા કપરા સમયે અર્થતંત્રની કમાન સાંભળી હતી, જેમાં ભારત ડૂબી જવાની તૈયારીમાં હતું. વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ૨૦ મહિના માટે ૨.૩ મિલિયન ડોલરની લોન આપવા એ શરતે તૈયાર થયું હતું કે ભારતીય અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય બજારો અને બિઝનેસ માટે ખોલવામાં આવે. તે પહેલાં, ભારતમાં લાયસન્સ રાજ હતું અને કોણ શું અને કેટલો ધંધો કરશે તે સરકારો નક્કી કરતી હતી. નહેરુની સમાજવાદી નીતિને અનુસરતું એ ભારત હતું. બીજી તરફ, ડો. સિંહ, પરંપરાગત અર્થમાં, રાજકારણી નહોતા, લીડર હતા. એક લીડર લોકો માટે શું સારું છે એની ચિંતા કરે. એક રાજકારણી પોતાના માટે શું સારું છે તેની ચિંતા કરે. લીડર લોકોને એક દર્શન આપે અને એમને પ્રેરિત કરે. રાજકારણી સત્તા માટે સોદાબાજી કરે. ડો સિંહ રાજકારણી હોત તો, ૧૯૯૦માં જ્યારે દેશ દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતો ત્યારે અનેક પક્ષો અને સંગઠનોના જબરદસ્ત વિરોધ વચ્ચે આર્થિક સુધારની નીતિ લાવી શક્યા ન હોત. એમને સત્તાની પડી નહોતી. ઇન ફેક્ટ, તે એમની અર્થશાસ્ત્રની દુનિયામાં સુખી હતા. એ તો પી.વી. નરસિંહ રાવ એમની સૂઝથી મનમોહનજીને નાણામંત્રીના કાર્યાલયમાં ખેંચી લાવ્યા હતા.

દેશ જયારે તેનું અનામત સોનું ગીરવે મૂકવાની અણી પર પહોંચી ગયો હતો તેવી હાલતમાં દેશનું સુકાન હાથમાં લેનાર રાવની સૌથી પહેલી પ્રાથમિકતા નાણામંત્રીની હતી, કારણ કે હવે પછીના સમયમાં ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પનારો પડવાનો હતો અને તેના માટે રાજકારણીની નહીં, અર્થશાસ્ત્રીની જરૂર હતી. તેના માટે, રાવના ખાસ સલાહકાર પીસી એલેકઝાન્ડરે પહેલો ફોન રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર આઈ. જી. પટેલને કર્યો. પટેલ સાહેબ એમની માતાની તબિયતને લઈને વડોદરામાં સ્થાયી થયા હતા. એમણે નાણામંત્રીની જવાબદારી લેવાની ના પાડી. એલેકઝાન્ડરે બીજું નામ ડો. મનમોહન સિંહનું સૂચવ્યું. રાવના શપથ ગ્રહણના એક દિવસ અગાઉ, એલેકઝાન્ડરે ડો. સિંહને ફોન કર્યો. ડોક્ટર સાહેબ વિદેશથી આવ્યા હતા અને જેટ લેગના કારણે ઊંઘતા હતા. એમને ઊંઘમાંથી ઉઠાડવામાં આવ્યા. એમણે ફોન સાંભળી લીધો, પ્રસ્તાવ સાંભળ્યો, પણ ખોંખારીને કોઈ વાત ન કરી.

વર્ષો પછી, તે દિવસને યાદ કરીને ડો. સિંહે એક કાર્યક્રમમાં કહ્યું હતું, હું તે વખતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો ચેરમેન હતો. બીજા દિવસે સવારે હું રાબેતા મુજબ ઓફિસ ગયો. નરસિંહ રાવ મને શોધતા હતા. એમનો ફોન આવ્યો- તમે ક્યાં છો? મેં કહ્યું કે હું યુજીસી પર છું. એ બોલ્યા, તમને એલેકઝાન્ડરે કશી વાત નથી કરી? મેં કહ્યું કે મેં જ વાતને બહુ ગંભીરતાથી ન હતી લીધી. નરસિંહ રાવ બોલ્યા, ભલા માણસ ખરા છો! ઘેર જાવ અને તૈયાર થઈને શપથ લેવા આવો. શપથ પહેલાં રાવનો ફોન આવ્યો, હું તમને નાણાં મંત્રાલય સોંપવા માગું છું. આપણે સફળ થઈશું તો બંનેને તેનું શ્રેય મળશે, પણ જો નિષ્ફળતા મળી તો તમારે ઘરે બેસવું પડશે.

શપથ ગ્રહણ પછી ડો. સિંહે પ્રધાનમંત્રીને હાથે લખેલી એક નોટ થમાવી હતી. એમાં મોનેટરી ફંડે સૂચવેલી શરતો પૂરી કરવા માટેની રૂપરેખા હતી. એમાં સૌથી ઉપર એવું સૂચન હતું કે આર્થિક સુધારા લક્ષી કોઇપણ બાબત કેબિનેટની બેઠકોમાં નહીં મૂકવાની. એમના મનમાં જે યોજનાઓ હતી, તેને કૉંગ્રેસના મંત્રીઓ માન્ય નહીં રાખે તેની એમને ખબર હતી.

સરકારના પહેલા બજેટનો ડ્રાફ્ટ લઈને ડો. સિંહ વડા પ્રધાન રાવ પાસે ગયા. રાવે ડ્રાફ્ટ વાંચ્યો અને ખારીજ કરી નાખ્યો અને બોલ્યા,

મારે જો આવું બજેટ જોઈતું હતું, તો પછી તમને શા માટે પસંદ કર્યા હતા? એ સાંભળીને ડો. સિંહની હિંમત ખૂલી, અને એમણે શ્રેણીબદ્ધ ક્રાંતિકારી પગલાં સૂચવ્યાં. એ પહેલું સુધારાવાદી
બજેટ હતું, જેમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં ૨૬ ટકાનો ભાવવધારો, રૂ. ૨,૬૧૭ કરોડના નવા કરવેરા અને કાળું નાણું ધોળું કરવાની યોજના જાહેર કરવામાં આવી. આના પગલે રાજકીય વર્તુળમાં હંગામો મચી ગયો. કૉંગ્રેસના નેતાઓને લાગ્યું કે રાવ-સિંહની જોડી નહેરુવાદી દર્શનનો કચ્ચરઘાણ કરી નાખશે. ભાજપના મુરલી મનોહર જોશીએ કહ્યું કે આ તો દેશને વેચવાની વાત છે. રાવે વિરોધ પક્ષના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો કરીને એમને સમજાવ્યું કે દેશની શું પરિસ્થિતિ છે અને કેવી રીતે મોનેટરી ફંડની શરતો તેમાં મદદ કરશે. રાવનું એ બજાણીયાની જેમ તંગ રસ્સી પર બેલેન્સિંગ એક્ટ હતું. ૪ જુલાઈ, ૧૯૯૨ના રોજ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતે પાળેલી શરતો પર સંતોષ વ્યક્ત કર્યો. ઉદારીકરણનો વિચાર તે દિવસથી ભારતની ચેતનામાં રોપાઈ ગયો હતો. વર્ષો પછી, ડો. મનમોહન સિંહ તે દિવસોને યાદ કરીને કહેવાના હતા, આગળનો રસ્તો કઠીન હતો, પરંતુ એ સમય દુનિયાને ખોંખારીને એ કહેવાનો હતો કે ભારત જાગી ગયું છે. બીજી બધી વાતોનો ઈતિહાસ તો તમારી સામે જ છે. પાછળ નજર કરીને જોઈએ તો નરસિંહ રાવને વાસ્તવમાં ભારતમાં આર્થિક સુધારાઓના જનક કહી શકાય, કારણ કે એમની પાસે સુધારની દ્રષ્ટિ અને સાહસ બંને હતાં.

નરસિંહ રાવ અને ડો. મનમોહન સિંહની જોડીએ તે દિવસે ભારતના અર્થતંત્રને એરલિફ્ટ ન કર્યું હોત તો આજે આપણે ક્યાં હોત તેની કલ્પના કરાવા જેવી છે. ૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે કેન્દ્રીય અંદાજપત્ર પેશ કરતી વખતે ડો. સિંહે ફ્રેંચ કવિ વિકટર હ્યુગોનું ઈતિહાસ પ્રસિદ્ધ વિધાન દોહરાવ્યું હતું: ‘નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ એન આઈડિયા હુઝ ટાઈમ હેઝ કમ- દુનિયાની કોઈ તાકાત એ વિચારને રોકી નથી શકતી, જેનો સમય આવી ગયો છે…’ એ શબ્દો સાથે ‘નવા ભારત’નો જન્મ થયો હતો. એ અર્થમાં, ડો. મનમોહન સિંહ રાજકારણી નહોતા, પણ લીડર હતા, જે દૂરનું જોઈ શકતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button