ચૂંટણી પછી પક્ષનું પોસ્ટમોર્ટમ મોહન ભાગવતની ભાગવત
ભાજપના અહંકાર-અશિષ્ટતા સામે સંઘ ચૂપ કેમ રહ્યો?
કવર સ્ટોરી -વિજય વ્યાસ
ભાજપ અને તેના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વચ્ચે મતભેદો અને મનભેદ પણ વધી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
વાસ્તવમાં લોકસભાની ચૂંટણી વખતે જ આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ સાફ શબ્દોમાં કહેલું કે, ભાજપને હવે સંઘની જરૂર નથી…’ એક અખબારે ઈન્ટરવ્યૂમાં નડ્ડાને સવાલ કરાયેલો કે, ‘ભાજપ આરએસએસના ઈશારે ચાલે છે એ વાત સાચી છે?’
નડ્ડાએ તડ ને ફડ કરીને કહી દીધેલું કે, ભાજપ સતત આગળ વધી રહ્યો છે અને હવે ભાજપને આરએસએસની જરૂર હતી એ દિવસો રહ્યા નથી. ભાજપ પોતાના દમ પર સક્ષમ છે અને પોતાનું કામ પોતે જ કરે છે.
નડ્ડાજીએ એમ પણ કહેલું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં ભાજપ આટલી મોટી પાર્ટી નહોતી અને અમે સક્ષમ પણ ન હતા. શરૂઆતનાં વરસોમાં કદાચ અમને આરએસએસની જરૂર પડી હશે, પણ આજે અમે બહુ આગળ વધી ગયા છીએ અને એકલા હાથે આગળ વધવા માટે સક્ષમ છીએ તેથી સંઘની કોઈ જરૂર નથી. સંઘ એક સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન છે અને અમે એક રાજકીય સંગઠન છીએ. સંઘ એક વૈચારિક મોરચો છે તેથી તે વૈચારિક દ્રષ્ટિએ પોતાનું કામ કરે છે અને અમે અમારા મુદ્દા અમારી રીતે મેનેજ કરીએ છીએ…
નડ્ડાની વાત સામે સંઘ એ વખતે તો ગમ ખાઈ ગયેલો, પણ ભાજપને જોઈતી બેઠકો ન મળી એ સાથે જ સંઘે ભાજપને જવાબ આપવા માંડ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નરેન્દ્ર મોદીને આડકતરી રીતે અહંકારી કહેવાથી શરૂઆત કરી પછી સંઘનાં બે મુખપત્ર ‘પાંચજન્ય’ અને ‘ધ ઓર્ગેનાઈઝર’માં પણ ભાજપની મેથી મારવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલુ થઈ ગયો.
સંઘના જૂના સ્વયંસેવક રતન શારદાએ ‘ધ ઓર્ગેનાઈઝર’ માં લખેલા લેખમાં ભાજપની હારની સમીક્ષા કરી તેમાં ભાજપના જૂના કાર્યકરોની અવગણનાથી માંડીને બિનજરૂરી રાજકીય કાવાદાવા સહિતનાં અનેક કારણ ભાજપની હાર માટે જવાબદાર હોવાનું તારણ કાઢ્યું છે. રતન શારદાના કહેવા પ્રમાણે, ભાજપે મહારાષ્ટ્રમાં અજિત પવાર જેવા લોકોને જરૂર નહોતી, છતાં પોતાના પડખામાં લઈને આબરુ બગાડી.
બીજી તરફ, મોહન ભાગવતે ‘ચૂંટણી દરમિયાન પ્રચારમાં ભાજપ સાવ નીચલી પાયરીએ ઊતરી ગયેલો અને હલકી ભાષા વાપરીને શિષ્ટતા નહોતી જાળવી’ એવી વાત જાહેરમાં કરી અને ભાગવતે તો આડકતરી રીતે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને કહ્યું છે કે, સાચા સેવકમાં અહંકાર હોતો નથી અને તે બીજાને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરે છે.
ભાજપનો આખો ચૂંટણી પ્રચાર નરેન્દ્ર મોદી કેન્દ્રિત હતો. ‘મોદી કી ગેરંટી’ના નામે મોદી અહંકારનું વરવું પ્રદર્શન કરતા હતા. ‘મોદી એક અકેલા સબ પે ભારી’જેવી વાતો કરીને પોતાની સામે કોઈ ટકી જ નહીં શકે એવા હુંકાર કરતા હતા. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા યુવા નેતાઓ માટે ‘શેહઝાદે’ શબ્દો વાપરતા હતા. મોદીએ કૉંગ્રેસ સત્તામાં આવશે તો ઓબીસીની અનામત મુસ્લિમોને આપી દેવાશે અને હિંદુ બહેન-દીકરીઓનાં મંગળસૂત્ર છિનવી લેવાશે એવી બેતુક્કી વાતો પણ કરેલી. ભાજપના નેતાઓ પણ ‘મોદીની લોકપ્રિયતા સામે કોઈ ટકી જ નહીં શકે’ એવા ફાંકા મારતા હતા. ભાજપ પોતાની તાકાત પર ૩૭૦ બેઠક જીતી જશે, જ્યારે કૉંગ્રેસને સાવ ૪૦ બેઠક પણ નહીં આવે’ એવી ફિશિયારીઓ ભાજપના નેતા મારતા હતા. સોશિયલ મીડિયા પર તો ભાજપે માઝા જ મૂકી દીધેલી. મોદીભક્તો સિવાયના બીજા બધા દેશના ગદ્દાર હોય એવો જ માહોલ ઊભો કરી દેવાની કોશિશ પણ કરવામાં આવેલી.
આ બધું જોતાં ભાગવતની એ વાત સાચી છે કે, ચૂંટણી પ્રચારમાં ભાજપ અહંકારી હતો અને શિષ્ટતાને નેવે
ચડાવી દીધેલી પણ સવાલ એ છે કે, સંઘ અત્યારે આ બધું જ્ઞાન આપે તેનો કોઈ અર્થ છે ખરો? બિલકુલ નથી. સંઘ જે વખતે આ વાતો કરવાની હતી ત્યારે ચૂપ રહ્યો ને ચૂંટણીનાં પરિણામ પછી અત્યારે આખી દુનિયાનું જ્ઞાન ઠાલવે તેનો કોઈ જ મતલબ નથી. સંઘના નેતા ભાજપના શુભચિંતક હોય તો એમણે એ વખતે જ ભાજપને રોકવાની જરૂર હતી.
‘ભાજપનો અહંકાર ને અશિષ્ટતાના કારણે ચૂંટણીમાં નુકસાન થશે’ એવું સ્પષ્ટ શબ્દોમાં નીડર બનીને કહેવાની જરૂર હતી, પણ એ વખતે તો સંઘના નેતા ચૂપચાપ બેસી ગયેલા.
સંઘ ચૂંટણી પ્રચાર વખતે બોલ્યો નહીં કેમ કે તેનામાં આત્મવિશ્ર્વાસ જ નથી. મોદી અહંકારમાં પોતે નહીં જ હારે એવું માનતા હતા ને કદાચ સંઘને પણ એવું લાગતું હતું. ‘મોદી સ્પષ્ટ બહુમતી સાથે જીતીને ફરી વડા પ્રધાન બનશે તો બહુ શક્તિશાળી થઈ જશે ને આપણને ઊભા પણ નહીં રહેવા દે’ એવો ડર સંઘને હતો. ભાજપ સત્તાસ્થાને છે તેના કારણે મળી રહેલા ફાયદા અને ફંડ છિનવાઈ જશે એવો ફફડાટ સંઘના નેતાઓને હતો તેથી મોદી સામે પડવાનું ટાળ્યું. હવે મોદી મોંભેર પછડાયા છે અને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડવાની વાતો ફિશિયારીઓ સાબિત થઈ છે ત્યારે બધા મોદી પર હાથ સાફ કરી રહ્યા છે. આ પડ્યા પર પાટું મારવાની વૃત્તિ-પ્રવૃત્તિ છે. સંઘે પણ મોકાનો લાભ લઈને એ કરવા માંડ્યું, પણ અસલી મર્દાનગી પહેલાં આ બધું કહેવામાં હતી.
આજે મોદી ઘવાયેલા-ઈજાગ્રસ્ત વાઘ જેવા છે, છતાં એ પોતાની ત્રીજી ટર્મ ગમે તેમ પૂરી કરશે તો બીજી બાજુ, ભાજપ સાથેના આ સંઘર્ષમાં સંઘના નેતા કરોડરજ્જુ વિનાના પણ સાબિત થયા છે. સંઘ દુનિયાનું સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરે છે, પણ તેનામાં દુનિયાના સૌથી મોટા સંગઠન જેવો મર્દાના મિજાજ તો નથી જ પણ સ્વમાન પર થતા ઘા સામે બોલવાની હિંમત પણ નથી એ જોઈને આઘાત લાગે છે.
જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે અને નડ્ડાએ શબ્દો ચોર્યા વિના કહી દીધું કે, ‘અમને સંઘની જરૂર નથી., પણ સંઘના નેતા એવું કહેવાની હિંમત નથી બતાવી શકતા કે ભાજપને જો અમારી જરૂર નથી તો અમને પણ ભાજપની જરૂર નથી…’ નડ્ડા તો મહોરું છે ને વાસ્તવમાં તો એ નરેન્દ્ર મોદીની જ ભાષા બોલતા હતા.
મોદી લોકસભાની ચૂંટણી વખતે એવા જ તોરમાં હતા કે, આપણને કોઈ હરાવી શકવાનું નથી તેથી સંઘ કે બીજા કોઈનો આપણને ખપ નથી. આ અહંકારી માનસિકતાના કારણે ભાજપે સંઘને બે કોડીનો કરી નાખ્યો, પણ સંઘ પોતાનું આત્મગૌરવ જાળવવામાં ઊણો ઊતર્યો છે. ભાજપે અહંકારમાં ને અહંકારમાં પોતે સંઘને શું માને છે એ કહીને તેની ઔકાત બતાવી દીધી પણ સંઘ એવી હિંમત નથી બતાવી શકતો.
આમ જુવો તો સંઘની આ વરસો જૂની માનસિકતા છે. કોઈ પણ મુદ્દે મર્દાનગી ન બતાવવી અને પલાયનવાદી બનીને ભાગી જવું ને પછી જ્ઞાન પિરસવું એ સંઘની સ્ટાઈલ છે. આ સ્ટાઈલના કારણે જ લગભગ ૧૦૦ વર્ષ થવા આવ્યાં છતાં સંઘ ભારતના ૧૦૦ કરોડ હિંદુઓનું સર્વમાન્ય સંગઠન નથી બની શક્યો એ કડવી વાસ્તવિકતા છે.